Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

આફતના સમયે ભાજપ નાગરીકોની સાથે મજબુત અને મકકમ બનીને ખડેપગે ઉભો છેઃ જીતુભાઇ વાઘાણી

રાજકોટ, તા. ૧૩,   પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાધાણીએ રાજકોટમાં સરકીટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે,  'વાયુ' વાવાઝોડું  ના પગલે ભાજપની સરકારે આગોતરૂ આયોજન કરીને વાવાઝોડા સમયે અને વાવાઝોડા બાદ ઉભી થનારી તમામ જરુરિયાતની ચીજ વસ્યુઓની યાદી તૈયાર કરીને કાર્ય કરી રહી છે. ઝીરો કેઝયુલ્ટી એજ સરકારનો મુખ્ય ઉદેશ્ય છે. આ માટે ભારતીય જનતાપાર્ટીની સરકારે તમામ મંત્રીશ્રીઓને સ્ટેન્ડ-બાય પર રાખ્યા છે. રાજકોટની કામગીરીનો ભાર ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલના સોંપવામાંઆવ્યો છે જેના વિશેષ માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યકર્તાઓ અને વહિવટી તંત્ર કાર્યરત રહેશે.

 તેઓએ જણાવેલ કે ઈશ્વરને પ્રાર્થના     'વાયુ'  વાવાઝોડાની આફત ટળે અને ન્યુનતમ નુકશાન થાય તેવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના છે. રાજકોટની કામગીરીનો ભાર ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલના સોંપવામાં આવ્યો છે ત્યારે વિજ ખોટ ન થાય તથા જરૂરિયાત મુજબ તમામ વ્યવસ્થા અને સાધન સરંજામ સહિતનો પી.જી.વી.સી.એલનો કંટ્રોલરૂમ પણ શરુ કરવામાં આવ્યો છે.

 શ્રીજીતુભાઇ વાઘાણીએ વધુ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુહમંત્રીશ્રી અમિતભાઈ શાહ 'વાયુ'  વાવાઝોડાની આફતને ધ્યાને લઈને સતત ચિંતિત છે તથા રાજય સરકારના સતત સંપર્કમાં છે. આ સમયે રાજયમાં એન.ડી.આર.એફ.,  એસ.ડી.આર.એફ., આર્મી, કોસ્ટલ ફોર્સ, એરફોર્સ જેવી તમામ એજન્સીઓ રેડી, રીઝર્વ અને રેસ્કયુ માટે સજ્જ છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજયમાં ૩લાખ જેટલા લોકોનું નજીકના સલામત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

 ગુજરાતની જનતાને સંદેશો પાઠવતા ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત પર આવેલી આ આફતના સમયે રાજયની ભાજપ સરકાર અને ભાજપ પક્ષ સતત અને અવિરત પણે લોકોની પડખે મજબુત અને મક્કમ બનીને ખડે પગે ઉભો છે. 

 આ તકે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, ભાજપ પ્રવકતાશ્રી રાજુભાઈ ધ્રુવ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ અગ્રણી શ્રી નિતીનભાઈ ભારદ્વાજ, અગ્રણીશ્રી દેવાંગભાઈ માંકડ સહિતના અનેક  પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:49 am IST)