Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પત્નિ પ્રેમી સાથે ભાગી ગયા બાદ તેને શોધવા નીકળેલા માધાપરના બાબુની જુના માર્કેટ યાર્ડ પાસે લાશ મળી!

પત્નિ પાયલ મંગળવારે પાડોશી અનિલ કોળી સાથે ભાગી'તીઃ પાયલની બે બહેનો બાબુને બેભાન મુકી ગયાનો આક્ષેપઃ દેવીપૂજક યુવાનનું મોત દારૂથી થયું કે ઝેરથી?...જાતે પીધું કે કોઇએ પીવડાવીને પતાવી દીધો?...રહસ્ય ઉકેલવા પોલીસની મથામણઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું

બાબુનો નિષ્પ્રાણ દેહ અને તેના શોકમય માતા હંસાબેન, બહેનો, પુત્ર સહિતના સ્વજનો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૩: માધાપર ચોકડી પાસે રહેતાં મુળ ભીચરી હાજાપરાના બાબુ રમણિકભાઇ સોલંકી (ઉ.૩૫) નામના દેવીપૂજક બકાલી યુવાનનું રહસ્યમય મોત થયું છે. બે દિવસ પહેલા આ યુવાનની પત્નિ પાયલ માધાપરના જ અનિલ કોળી નામના યુવાન સાથે ભાગી ગઇ હતી. એ દિવસે જ પત્નિને શોધવા નીકળેલા બાબુની બાદમાં ગત સાંજે પાંચેક વાગ્યે જુના માર્કેટ યાર્ડના ખુણે શ્રીરામ સોસાયટીમાં જવાના રસ્તા પર ફૂટપાથ પરથી લાશ મળતાં ચકચાર મચી ગઇ છે.

બાબુ બેભાન હાલતમાં મળ્યો હતો. જેને ૧૦૮ના ઇએમટી તબિબએ મૃત જાહેર કર્યો હતો. બાબુને તેની પત્નિ પાયલની બે બહેનો અહિ આ રીતે મુકી ગયાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો છે. તેમજ બાબુને દારૂ પીવાની ટેવ પણ હતી. તેણે પત્નિના વિયોગમાં વધુ પડતો દારૂ પી લેતાં મોત થયું કે પત્નિ ભાગી જતાં ઝેર પી આપઘાત કર્યો? કે પછી કોઇએ પરાણે ઝેર પાઇ દીધું? આ સવાલોના જવાબ શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

મૃતકના ફઇના દિકરી આશાબેન, માતા હંસાબેન સહિતના પરિવારજનોએ સાથે કહ્યું હતું કે બાબુ માધાપર વિનાયક વાટીકા પાસે બકાલાની લારી રાખી ધંધો કરતો હતો. તેને સંતાનમાં ત્રણ દિકરા સંજય (ઉ.૧૧), આકાશ (ઉ.૧૦) અને સંદિપ (ઉ.૮) છે. જેમાં સંજય વિકલાંગ છે. બાબુની પત્નિ પાયલ ગયા મંગળવારે પડોશી અનિલ કોળી સાથે ભાગી ગઇ હતી. આ પહેલા પણ તે આ શખ્સ સાથે ભાગી હતી.

મંગળવારે પત્નિને શોધવા બાબુ નીકળ્યા બાદ ગત સાંજે તે યાર્ડ પાસે બેભાન મળ્યો હતો. તેને અહિ રિક્ષા મારફત તેની પાટલા સાસુ આશા અને સાળી દેકુબેન મુકી ગયા હતાં. ફઇની દિકરી આશાબેને કહ્યું હતું કે પોતાને બાબુની પાટલાસાસુએ ફોન કરી બાબુને યાર્ડ પાસે ઉતાર્યો છે તેવી વાત કરી હતી. પોતે ત્યાં જોવા જતાં બાબુની લાશ જ હતી. તે જાતે ઝેર પીવે તેવો નહોતો. તે દારૂની ટેવ ધરાવતો હતો. તેમ વધુમાં આશાબેને કહ્યું હતું.

મૃતક બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. પિતા હયાત નથી. માતા-ત્રણ સંતાનોનો આધારસ્તંભ હતો. ઘટના આપઘાતની છે કે હત્યાની? તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે. પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં એએસઆઇ કે. યુ. વાળા, અશ્વિનભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. ફોરેન્સિક રિપોર્ટ બાદ આગળ તપાસ થશે. (૧૪.૫)

 

(10:16 am IST)
  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશેઃ હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે access_time 11:37 am IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : રાજ્ય ના તમામ બંદર ઉપર લગાવાયા 9 નંબર નું સિગ્નલ : અતિ ભયજનક ગણાય 9 નંબર નું સિગ્નલ : પોરબંદર, જાફરાબાદ, વેરાવળ સહિત ના બંદર પર પણ ભયજનક 9 નંબર નું સિગ્નલ લગાવાયું : લોકો ને શાંતિ જાળવવા અને સાબદા રહેવા તંત્રની અપીલ access_time 8:14 pm IST