News of Friday, 13th July 2018
ન્યુ રાજકોટના વિસ્તારોમાં પાણી પુરૂ પાડતા ન્યારી-૧ ડેમમાં ૧૦ ફુટ નવા નીરની આવક થતા હાલની સપાટી ૧૪.૩૦ ફુટે પહોચી છે. આ ડેમની કુલ સપાટી ૨૫ ફુટ છે. જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ તા. ૧૩ :. છેલ્લા ૨ દિવસથી ગુજરાત સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ સર્જાયો છે. પરંતુ રાજકોટ શહેરમાં હજુસુધી જરૂરી વરસાદ વરસ્યો નથી. ગઇકાલે સવારથી ઝરમર વરસાદ સાથે રાત્રી સુધીમાં માત્ર પ મીમી વરસાદ નોંધાયો હતો પરંતુ કુદરતનો કરિશ્મા એવો થયો કે રાત્રે સાડા આઠ વાગ્યા થી રાજકોટ શહેર વચ્ચે પસાર થતી લોકમાતા આજી સુધીમાં ઘોડાપુર આવ્યા હતા અને તંત્ર તથા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. રાજકોટમાં વરસાદ નહી હોવા છતા નદીમા ઘોડાપુરથી ભારે આશ્ચર્ય સર્જાયેલ આ જ પ્રકારે ન્યુ રાજકોટમાં પાણી પુરૂ પાડતા ન્યારી - ૧ ડેમમાં પણ એકી સાથે ૯ ફુટ પાણી આવ્યુ હતુ અને રાજકોટને પાણી પુરૂ પાડતા ભાદર ડેમમાં પણ ૨.૩૫ ફુટ નવા નીરની આવક થઇ હતી.
આ અંગેની વિગતો મુજબ ગઇકાલે ગોંડલ જેતપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજા વરસતા રાજકોટને પાણી પુરૂ પાડતા ભાદર અને ન્યારી ડેમમાં નવા નીર આવતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.
રાજકોટના ન્યારી - ૧ ડેમમાં ગઇકાલ સાંજથી આજ સવાર સુધીમાં ૪૨૬ એમસીએફટી નવુ પાણી આવક થતા સપાટી ૧૩ ફુટે પહોચી છે. આ જળાશયમાંથી ન્યુ રાજકોટના વિસ્તારોમાં પાણી પૂરૂ પાડવામાં આવે છે. ૧૦ ફુટ નવી આવક થતા ૫ મહિના જેટલો પાણી મેઘરાજાએ ૧ દિવસમાં ઠાલવી દિધુ છે. આ ડેમની કુલ સપાટી ૨૫ ફુટ છે.
સૌરાષ્ટ્રના મુખ્ય જળાશય એવા ભાદર -૧ માં ૩૨૨ એમસીએફટી નવુ પાણી આવતા હાલ ડેમની સપાટી ૧૪.૬૦ ફુટે પહોચી છે. આ ડેમમાંથી રાજકોટના ગોંડલ રોડ વિસ્તારોમાં પાણી વિતરણ માટે ઉપાડ કરવામાં આવે છે. આ ડેમની સપાટી ૩૪ ફુટ છે.
શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોની સ્થિતિ
|
ડેમ નવા નીર હાલની સપાટી કુલ
|
ભાદર ૨.૪૫ ૧૪.૬૦ ૩૪
|
આજી - ૧૫.૩૦ ૨૯
|
ન્યારી ૧૦ ૧૪.૩૦ ૨૫
|