Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ધો.૧૨ પછી જરૂરીયાતમંદ તેજસ્વી છાત્રોને સ્કોલરશીપ

રોટરી મીડટાઉન અને મહેતા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ૧૫ હજાર સુધીની સ્કોલરશીપ અપાશે

રાજકોટ, તા. ૧૩ : અગ્રીમ સેવા સંસ્થા રોટરી મીડટાઉનના સહયોગથી શ્રી ટપુભાઈ મહેતા અને શ્રીમતી દયાકુંવરબેન મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે જરૂરીયાતમંદ વર્ગના હોંશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનાર્થે બે પ્રકારની સ્કોલરશીપ શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રેજ્યુએટ અભ્યાસ માટે ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પછી મેડીકલ, ઈજનેરી, ટેકનીકલ વગેરે અભ્યાસ માટે પ્રતિવર્ષ ૧૫ હજાર સુધીની સહાય મળી શકશે. પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે કોઈપણ વિદ્યાશાખામાંથી ઉપાધી પ્રાપ્ત કર્યા પછી એમડી, એમએસ, એમડીએસ વગેરે ઉચ્ચ અભ્યાસ માટે પ્રતિવર્ષ રૂ.૧૫ હજાર સુધીની શિષ્યવૃતિ મળી શકશે.

ઉપરોકત બંને પ્રકારની શિષ્યવૃતિઓ માટે જે તે પરીક્ષાના પરિણામ, આર્થિક સ્થિતિ તેમજ પસંદગીના અભ્યાસક્રમના પ્રવેશને ધ્યાનમાં લેવામાં આવશે. આ સ્કોલરશીપનો લાભ સમગ્ર રાજકોટ જીલ્લાના વિદ્યાર્થીઓને મળશે.

આ સ્કોલરશીપ માટેના માહિતીપત્રક તેમજ ફોર્મ રોટરી મીડટાઉન, સી/૦ આઈ ટેક ઈન્ફોનેટ, ૩જો માળ, જે.પી.ટાવર, ટાગોર રોડ ખાતેથી સવારે ૧૧થી ૧૨ તથા સાંજે ૪ થી ૫:૩૦ દરમિયાન માર્કશીટની નકલ રજૂ કરીને મળશે. આ સ્કોલરશીપ માટે જે તે પરીક્ષામાં ૮૦% માર્કસ આવશ્યક છે.

ગયા વર્ષે આ સ્કોલરશીપ અંતર્ગત ૧૮૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવેલી. આ વિદ્યાર્થીઓ ગુજરાતની ખ્યાતનામ કોલેજીસ જેવા કે બી.જે.મેડીકલ, એલ.ડી. એન્જીનિયરીંગ, સીઈપીટી, પીડીયુ રાજકોટ મેડીકલ કોલેજ વગેરેમાં અભ્યાસ કરી રહ્યા છે.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રોટરી કલબ રાજકોટ મીડટાઉનના પ્રમુખ શ્રી અશોકભાઈ ભટ્ટ, પૂર્વ પ્રેસીડેન્ટ  ડો.બાનુબહેન ધકાણ, પૂર્વ પ્રેસીડન્ટ વિજયભાઈ નાગ્રેચા, હિતેષભાઈ વોરા નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:16 pm IST)