Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

રૈયા રોડ સુભાષનગરનો અશરફ ઘાંચી અને શિવપરાનો વિરેન બે કિલો ગાંજા સાથે ઝડપાયા

એસઓજીના મનરૂપગીરી, જયંતિગીરી અને નિખીલ પિરોજીયાની બાતમી પરથી પી.આઇ. રાવલ, પીએસઆઇ રાણા અને ટીમે સુભાષનગરના સાઇધામ ચોકમાંથી વહેલી સવારે પકડી લીધાઃ બંનેને ગાંધીગ્રામ પોલીસને સોંપાયાઃ બે મહિના પહેલા રૂરલ એસઓજીએ ગોંડલ ચોકડીએથી જે કારમાં ગાંજા સાથે પકડ્યો'તો એ જ કાર સાથે ફરી શહેર એસઓજીએ દબોચ્યોઃ અશરફ વિરૂધ્ધ અમરેલીમાં પણ દારૂનો ગુનોઃ વિરેન અગાઉ ચોરીમાં પકડાતા પાસામાં ધકેલાયો'તો

રાજકોટ તા. ૧૩: રૈયા રોડના સુભાષનગર સાઇધામ ચોકમાંથી વહેલી સવારે શહેર એસઓજીની ટીમે સુભાષનગરના ઘાંચી શખ્સ અને રૈયા રોડ શિવપરાના એક યુવાનને કારમાં ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપ્યા છે. ઘાંચી શખ્સને હજુ બે મહિના પહેલા જ આજે જે કાર સાથે ઝડપાયો એ જ કાર સાથે ગોંડલ ચોકડીએથી રૂરલ એસઓજીએ ગાંજા સાથે પકડ્યો હતો. ત્યાં ફરીથી તે ઝપટે ચડ્યો છે.

શહેર એસઓજીના હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, જયંતિગીરી ગોસ્વામી અને નિખીલભાઇ પિરોજીયાને બાતમી મળી હતી કે સુભાષનગર-૮માં રહેતો અને અગાઉ ગાંજા સાથે પકડાઇ ગયેલો અશરફ હબીબભાઇ કાલવાતર (ઘાંચી) (ઉ.૪૫) વહેલી સવારે સ્વીફટ કાર નં. જીજે૩સીએ-૯૫૭૨માં ગાંજા સાથે આવી રહ્યો છે. આ બાતમી પરથી પી.આઇ. આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એચ.એમ. રાણા અને ટીમે વોચ રાખતાં બાતમી મુજબની કાર સુભાષનગર સાઇધામ ચોકમાં આવતાં અટકાવીને તલાશી લેતાં અંદરથી મીણીયાના થેલામાંથી રૂ. ૧૪૪૦૦નો ૨.૪૦૦ ગ્રામ ગાંજો મળી આવતાં અશરફ તથા સાથેના વિરેન કિશોરભાઇ રવાણી (ઉ.૨૦-રહે. રૈયા રોડ શિવપરા-૩)ની ધરપકડ કરી ગાંજો, મોબાઇલ ફોન, રોકડ મળી કુલ રૂ. ૨,૧૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. આર. વાય. રાવલની ટીમના પીએસઆઇ એચ. એમ. રાણા, એએસઆઇ વિજયભાઇ શુકલ, ગાંધીગ્રામના એએસઆઇ મહેશભાઇ લુવા, એસઓજીના મનરૂપગીરી, ધર્મેન્દ્રસિંહ રાણા, જયંતિગીરી, ગિરીરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઝાલા, નિખીલભાઇ, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

અશરફ અગાઉ અમરેલી જીલ્લામાં દારૂના ગુનામાં પકડાયો હતો અને તાજેતરમાં બે માસ પહેલા ચૂંટણી સમયે ગોંડલ પાસે ગાંજા સાથે ઝડપાયો હતો. ત્યારે પણ આજે જપ્ત કરાયેલી કાર જ તેની પાસે હતી. તે જામીન પર છુટ્યા બાદ ફરીથી ગાંજો લેવા ગયો હતો અને સાથે શિવપરાના વિરેનને લઇ ગયો હતો. વિરેન પણ ગાંધીગ્રામ વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાતાં ૨૦૧૮માં પાસામાં ધકેલાયો હતો. વિશેષ તપાસ ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરી હેઠળ હાથ ધરવામાં આવી છે. (૧૪.૯)

(11:50 am IST)