Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

મેયર-સ્ટે.ચેરમેને ફલડ કન્ટ્રોલ સંભાળ્યોઃ ડે.મેયર-નેતા-દંડક અને કોર્પોરેટરો ફાયર સ્ટેશનમાં ખડેપગે

રાજકોટઃ અરબી સમુદ્રમાંથી ઉદભવેલ વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું છે, તેવી હવામાન ખાતા દ્વારા જણાવતા રાજકોટ મહાનગરપાલિકાએ આગોતરું આયોજન કરેલ. નદી કાંઠાના વિસ્તારોના લોકોને શાળાઓમાં સ્થળાંતર કરવાની કામગીરી અને શાળાઓમાં રહેવા સહિતની જરૂરી આનુસાંગિક વ્યવસ્થા કરવામાં આવેલ. આવા વિસ્તારોમાં માઈક દ્વારા લોકોને પણ જાગૃત કરવામાં આવેલ. મ્યુ.કોર્પોરેશન દ્વારા કંટ્રોલરૂમ, ફાયર સ્ટેશનો વિગેરે જગ્યાઓના ટેલીફોન નંબર સહિતની માહિતી પ્રસિદ્ઘ કરેલ. મેયર બિનાબેન આચાર્યએ પણ તમામ કોર્પોરેટરો પોત-પોતાના વિસ્તારમાં ઉપસ્થિત રહી તંત્રની સાથે જે-જે વિસ્તારોની જરૂર જણાય સ્થળ મુલાકાત વિગેરે કામગીરી સોંપવામાં આવેલ. ગત રાત્રીના રોજ મોડી રાત્રી સુધી જયુબેલી ખાતેના કંટ્રોલરૂમે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા ડે.કમિશ્નર ચેતન નંદાણી, શ્રી દેથરીયા તથા વેસ્ટ ઝોનમાં નિર્મળા ફાયર સ્ટેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વિજયભાઇ ભટ્ટાસણા, રઘુભાઇ ધોળકીયા, માધવ દવે તથા ઈસ્ટ ઝોન ફાયર સ્ટેશન ખાતે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, તેમજ સેન્ટ્રલ ઝોનના મુખ્ય ફાયર સ્ટેશનએ શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી વિગેરેને જવાબદારી સોંપવામાં આવેલ. તમામ પદાધિકારીઓ અને અધિકારીઓએ મોડી રાત સુધી કંટ્રોલરૂમની સાથોસાથ જુદાં-જુદાં વિસ્તારોની મુલાકાત લીધેલ. હજુ પણ હવામાન ખાતા તરફથી ૪૮ કલાક સુધી વાવાઝોડાનો ખતરો હોય, સંભવિત ખતરા સામે જરૂરી પગલા લેવા માટે તમામ પદાધિકારીઓ, કોર્પોરેટરો તંત્રની સાથે કાર્યરત રહેશે. તેમ મેયરની સતાવાર યાદીમાં જણાવાયુ છે.(તસ્વીર-અશોક બગથરીયા) 

(3:57 pm IST)