Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

સીટીબસ માટે ૬II કરોડની ગ્રાન્ટ આપોઃ મેયરની માંગ

મુખ્યમંત્રીને પત્ર પાઠવતાં બીનાબેન આચાર્યઃ મ્યુ.કોર્પોરેશને વિદ્યાર્થીઓ-સિનિયર સીટીઝનો અને દિવ્યાંગોને છેલ્લા ૪ વર્ષમાં આપેલ ટિકીટ કન્સેશન ગ્રાન્ટ સ્વરૂપે આપવાં કરાઇ રજૂઆત

રાજકોટ તા.૧૨: શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહે તે હેતુથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૯૦ સીટી બસ દોડાવવામાં આવી રહી છે. આ સીટી બસમાં વિદ્યાર્થીઓ- સિનિયર સીટીઝનો અને દિવ્યાંગોને ૫૦ ટકા કન્સેશન આપવામાં આવે છે. છેલ્લા ૪ વર્ષમાં ૬.પ૦ કરોડ કન્સેશન પેટે આપવામાં આવેલ છે. આ ટીકીટ કન્સેશન ગ્રાન્ટ સ્વરૂપે કોર્પોરેશનને આપવા મેયર બીનાબેન આચાર્યએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ અંગે મેયર બીનાબેન આચાર્યએ મુખ્યમંત્રી ને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, શહેરીજનોને સીટી બસ સેવા મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ રાજપથ લિ. ની રચના કરી બી.આર.ટી.એસ. પ્રોજેકટ અંતર્ગત બી.આર.ટી.એસ. બસ સર્વિસ તથા શહેરી બસ સર્વિસની સુવિધા આપવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને નુકસાની જતી હોવા છતા શહેરીજનોની સુવિધા માટે આ બસ સેવા ચાલવવામાં આવે છે.

રાજકોટ રાજપથ લિ.ના બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા તા. ૧૯ માર્ચ ૨૦૧૩ તથા સ્થાયી સમિતિ દ્વારા તા. ૧૧ ઓ. ૨૦૧૩ ના ઠરાવથી વિદ્યાર્થીઓ, સિનીયર સિટીઝન તથા દિવ્યાંગોને ટીકીટ ભાડાના દરમાં ૫૦ % કન્સેશન આપવાનું મંજુર કરવામાં આવેલ, જેના અનુસંધાને નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪થી તા. ૧૮ માર્ચ ૨૦૧૮ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને કન્સેશન પેટે રૂ. ૫,૫૧,૮૮,૬૫૧ તથા દિવ્યાંગો તથા સિનીયર સીટીજનોને કન્સેશન પેટે રૂ. ૧,૩૭,૯૭,૧૬૪ સહિત કુલ રૂ. ૬.૫૦ કરોડ આપવામાં આવેલ છે. આ રકમ મ્યુનિ. કોર્પોરેશનને ગ્રાન્ટ તરીકે ફાળવવા માંગ કરવામાં આવી છે. (૧.૨૩)

(4:20 pm IST)