Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

બિલ્ડર નિલેષ લુણાગરીયા સામે હવે લોધીકામાં ઠગાઇનો ગુનો

જુના માર્કેટ યાર્ડ પાસે શકિત સોસાયટીમાં રહેતાં પટેલ વેપારી હસમુખભાઇ સુરાણીને મરવા મજબૂર કરનાર બિલ્ડરનું વધુ એક કારસ્તાન : કેનાલ રોડ પર રહેતાં અને પાપડની ફેરી કરતાં રૂપેશભાઇ લુહારને મોટાવડાની સીમમાં ૧૪ લાખમાં ફલેટ આપવાના બહાને મકાનની દલાલીનું કામ કરતાં ઉમેશ વાઘેલાએ નિલેષ લુણાગરીયા સાથે મળી સોદો નકી કર્યોઃ લોન થઇ ગઇ, દસ્તાવેજ થઇ ગયો પરંતુ બે વર્ષ પછી પણ ફલેટનું પઝેશન ન સોંપ્યું: આવી જ રીતે સંજયભાઇ દત્તાણી સાથે પણ છેતરપીંડી કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૧૨: જુના માર્કેટ યાર્ડ પાસે શકિત સોસાયટી-૧માં 'સુરાણી' ખાતે રહેતાં અને અન્નપૂર્ણા ગૃહઉદ્યોગ નામે નમકીનનો તથા હસમુખ ટ્રેડિંગના નામે ઘંઉનો ધંધો કરતાં હસમુખભાઇ ઘેલાભાઇ સુરાણી (ઉ.૪૦) નામના લેઉવા પટેલ વેપારીએ ગત ૨૧/૧૨/૧૮ના રોજ ઝેર પી લીધું હતું. તેમનું ૨૫મીએ  સાંજે મોત નિપજ્યું હતું. આપઘાત પાછળ સામા કાંઠાના  બિલ્ડર નિલેષ  બિલ્ડર નિલેષ કાનજીભાઇ લુણાગરીયા ઉર્ફ એન. કે. (ઉ.૩૯-રહે. શ્રી સોસાયટી-૨, એસ્ટ્રોન સોસાયટી સામે), તેના પત્નિ હીનાબેન સહિત ૧૧ સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યાં આ બિલ્ડર નિલેષ લુણાગરીયા અને તેની સાથે દલાલીનું કામ કરતાં  ઉમેશ મેઘજીભાઇ વાઘેલા સામે હવે લોધીકા પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે. આ બંનેએ મોટાવડાની સીમમાં પૂર્વા હાઇટ્સમાં આવેલા ફલેટના વેંચાણ માટે જુદા-જુદા લોકો પાસેથી કોરા ચેકોમાં સહી કરાવી ફલેટ ઉપર ૧૬ લાખની લોન કરાવી આપવાનો અને ફલેટ સોંપવાનો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ ફલેટનું બાંધકામ પુરૂ જ ન કરી પઝેશન ન સોંપી છેતરપીંડી કર્યાનો આરોપ મુકાયો છે.

આ મામલે રાજકોટના કેનાલ રોડ પર જીન પ્રેસ પાછળ લલુળી વોંકળી પાસે અક્ષર શેરી-૪માં રહેતાં અને પાપ વેંચવાની ફેરી કરી ગુજરાન ચલાવતાં રૂપેશભાઇ વલ્લભભાઇ મકવાણા (ઉ.૪૩) નામના લુહાર યુવાનની ફરિયાદ પરથી નિલેષ લુણાગરીયા અને ઉમેશ વાઘેલા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે.

રૂપેશભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પાપડ વેંચી ગુજરાન ચલાવું છું. બે વર્ષ પહેલા મારે મકાન ન હોઇ જેથી મકાન ખરીદવા માટે મકાન લે-વેંચની દલાલીનું કામ કરતાં ઉમેશ વાઘેલાને વાત કરી હતી. ઉમેશ તે વખતે મને ૧૫૦ ફુટ રીંગ રોડ પર નક્ષત્ર બિલ્ડીંગમાં આવેલી નિલેષ લુણાગરીયાની ઓફિસે લઇ ગયેલ. ત્યાં ફલેટ ખરીદવા બાબતની વાત થઇ હતી. એ પછી ઉમેશ મને લોધીકાના મોટાવડાની સીમમાં પૂર્વા હાઇટ્સ નામની સાઇટ ચાલુ હોઇ ત્યાં લઇ ગયેલ અને ત્રણ બિલ્ડીંગના કામ ચાલુ હતાં તે બતાવ્યા હતાં. બીજા ફલેટ બૂક થઇ ગયાનું કહીને મને સી-વિંગમાં ૩૦૨ નંબરનો ફલેટ વેંચાવાનો બાકી છે તેમ કહી ત્રણ મહિનામાં કામ પુરૂ થઇ જતાં ફલેટ સોંપી દેવાશે તેમ કહેવાયું હતું.

ત્યાં સુધીમાં લોનની પ્રોસેસ કરવાનું કહી મને ફરીથી નિલેષની ઓફિસે લઇ જવાયેલ. જ્યાં નિલેષ લુણાગરીયા સાથે મારે આ ફલેટનો ૧૪ લાખમાં સોદો નક્કી થયો હતો. મને લોનને લગતા ડોકયુમેન્ટ ઉમેશ વાઘેલા પાસે જમા કરાવી દેવાનું કહેવાતાં મારાી પત્નિની આઇડી પ્રૂફ, કોરા ચેક, આઇટી રિટર્ન્સ સહિતના ડોકયુમેન્ટ ઉમેશને આપ્યા હતાં. તેણે કોરા ફોર્મમાં મારી ઘણી સહીઓ લીધી હતી. એ પછી ૨૬/૭/૧૭ના રોજ ફલેટનો દસ્તાવેજ કરવા મને બોલાવ્યો હતો. હું લોધીકા સબ રજીસ્ટારની કચેરીએ જતાં વંચાવ્યા વગર જ સમય પુરો થવામાં છે તાત્કાલીક સહિઓ કરી દો. એવું પણ કહેવાયું હતું કે દસ્તાવેજ સીધો ફાયનાન્સ કંપનીમાં મોર્ગેજ થઇ જશે. તમારે આવતી કાલે ફરી આવવું પડશે તેમ કહેતાં મેં વિશ્વાસ રાખી સહીઓ કરી દીધી હતી. એ પછી તેણે હવે તમે ફલેટના માલિક બની ગયા છો તેમ કહેવાયું હતું.

ત્યારબાદ તપાસ કરતાં ખબર પડી હતી કે દસ્તાવેજમાં જે મિલ્કતના ફોટા લગાડ્યા છે તે મેં પસંદ કરેલા ફલેટના નથી. તેને આ બાબતે પુછતાં તેણે કહેલ કે મિલ્કત પુરી બતાવવા માટે આમ કરવું પડે. અમે અઠવાડીયામાં કામ પુર્ણ કરી અમે પઝેશન સોંપવાના છીએ. જો કે થોડા દિવસ બાદ મને ઇન્ડિયા હોમ લોન લિ. ફાયનાન્સ કંપની તરફથી ચેક રિટર્નની નોટીસ મળતાં બિલ્ડરને જણાવેલ કે મને ફલેટનું પઝેશન સોંપાયુ નથી અને લોન પણ પાસ થયાની જાણ થઇ નથી તો આ ચેક રિટર્નનની નોટીસ કઇ રીતે મળી?

