Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ગંજીવાડામાં ગાળો બોલવાની ના પાડતાં પ્રવિણભાઇ કોળીને ડોક પર છરો ઝીંકી પતાવી દેવાનો પ્રયાસ

મુળ જામનગરનો રમઝાન ઉર્ફ ટકો હુમલો કરી ભાગી ગયોઃ અગાઉ પણ ગુનામાં સંડોવાઇ ચુકયો છે

રાજકોટ તા. ૧૩: ગંજીવાડામાં રહેતાં ટ્રક ડ્રાઇવર કોળી પ્રોેઢ પર આ વિસ્તારમાં રહેતાં મુળ જામનગરના મુસ્લિમ શખ્સે કોયતા (છરા)થી હુમલો કરી ગળા પર ઘા ઝીંકી દેતાં તેમજ આ પ્રોૈઢ છરો પકડવા જતાં હાથમાં પણ ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી હુમલાખોરની શોધ આદરી છે. ગાળો બોલવાની ના પાડતાં આ શખ્સ તૂટી પડ્યાનું બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ ગંજીવાડા-૬માં રહેતાં પ્રવિણભાઇ નાથાભાઇ ચુડાસમા (ઉ.૪૮) નામના તળપદા કોળી પ્રોૈઢ રાત્રે દસેક વાગ્યે પુત્ર સાગર,પડોશી સગાર રાઠોડ, કુટુંબી ભત્રીજો રવિ રમેશભાઇ ચુડાસમા સહિતના સાથે ઘર નજીક સંતોષ ચોકમાં સુજલ પાન નામની દુકાન પાસે બેઠા હતાં ત્યારે રમઝાન ઉર્ફ ટકો ત્યાં આવી જેમ તેમ ગાળાગાળી કરવા માંડતાં નજીકમાં મહિલાઓ ઉભી હોઇ પ્રવિણભાઇએ તેને ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને તું કોણ મને ના પાડવા વાળો? તેમ કહી ગાળો દઇ ઢીકા-પાટુનો માર માર્યો હતો. બાદમાં પેન્ટના નેફામાંથી છરો કાઢી હુમલો કર્યો હતો.

જેમાં એક ઘા પ્રવિણભાઇને ગળાની ડાબી બાજુ લાગી ગયો હતો. બીજો ઘા તેણે પકડી લેતાં હાથમાં છરો લાગ્યો હતો. હુમલો થતાં પ્રવિણભાઇને છોડાવવા તેનો પુત્ર સાગર તથા બીજા લોકો વચ્ચે પડતાં રમઝાન ભાગી ગયો હતો. એ દરમિયાન નાનો ભાઇ ભરત ચુડાસમા આવી જતાં તેણે પ્રવ્ણિભાઇને ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં.

ગંભીર ઇજાગ્રસ્ત પ્રવિણભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા છે. સંતાનમાં બે પુત્ર અજય, સાગર અને એક પુત્રી આરતી છે. રમઝાન અગાઉ પણ ગુનાખોરીમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તે મુળ જામનગર તરફનો છે અને ગંજીવાડામાં તેના મિત્ર ભેગો રહે છે. પી.આઇ. એસ. એન. ગડુ, અજીતભાઇ ડાભી, ભરતસિંહ પરમાર અને ડી. સ્ટાફે હોસ્પિટલે પહોંચી પ્રવિણભાઇની ફરિયાદ પરથી રમઝાન ઉર્ફ ટકો સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૫)

(11:52 am IST)