Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

શુક્રવારે શાસ્ત્રીય સંગીતની મહેફીલ

કૌશર હાજી દ્વારા જયપુર અત્રૌલી ધરાનાનું શાસ્ત્રીય ગાયન રજૂ થશે

રાજકોટ તા. ૧રઃ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના સહયોગથી સ્વર સુધાર શાસ્ત્રીય સંગીત ગ્રુપ, રાજકોટના ઉપક્રમે શહેરના ટાગોર માર્ગ ઉપર આવેલ હેમુ ગઢવી હોલ (મુખ્ય ઓડીટોરીયમ) ખાતે તા. ૧૪મી શુક્રવારે રાત્રીના -૩૦ કલાકે શાસ્ત્રીય સંગીતની મહેફીલનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં જયપુર અત્રૌલી ધરાનાના કૌશર હાજીનું શાસ્ત્રીય ગાયન રજુ થશે. તબલા સંગત પુષ્પરાજ જોષી (મુંબઇ) અને હારમોનીયમ સંગત સુપ્રિયા જોષી (મુંબઇ) કરશે.

કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે વીરપુર જલારામ મંદિર પરિવારના રઘુરામબાપા, જાણીતા શાસ્ત્રીય ગાયિકા પીયુબેન સરખેલ, શારદા રાવ ઉપરાંત આકાશવાણીના ઝીંદેહસન ખાં, હપ્પુખાં, હરીકાંતભાઇ સેવક તેમજ ભરતભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

જયપુર અત્રૌલી ધરાનાના કૌશર હાજીએ બાળપણથી ''સંગીત વિશારદ'' સુધીનું શિક્ષણ પિતાશ્રી અનવર હાજી પાસેથી મેળવ્યું ''સંગીત વિશારદ''ની પદવી તેમણે ''અનીલ ભારતીય ગાંધર્વ-મહાવિદ્યાલય મુંબઇ'' ખાતેથી મેળવી.

હાલમાં છેલ્લા અગિયાર વર્ષથી મુંબઇ ખાતે સ્થિત વિદુષી અશ્વિની ભીડે-દેશપાંડે પાસેથી ''જયપુર અત્રૌલી'' ઘરાનાની ખયાલ ગાયનની તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે. ઉપરાંત તેમની પાસેથી ઠુમરી, દાદરા, હોરી, ચૈતી વગેરે ગાયન શૈલીની પણ તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, સંગીત સાધનામાં અડચણ ઉભી થોાય તે માટે કૌશરએ સંગીત શિક્ષક તરીકેની સેન્ટ્રલ ગવર્નમેન્ટની નોકરીનો પણ અસ્વીકાર કર્યો હતો.

છેલ્લા વર્ષથી ''ગુજરાત રાજય સંગીત નાટક એકેડમી'' દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ગુજરાતભરમાં પોતાના ગાયનની પ્રસ્તુતિ કરી રહ્યા છે. માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે રાજકોટ દૂરદર્શન દ્વારા પ્રસારિત કાર્યક્રમમાં પોતાનું ગાયન રજુ કર્યું હતું.

રાજકોટના શાસ્ત્રીય સંગીતના રસીક શ્રોતાઓને કાર્યક્રમમાં પધારવા માટે સંસ્થાના પ્રમુખ કિરીટભાઇ ધોળકીયા, કમીટી મેમ્બર્સ સરલાબેન ત્રિવેદી, અનવર હાજી, નૈષધ દોશી તથા શમા . હાજી તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૮૧૬૦૭ ૧૪૭૩૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્વીરમાં કૌશર હાજી, અનવર હાજી, કિરીટભાઇ ધોળકીયા (મો. ૯૮ર૪ર ૮ર૧૦૦) નજરે પડે છે. (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

(4:19 pm IST)