આ બાતે નિલેષ લુણાગરીયાએ કહેલ કે તમે ભરોસો રાખો ફલેટ થોડા સમયમાં જ મળી જશે. ત્યાર પછી ફાયનાન્સ કંપનીએ મારા પર અમદાવાદમાં નેગોશિએબલ કોર્ટમાં કેસ કર્યો હતો. જ્યાં લોન સંબંધીત ડોકયુમેન્ટ જોતાં પુર્વા હાઇટ્સ સી વીંગ-૩૦૨ના બદલે પૂર્વા એવન્યુ સી-વીંગ ૩૦૨૫નો દસ્તાવેજ હતો. તેમજ લોન ફોર્મમાં પૂર્વા હાઇટ્સ એ-૨૦૪ નામના ફલેટનો ઉલ્લેખ કરાયો હતો! મારી મંજુર થયેલી ૧૬ લાખની લોનમાંથી ૧૪ લાખ પૂર્વા ઇન્ફાસ્ટ્રકચરના ખાતમાં તેમજ ૨ લાખ અરવિંદભાઇ ગોવિંદભાઇ પાંચાણીના ખાતામાં જમા થયેલા હતાં, જેને હું ઓળખતો પણ નથી. બેંક દ્વારા કરાવાયેલ વેલ્યુએશન રિપોર્ટમાં પણ ૧૦૦ ટકા બાંધકામ પૂર્ણ થયાનું દર્શાવાયું હતું. જો કે હકિકતે સ્થળ પર બાંધકામ પુરૂ જ થયું નહોતું.

એ પછી મને સંજય નટવરભાઇ દત્તાણી (રહે. રાજકોટ) મળ્યા હતાં. તેની સાથે વાતચીત કરતાં તેણે કહેલ કે ઉમેશ અને નિલેષ પાસેથી પૂર્વા હાઇટ્સ એ-૨૦૪ ફલેટ ખરીદવા રૂ. ૧૩,૫૧,૦૦૦માં સોદો કર્યો હતો. પરંતુ તેણે સી-વીંગ પુર્વા હાઇટ્સનો ૧૦૨ નંબરનો દસ્તાવેજ કરી આપી લોન પણ ૧૫,૫૧,૦૨૫ની મનપુરમ ઓમ ફાયનાન્સમાંથી મંજુર કરાવી હતી. હાલ સુધી ફલેટનું પજેશન આપ્યું નથી. સંજયભાઇ અને હું નિલેષ લુણાગરીયાની ઓફિસે જતાં તેણે ગેરવર્તુણક કરી હતી તેમજ તમારી લોન હું બંધ કરાવી દઇશ તેવી ધમકી આપી ઓફિસમાંથી કાઢી મુકયા હતાં.

રૂપેશભાઇએ ફરિયાદના અંતે જણાવ્યું છે કે ઉમેશ અને નિલેષ લુણાગરીયાએ સાથે મળી ફલેટ વેંચાણના નામે અમારી પાસે કોરા ચેકમાં સહીઓ કરાવી ૧૬ લાખની લોન કરાવી ફલેટનો દસ્તાવેજ કરી આપી બાંધકામ પુરૂ નહિ કરી તેમજ પઝેશન પણ આજ સુધી નહિ આપી મારા નામે લોન લઇ તેમજ સાહેદ સંજયભાઇ દત્તાણી સાથે પણ આવી જ રીતે છેતરપીંડી કરી હોઇ બંને સામે કાર્યવાહી કરવા ફરિયાદ છે.

પીએસઆઇ એચ. પી. ગઢવીએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(11:54 am IST)
  • રાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST

  • રાજકોટથી એસટીની દીવ- કોડીનાર- વેરાવળ- ઉના- પોરબંદર- દ્વારકાની બસો બંધ : કુલ ૨૦ બસો બંધઃ વાયુ વાવાઝોડા સંદર્ભે આજે સતત બીજા દિવસે રાજકોટ એસટી ડીવીઝનની દીવ-કોડીનાર-વેરાવળ-ઉના-પોરબંદર-દ્વારકાની બસો બંધ રખાઈ : કોઈ મુસાફરો ફરકતા નથી : બે દિ'થી આવકમાં તોતીંગ ગાબડુ : જામનગર સુધી એસટી દોડે છે : સાંજ બાદ પુનઃ બસ વ્યવહાર શરૂ થવાની શકયતા : એડવાન્સ બુકીંગમાં ૪ લાખનું રીફંડ અપાયુ access_time 10:57 am IST

  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST