Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

રાજકોટમાં મેઘરાજાના અમી છાંટણા-ઝાપટાઃ ફૂંકાતો પવન

વાયુનો ખતરો ટળ્યોઃ ભીમ અગીયારસનું મુહુર્ત સચવાયું : વહેલી સવારથી ઘટાટોપ વાદળો અને ભારે પવન સાથે મેઘાવી માહોલઃ ૯ વાગ્યે ૧ મી.મી.નું ઝાપટુઃ વાતાવરણમાં ઠંડક પ્રસરીઃ કેટલાક સ્થળોએ ઝાડની ડાળીઓ પડયાની ફરીયાદો

રાજમાર્ગોના ખાબોચીયા ભરાયાઃ રાજકોટમાં સવારથી વરસાદી ઝાપટાને પગલે રાજમાર્ગો પર પાણીના ખાબોચીયા ભરાયા હતા. તસ્વીરમાં રાજનગર, અમીન માર્ગ વગેરે વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયેલ નજરે પડે છે. તથા લોકોએ રેઇનકોટ-છત્રીનો સહારો લીધો હતો તે દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૩: આજે સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડુ ટકરાવાની આગાહી સંદર્ભે છેલ્લા બે દિવસથી સરકારનું તંત્ર એલર્ટ હતુ લાખો લોકોનું સ્થળાંતર સહીતની તૈયારીઓ પણ થઇ ગઇ હતી. પરંતુ સદનશીબે આજે વાવાઝોડુ ફંટાઇ જતાં સૌરાષ્ટ્ર ઉપર ખતરો ટળી ગયો છે.

જો કે વાવાઝોડાની અસરરૂપે સૌરાષ્ટ્ર  કચ્છમાં કયાંક અમી છાંટણા સ્વરૂપે તો કયાંક ધોધમાર વરસીને મેઘરાજાએ આજે ભીમ અગીયારસનું મુહુર્ત સાચવી લેતા લોકોમાં ખુશીની લહેર ફેલાઇ હતી.

દરમિયાન રાજકોટમાં પણ આજે વહેલી સવારથી ઘટાટોપ વાદળો છવાયા હતા અને ભારે પવન ફુંકાઇ રહશયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકાથી વધુનું નોંધાયેલ અને શહેરમાં સવારથી જ મેઘરાજા અમી છાંટણા સ્વરૂપે ઝાપટા વરસાવી રહયા  છે. ૯ વાગ્યા સુધીમાં ૧ મી.મી.નું ઝાપટુ નોંધાયેલ. રસ્તાઓ ભીના થયા હતા. લોકોએ ભીંજાવાનો આનંદ મેળવ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આકાશમાં ઘટાટોપ વાદળો સાથે મેઘાવી માહોલ રાજકોટમાં સર્જાયો છે.

(3:33 pm IST)