Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પુરવઠાના સર્વરમાં ધાંધીયાઃ હજારો કાર્ડ ધારકો પુરવઠાથી વંચિત...

૧પ દિ'થી સર્વર ચાલતુ નથીઃ દુકાનદારો અકળાયાઃ ડીએસઓ સમક્ષ દોડી આવ્યાઃ કાલે કલેકટરને વિસ્તૃત આવેદન પાઠવશે... : આધાર કાર્ડના સર્વરમાં પણ ખામીઃ એફપીએસના નરેન્દ્ર ડવ અને અન્ય આગેવાનો દ્વારા સર્વર અંગે રજૂઆતઃ મંગળવારે ગાંધીનગરમાં મોરચો

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ પુરવઠા તંત્રની ઝોનલ કચેરીઓ ઉપરાંત સસ્તા અનાજના દૂકાનદારોને ત્યાં પુરવઠાના સર્વરમાં ફરી ધાંધીયા શરૂ થઇ જતા લોકો અને સસ્તા અનાજના દૂકાનદારોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે.

સસ્તા અનાજના દૂકાનદાર એસો.ના ચેરમેન શ્રી નરેન્દ્ર ડવે 'અકિલા' ને જણાવ્યું હતું કે, છેલ્લા ૧પ દિ' થી પુરવઠાના સર્વરમાં ધાંધીયા શરૂ થયા છે, અંગૂઠાના નિશાનો મળતા નથી, મીસ મેચ થયા રાખે છે, આધારકાર્ડના સર્વરમાં પણ ખામી છે, દૂકાનદારોને સીધુ કાર્ડ ધારકો સાથે ઘર્ષણ થાય છે, રોજની આ માથાકૂટ કરવી કે ધંધો કરવો.

આજે તો શ્રી ડવની આગેવાની હેઠળ ૪૦ થી પ૦ દૂકાનદારો ડીએસપો પાસે દોડી આવ્યા હતા, અને પગારની તારીખોમાં જ હજારો લોકો પુરવઠાથી વંચિત રહ્યાની અને સર્વરમાં અનેક વખત મેઇનટેનન્સ છતાં ધાંધીયા યથાવત હોવાની રજૂઆતો કરી હતી.

શ્રી ડવે 'અકિલા' ને જણાવ્યું હતું કે આજે ડીએસઓને રજૂઆતો કરાઇ છે, કાલે કલેકટરને લેખીતમાં આપીશું. અને મંગળવારે મોરચો ગાંધીનગર લઇ જવાશે, સર્વરના ધાંધીયા હવે પરવડે તેમ નથી. નરેન્દ્ર ડવ સાથે માવજીભાઇ રાખશીયા, વિનુભાઇ, વિજય બગડા, પ્રવિણ બગડા, અશોક સીંધી વિગેરે જોડાયા હતા, ઝોનલ કચેરીઓમાં પણ સર્વરના ધાંધીયા હોય કાર્ડ ધારકોને પારાવાર હેરાન-પરેશાની-ધકકા થતા હોવાની રજૂઆતો કરાઇ હતી. (પ-રપ)

(3:50 pm IST)