Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વાવાઝોડાથી બચાવવા રાજકોટમાં ૭૯૦૦નું સ્થળાંતર : ૩૦ વૃક્ષો કાપી નાખ્યા

મ્યુ. કમિશ્નર-પદાધિકારીઓ-કોર્પોરેટરો અને અધિકારીઓની ૧૮ ટીમોએ રાત્રીભર નિચાણવાળા વિસ્તારો ખુંદી લોકોને સલામત સ્થળે ખસેડી રહેવા-જમવાની વ્યવસ્થા કરાવી

રાજકોટ,તા.૧૩: અરબી સમુદ્રમાં ઉદભવેલા વાયુ નામક વાવાઝોડાની રાજકોટ શહેરમાં સંભવિત અસરો સામે રાજકોટ મહાનગરપાલિકાએ આવશ્યક પગલાંઓ લેવા માટે અગાઉથી જ પુરતી તૈયારી કરી રાખી હતી અને ભારે તોફાની પવનોથી સર્જાતા અકસ્માતોની શકયતા નિવારી શકાય તે માટે સંખ્યાબધ્ધ આવશ્યક પગલાંઓ લીધા હતાં. અકસ્માત ના થાય તે માટે તંત્ર જે કાંઈ જરૂરી પગલાંઓ લઇ શકે તે તમામ પગલાંઓ લીધા હતાં, અને તેમાં અગાઉથી જ સમગ્ર વહીવટી તંત્રને સંપૂર્ણ એલર્ટ કરી મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની ખુદ અને વરિષ્ઠ અધિકારીઓની બનેલી ૧૮ ટીમો વાયુ વાવાઝોડાના અહેવાલો આવવાનું શરૂ થયું એ સાથે જ શહેરના ત્રણેય ઝોનમાં ફિલ્ડ વર્ક માટે સક્રિય બની ગઈ હતી. વહીવટી તંત્રને અન્ય આનુસાંગિક તમામ મદદ-માર્ગદર્શન માટે પદાધિકારીઓ રાતભર સતત કંટ્રોલ રૂમ અને ફિલ્ડમાં રહયા હતાં અને પદાધિકારીઓ સાથે મ્યુનિ. કમિશનરશ્રી તથા અન્ય સિનિયર અધિકારીઓ સતત સંકલનમાં રહયા હતાં.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડાની દહેશતને પગલે કરેલી કામગીરે વિશે માહિતી આપતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની એમ જણાવ્યું હતું કે, ત્રણેય ઝોનમાં નાયબ કમિશનરશ્રીઓ દ્વારા વોર્ડ ઓફિસર, વોર્ડ એન્જિનિયર, ટેકસ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેકટરની બનેલી કુલ ૧૮ ટીમો ઉપરાંત ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ, ટીપી શાખા, એસ્ટેટ શાખા, આરોગ્ય શાખા, પ્રોજેકટ શાખા, ગાર્ડન શાખા, સહિત અન્ય તમામ સંબંધિત શાખાઓ અને તેનો તમામ સ્ટાફ મારફત તમામ વોર્ડમાં સતત રાઉન્ડ લેવામાં આવ્યા હતાં, જેના પગલે જોખમી હોર્ડિંગ અને વૃક્ષો, જર્જરિત મકાનો, બાંધકામ સાઈટ વગેરે સાથે સંબંધિત જોખમો નિવારી શકાયા હતાં.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આ મેગા ડ્રાઈવ વિશે માહિતી આપતા એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય (૦૩) ઝોનના કુલ ૧૮ વોર્ડ માંથી ૭,૯૦૦ નાગરીકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે. સ્થળાંતરમાં ૨,૪૯૮ પુરૂષો, ૨,૪૨૦ સ્ત્રીઓ તથા ૨,૯૮૨  જેટલાં બાળકોનો સમાવેશ થાય છે. આવશ્યકતા અનુસાર સ્થળાંતરીત લોકો માટે શહેરમાં અંદાજીત ૭૫ આશ્રયસ્થાનો (શાળાઓ, આંગણવાડી, કોમ્યુનીટી હોલ તથા નાઈટ શેલ્ટર્સ વિગેરે)માં આશ્રીતો માટે જમવા, પાણી તથા સેનીટેશન વિગેરે તમામની પુરતી વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.

કમિશનરે વધુમાં એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તથા અલગ અલગ સંસ્થાઓની મદદથી કુલ ૮૦,૦૦૦ જેટલા ફુડ પેકેટ તૈયાર કરવામાં આવેલ છે. શહેરના વિવિધ ૧૯ સ્થળો પરથી ત્રીસ (૩૦) જેટલા ભયગ્રસ્ત વૃક્ષો ટ્રીમ કરવામાં આવેલ છે. અલબત જયુબિલી કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડ કનાત્રોલ રૂમ પર શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઝાડ નમી ગયાનું કે ભયગ્રસ્ત હોવાની ૮ ફરિયાદો મળતા જોખમની સંભાવના દુર કરવામાં આવેલ છે. જયારે ધરમ ટોકીઝ પાછળ એક ઝાડ પડતા એક કાર અને બે દ્વિ ચક્રી વાહનો દબાયાની ફરિયાદને પગલે ફાયર બ્રિગેડ શાખાએ ઝાડ કાપી વાહન બહાર કઢાવ્યા હતાં.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં ચાલતી આવાસ યોજનાઓની બાંધકામ સાઈટ પરથી અંદાજે ૧,૧૬૦ જેટલા શ્રમજીવીઓને નજીકના સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે તથા તેઓ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવેલ છે. જયારે શહેરના વિવિધ જાહેર સ્થળો તથા રસ્તાઓ પર રહેતાં ૫૯૦ જેટલા બેઘર લોકોને નજીકના રેનબસેરા કે અન્ય સલામત સ્થળો પર સ્થળાંતર કરવામાં આવેલ છે.

કમિશનરશ્રીએ ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સ્થળો પરથી ભયજનક જણાંતા ૧૦૨ જેટલા અલગ અલગ સાઈઝના ફ્લેકસ તથા ૫૩ સ્ટ્રકચર સ્થળ પરથી ઉતારી લેવામાં આવેલ છે.  રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત રૂડા (રાજકોટ શહેરી વિકાસ સતામંડળ)ના ચેરમેન શ્રી બંછાનિધિ પાનીનાં માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા ન્યારી નદીના કાંઠે આવેલ વિવિધ ગામડાઓમાંથી કુલ ૫૬૪ તથા આજી નદીનાં કાંઠાના વિસ્તારોમાંથી  ૪૦૦ એમ કુલ મળીને ૯૬૪ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે. 

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઈ-વે પ્રોજેકટના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી)ની મદદથી સમગ્ર શહેરની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જયાં કયાંય પણ મહાનગરપાલિકાની મદદની આવશ્યકતા ઉભી થશે ત્યાં સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે. કોઇપણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકો તુર્ત જ ફરિયાદ કે જરૂરી માહિતીની આપ-લે કરી શકે તે માટે મ્યુનિ. કમિશનરશ્રીએ જયુબિલી ગાર્ડન ખાતે (ફોન નં. ૦૨૮૧-૨૨૨૫૭૦૭, અને ૦૨૮૧-૨૨૨૮૭૪૧) અને ફાયર ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. ૦૨૮૧-૨૨૨૭૨૨૨) કંટ્રોલ રૂમ કાર્યરત કરાવેલા છે જેથી કરીને અને ત્યાં નોંધાતી ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવા તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા તાકિદ કરી છે.

દરમ્યાન મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ કે ભારે તોફાની પવન દરમ્યાન ઉભી થનારી કોઇપણ વિકટ પરિસ્થિતિમાં પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવી આવશ્યક સેવાઓ ડીસ્ટર્બ ના થાય અને ભારે પવનને કારણે જો કોઈપણ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તાત્કાલિક આવશ્યક રાહત બચાવ કાર્ય સેવા ઉપલબ્ધ થઇ શકે તે માટે જરૂરી તમામ પગલાં લેવડાવી દીધા છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદની સંભાવના પણ હોવાથી નીચાણવાળા વિસ્તારો તથા અન્ડર બ્રિજમાં પાણી ભરાય તો તેને તાત્કાલિક ડીવોટરિંગ કરવા માટે પંપ અને સ્ટાફ તૈયાર રખાયા છે. શહેરમાં પીવાનાં પાણીનું વિતરણ કોઈ પ્રકારે ડીસ્ટર્બ નાં થાય તે જોવા સિટી ઈજનેરોને સૂચના આપવામાં આવી છે, અને મહાનગરપાલિકાના તમામ વોટર પમ્પિંગ સ્ટેશનોએ ઈલેકટ્રીક સ્પલાય ડીસ્ટર્બ થાય તો તેવા કિસ્સામાં જનરેટરની મદદથી પમ્પિંગ ચાલુ રહે તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. શહેરમાં રાહત બચાવની અસરકારક કામગીરી માટે ફાયર બ્રિગેડ સહિત મહાનગરપાલિકાના તમામ વાહનો ડીઝલનાં પુરતા જથ્થા સાથે જ તૈયાર રાખવામાં આવેલ છે. મહાનગરપાલિકાનાં તમામ અધિકારીઓ આઈ-વે પ્રોજેકટના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી)નો પુરેપુરો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે.

(4:01 pm IST)