Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

રેલનગરનો સાધુવાસવાણી કુંજ રોડ ખોદી નંખાયોઃ ખાડામાં અકસ્માતનો ભય

ત્રણ-ત્રણ મહીનાથી ખોદેલા રસ્તામાં બુરાણ કરવા કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી તથા વોર્ડ પ્રમુખ ગૌરવ પુજારાની માંગ

રાજકોટ તા.૧૩ : શહેરના વોર્ડ નં.૩માં આપેલ રેલનગરના સાધુવાસવાણી કુંજ રોડને ખોદી નાંખવામાં આવતા આ રસ્તામાં અકસ્માત થવાના ભયથી રહેવાસીઓ ફફડી રહ્યા છે. ત્યારે વહેલીતકે આ રસ્તામાં બુરાણ કરાવવા કોંગી કોર્પોરેટર અને વિપક્ષના દંડક અતુલ રાજાણી ત્થા વોર્ડ પ્રમુખ ગૌરવ પુજારાએ માંગ ઉઠાવી છે.

 

આ અંગે રાજાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે  વોર્ડ નં.૩ના છેવાડાના વિસ્તાર રેલનગરને લાગુ સાધુવાસવાણી કુંજ રોડ પર છેલ્લા ૩ મહિનાથી રસ્તાની બન્ને બાજુ (સાઇડ સોલ્ડર) ખોદી નાખવામાં આવી છે. વારંવાર રજુઆતો છતા બુરાણ કરાતુ નથી. હાલ સમગ્ર શહેરમાં ખોદકામ બંધ કરવા મેયર-કમિશ્નરનો આદેશ હોવા છતાં ઉપરોકત રસ્તા પર ખોદકામ બંધ કરાયુ નથી કે બુરાણ પણ કરાયુ નથી. આથી વિપક્ષના દંડક અને વોર્ડ નં.૩ના કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી અને વોર્ડ નં.-૩માં કોંગી પ્રમુખ ગૌરવ પુજારા દ્વારા અસંખ્ય વખત રજુઆતો કરી છે છતા હાલની વાવાઝોડાની સ્થિતીમાં પણ ખોદકામ બુરવામાંં આવ્યુ નથી.

આ 'વાયુ' વાવાઝોડાની આપાતકાલિન સ્થિતીમાંં સમગ્ર શહેરમં ખોદકામ પર બુરાણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ સાધુવાસવાણી કુંજમાં ખોદકામ અધુરૂ મુકીને લતાવાસીઓને 'ભગવાન ભરોસે' છોડી દેવાયાછે. આ મુદ્ે વિપક્ષના દંડક અને કોર્પોરેટર અતુલ રાજાણી તેમજ વોર્ડ નં.-૩ ના કોંગ્રેસ પ્રમુખ ગૌરવ પુજારાએ સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશ્નર નંદાણી, સીટી એન્જીનીયર કામલીયાને રજુઆત કરવા છતા ખોદકામ બુરાયુ નથી. ત્યારે વાવાઝોડાની સ્થિતિ કે આગામી ચોમાસામાં જો સાધુવાસવાણી કુંજ મેઇન રોડ પર કોઇ વાહન ચાલક રાહદારી કે રહેવાસી જીવ ગુમાવે કે ઇજા પામે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે.

આ તકે ઉપરોકત પ્રશ્ને અતુલ રાજાણી અને વોર્ડ નં.૩ના પ્રમુખ ગૌરવ પુજારાની માંગણી છે કે સૌ પ્રથમ રોડની બન્ને તાત્કાલીક બેરીકેડ મુકવામાં આવે ત્યારબાદ ટોપ પ્રાયોરીટીના ધોરણે ખોદકામનું બુરાણ કરવામાં આવે અને ખુલ્લા ખાડા મુકી ફરાર થઇ ગયેલા કોન્ટ્રાકટરને શોધીને પેનલ્ટી ફટકારવામાં આવે આ અંગે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા રજુઆત છે.

(4:12 pm IST)