Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સરદાર પટેલ ફાઉન્ડેશન દ્વારા આયાત- નિકાસ- જીએસટીના કોચીંગ કલાસનો પ્રારંભ

રાજકોટના સરદાર ભવન ખાતે વ્યાપાર સંગઠનોની મીટીંગમાં આયોજન ઘડી કઢાયુઃ 'ગુજરાતી કલા અને સાંસ્કૃતિ વારસો' પુસ્તકનું વિમોચન

રાજકોટ,તા.૧૩: ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટમાં ઘણા વર્ષોથી યુવાનોને સરકારી નોકરી અને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન પૂરૃં પાડી રહ્યું છે. તેના ભાગરૂપે વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મદદરૂપ થવા માટે આયાત-નિકાસ, જીએસટી અને ટેલી એકાઉન્ટીંગને લગતા કલાસ શરૂ કરવા માટે પૂર્વ તૈયારી અર્થે  સરદાર ભવન ખાતે વ્યાપાર-ઉદ્યોગ સંગઠનોની ખાસ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણીના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષદભાઈ માલાણી, સ્પીપાના ડાયરેકટરશ્રી શૈલેષભાઈ સગપરિયા, પીઆઈ ડો. નિલેશભાઈ ઘેટિયા, ખોડલધામના ટ્રસ્ટીઓ,  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, સોમનાથ લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.   મિટિંગમાં રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન,  શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, કિચનવેર, હાર્ડવેર, મશીનટુલ્સ, લઘુ ઉદ્યોગોના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કારોબારી સભ્યો સહિત વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધંધાર્થીઓને આયાત-નિકાસ, જીએસટી તથા એકાઉન્ટીંગ અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે આ મિટિંગમાં માર્ગદર્શન અપાયું હતું. મિટિંગમાં આશિષભાઈ અકબરી દ્વારા એકસપોર્ટ-ઈમ્પોર્ટ અંગેના કલાસીસ અંગે માર્ગદર્શન અપાયું હતું. જયારે ધર્મેશભાઈ સૂચક દ્વારા જીએસટી અને ટેલી એકાઉન્ટીંગના કલાસીસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માત્ર લેઉવા પટેલ જ નહીં પરંતુ વ્યાપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સમાજના લોકોને આયાત-નિકાસ સાથે જીએસટી, એકાઉન્ટીંગને લગતું કાયદાકીય માર્ગદર્શન મળી રહે તે માટે રાજકોટના સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે દર શનિ-રવિવારે ખાસ કલાસીસનું આયોજન કરવામાં આવેલ છે. આયાત-નિકાસ તથા જીએસટી, એકાઉન્ટને લગતા કલાસીસ દર શનિવારે સાંજે ૬ થી ૯ અને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યા હોવાનું કાર્યક્રમમાં જણાવ્યું હતું અને આ કલાસીસમાં નિવૃત અધિકારીઓ ઉપરાંત સંબંધિત વિભાગોના નિષ્ણાતો પ્રેકટીકલ સાથે માર્ગદર્શન આપશે. આ કલાસીસની પ્રથમ બેચ ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે જેથી જેમણે આ કલાસીસમાં કોચિંગ મેળવવું હોય તેઓએ તાત્કાલિક સરદાર પટેલ કલ્ચરલ ભવનની રૂબરૂ મુલાકાત  અથવા ફોન નંબરઃ ૦૨૮૧-૨૩૬૫૦૯૯ પર સંપર્ક  કરવા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષદભાઈ માલાણી અને સિનિયર ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું. દરમિયાન આ કાર્યક્રમમાં જ જીપીએસસી,  યુપીએસસી તથા વર્ગ-૩ સહિત વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ માર્ગદર્શન મળી રહે તે માટે ડો. નિલેશભાઈ દ્યેટિયા લિખિત ''ગુજરાતની કલા અને સાંસ્કૃતિક  વારસો'' નામના પુસ્તકનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ અને સામાન્ય  જ્ઞાન વધારવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પુસ્તક અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટના વિવિધ બુક સ્ટોર પર મળી રહેશે. અથવા રાજકોટમાં આ પુસ્તક મેળવવા માટે સરદાર પટેલ કલ્ચરલ ભવનનો સંપર્ક કરી શકાશે. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ,  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, સોમનાથ લેઉવા પટેલ અતિથિ ભવનના વર્તમાન અને ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ, ખોડલધામના વર્તમાન અને ભૂતપૂર્વ કન્વીનરો, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ, રાજકોટમાં ચાલતા લેઉવા પટેલ સમાજના સોશિયલ ગ્રુપ અને પરિવારના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.(૩૦.૪)

(11:50 am IST)
  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST

  • વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે સિધુ ત્રાટકશે નહિ, અને પશ્ચિમ દિશામાં ફંટાય રહ્યું છે અનેઓમાન તરફ આગળ વધે છે, સોમનાથ થી 125 કીમી દૂરથી ફંટાય રહ્યું છે... ભારે પવન અને વરસાદ ચાલુ રહેશે access_time 8:41 am IST

  • પોરબંદર જિલ્લામાંથી 38551 લોકોનું સ્થળાંતર :વાયુ વાવાઝોડાને પગલે પોરંબદર દરિયા કાંઠાના વિસ્તારમાંથી 38 ,551 લોકોનું સ્થળાંતર કરાયું છે :સાવચેતીના પગલાં રૂપે પોરબંદર સહીત જિલ્લાના રાણાવાવ કુતિયાણા સહિતના સ્થળેથી સ્થળાંતર access_time 10:45 pm IST