Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રૈયાધારના ગાર્બેજ સેન્ટરમાં ટીપરવાન હેઠળ દબાઇ જતા કર્મચારીનું મોત

રિવર્સમાં આવેલી કચરાગાડી સ્લમ કવાર્ટરના રણજીતભાઇ રામજીભાઇ સાગઠીયા (વાલ્મિકી) (ઉ.૪૫) માટે કાળ બનીઃ પરિવારમાં કલ્પાંતઃ સિવિલ હોસ્પિટલે મૃતકના સ્વજનો અને દલિત સમાજના આગેવાનો ઉમટી પડ્યાઃ મ્યુનિસિપલ કમિશ્નર કચેરીએ રજૂઆત : સરકારી નોકરી, આર્થિક સહાય સહિતની માંગણી ન સંતોષાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર

ટીપરવાન બની કાળઃ રૈયાધાર ગાર્બેજ સેન્ટર ખાતે જ્યાં દૂર્ઘટના બની તે સ્થળ, ટીપરવેન, ઘટના સ્થળે ભેગા થયેલા લોકો તથા ઇન્સેટમાં કર્મચારી રણજીતભાઇ સાગઠીયા (વાલ્મિકી)નો નિષ્પ્રાણ દેહ અને હોસ્પિટલે ઉમટી પડેલા આગેવાનો કરસનભાઇ વાઘેલા, કરસનભાઇ સાગઠીયા, મુકેશભાઇ પરમાર સહિતના જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩: રૈયાધારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ સેન્ટરમાં ટીપર વેન (કચરા ગાડી) રિવર્સમાં આવતાં પાછળ ઉભેલા કર્મચારી વાલ્મિકી આધેડ આ કચરા ગાડી અને દિવાલ વચ્ચે દબાઇ જતાં છાતીમાં મુંઢ ઇજા થતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવને પગલે મૃતકના સ્વજનો અને વાલ્મિકી સમાજના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોંચી ગયા હતાં. મૃતકના સ્વજનને સરકારી નોકરી અને આર્થિક સહાય મળે તેમજ

જવાબદારો સામે તાકીદે કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી હતી અને ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહિ સંભાળવાનો નિર્ણય લેવામાં આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર સ્લમ કવાર્ટર પાસે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને રૈયાધારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ સેન્ટરમાં કચરા ગાડીઓને આગળ-પાછળ લેવડાવવાની નોકરી કરતાં રણજીતભાઇ રામજીભાઇ સાગઠીયા (ઉ.૪૫) નામના વાલ્મિકી આધેડ સવારે દસેક વાગ્યે ગાર્બેજ સેન્ટરમાં પોતાની નોકરી પર હતાં ત્યારે ટીપર વાન રિવર્સમાં આવતાં વાન અને દિવાલ વચ્ચે દબાઇ જતાં તે બેભાન થઇ પડી ગયા હતાં. તેમને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ એચ. બી. ગઢવી અને બ્રિજરાજસિંહ સહિતે જરૂરી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે ટીપરવેનના ડ્રાઇવરની બેદરકારીને કારણે આ બનાવ બન્યાનો આક્ષેપ મૃતકના સ્વજનો અને હોસ્પિટલે ઉમટી પડેલા વાલ્મિકી સમાજના આગેવાનો, કાર્યકરોએ કરી રોષ વ્યકત કરતાં મામલો તંગ બન્યો હતો. અકસ્માત બાદ ડ્રાઇવર ભાગી ગયાનો અને તેની પાસે લાયસન્સ પણ નહિ હોવાનો તેમજ વેનના ચાલક સાથે હેલ્પર પણ નહિ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મૃત્યુ પામનાર રણજીતભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેના મૃત્યુથી બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતક મુળ મુંબઇના વતની હતાં. વર્ષોથી રાજકોટ રહેતાં હતાં. ઘટનાથી તેના સ્વજનો પર વજ્રઘાત થયો છે. બનાવની જાણ થતાં વાલ્મિકી સમાજના કરસનભાઇ વાઘેલા, મુકેશભાઇ પરમાર, મૃતકના કાકા લોકગાયક કરસનભાઇ સાગઠીયા સહિતના દોડી આવ્યા હતાં.

આગેવાનો અને કાર્યકરોએ રોષ સાથે જણાવ્યું હતું કે બનાવમાં કચરા ગાડીના ડ્રાઇવરની બેદરકારી છે. જો કે કોન્ટ્રાકટર તરફથી કહેવાયુ હતું કે મૃતક કચરો ભરાઇ ગયો કે નહિ તે જોવા માટે નીચે નમ્યા ત્યારે ડ્રાઇવરે ગાડી પાછળ લીધી હોઇ પાછળ કોઇ છે કે નહિ તે દેખાયું નહોતું અને અકસ્માત સર્જાયો હતો.

મૃતકના સ્વજનને સરકારી નોકરી ન મળે અને તાકીદે આર્થિક સહાયની માંગણી સ્વીકારય નહિ તેમજ જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશ નહિ સંભાળીએ તેવો નિર્ણય કરતાં પોલીસ અને કોર્પોરેશન તંત્ર મુંજવણમાં મુકાયું હતું. બપોરે પોણા ત્રણ વાગ્યે મૃતકના સ્વજનો અને વાલ્મિકી સમાજના આગેવાનો મ્યુ. કમિશ્નર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતાં. ટીપરવેનના કોન્ટ્રાકટર સમક્ષ પણ આગેવાનો અને કાર્યકરો તથા મૃતકના સ્વજનોએ રજૂઆત કરી ન્યાયી કાર્યવાહી થાય તે માટે યોગ્ય કરવા માંગણી કરી હતી.

(3:36 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST