Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

બેકાબુ કાર પેટ્રોલ પંપમાં ઘુસી

કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે બનાવઃ હોન્ડાસ્વાર રવજીભાઇ રૂપાપરા અને સુખાભાઇ પરમારને ઇજા : ડિઝલ પુરવાનું મીટર ઉખડી ગયું: રિક્ષાચાલક છેલ્લી ઘડીએ છલાંગ મારી જતાં ચમત્કારીક બચાવઃ હોન્ડા સીટી કારના ચાલક અને તેના પરિવારજનોનો પણ બચાવઃ કારના આગળના ભાગનો બૂકડોઃ વિચીત્ર અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા

વિચીત્ર અકસ્માત : કાલાવડ રોડ પર એક કાર એકટીવા અને બાઇકને ઠોકરે ચડાવ્યા બાદ બેકાબૂ બની પેટ્રોલ પંપમાં ઘુસી જતાં ડિઝલ પુરવાનું મીટર (મલ્ટીપલ ડિસ્પેન્સીંગ યુનિટ) ઉખડી ગયું હતું. તેમજ તેની પાછળ ઉભેલી એક રિક્ષા પણ કારની ઠોકરે ચડી ઉંધી વળી ગઇ હતી. : વિચીત્ર અકસ્માતઃ  અકસ્માતને પગલે કારના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. હોન્ડાસ્વાર બે વ્યકિતને ઇજા થઇ હતી. તસ્વીરમાં પંપમાં ઘુસી ગયેલી કાર, ઉખડી ગયેલુ મીટર અને ઉંધી વળી ગયેલી રિક્ષા તથા ઠોકરે ચડેલુ હોન્ડા, ઘાયલ થયેલા હોન્ડાસ્વાર રવજીભાઇ અને સુખાભાઇ તથા છેલ્લે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૦)

રાજકોટ તા. ૧૩: કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે એક હોન્ડા સીટી કારના ચાલકે બાઇકને અને એકટીવાને ઠોકરે ચડાવ્યા બાદ કાબૂ ગુમાવતાં પેટ્રોલ પંપમાં ઘુસી ગઇ હતી અને પંપના ડિઝલ પુરવાના મીટરને ઉખેડી નાંખી તેની પાછળ ડિઝલ પુરાવવા ઉભેલી રિક્ષાને પણ ઉલાળી દીધી હતી. આ વિચીત્ર અકસ્માતમાં હોન્ડાસ્વાર બે

વ્યકિતને ઇજા થઇ હતી. કારમાં બેઠેલા અને રિક્ષાચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ પર સવારે અગિયારેક વાગ્યે કાલાવડ રોડ તરફથી આવી રહેલી જીજે૩એચકે-૨૫૪૪  નંબરની હોન્ડા સીટી કારના ચાલકે કોઇપણ કારણોસર કાબુ ગુમાવતાં આગળ જઇ રહેલા એક એકટીવાને ઠોકરે લીધા બાદ એક હોન્ડાને ઉલાળતાં હોન્ડા ફંગોળાઇ જતાં તેના પર સવાર બે વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી. બીજી તરફ આ કાર બેકાબૂ બની જમણી સાઇડના પેટ્રોલ પંપમાં ઘુસી ગઇ હતી. સ્પીડ એટલી હતી કે ઇંધણ પુરવાનું એમપીડી (મલ્ટીપલ ડિસ્પેન્સીંગ યુનિટ) આખુ ઉખડી ગયું હતું. તેમજ ડિઝલ પુરાવવા ઉભેલી રિક્ષા ઉલળી થલ હતી. તેનો ચાલક છેલ્લી ઘડીએ છલાંગ મારી જતાં ચમત્કારીક બચાવ થયો હતો.

અકસ્માતને પગલે નાશભાગ મચી ગઇ હતી. જે હોન્ડા ઠોકરે ચડી ઢસડાઇ ગયું હતું તેના પર સ્વાર બે વ્યકિત રવજીભાઇ અરજણભાઇ રૂપાપરા (પટેલ) (ઉ.૬૦-રહે. ભગીરથ સોસાયટી) અને મિત્ર સુખાભાઇ તળશીભાઇ પરમાર (કોળી) (ઉ.૪૮-રહે. લાલપરી)ને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બંને મિત્રો કામ સબબ ચીભડા ગામે ગયા હતાં અને પરત આવી રહ્યા હતાં ત્યારે કાલાવડ રોડ આત્મીય કોલેજ સામે પહોંચ્યા ત્યારે પાછળથી કારની જોરદાર ટક્કર લાગતાં ફેંકાઇ ગયા હતાં.

હોન્ડા ઠોકરે ચડ્યું એ પહેલા એક એકટીવાને પણ કારની સ્હેજ ટક્કર લાગી હતી. જો કે તેના ચાલકને ઇજા થઇ નહોતી.  અકસ્માતના સીસીટીવી ફૂટેજના વિડીયો ફોટા જોતજોતામાં સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ આર. બી. જાડેજા, પથુભા સહિતનો કાફલો દોડી ગયો હતો. બનાવ સ્થળે પહોંચી તપાસ કરતાં કાર નાના મવા રોડ કસ્તુરી હાઇટ્સમાં રહેતાં સંજીવ રોશનભાઇ સ્વાનેનો પુત્ર હંકારી રહ્યાનું જાણવા મળ્યું હતું. કારમાં આ યુવાનના માતા તથા એક યુવતિ હતાં. આ તમામનો પણ બચાવ થયો હતો. અકસ્માતને પગલે બનાવ સ્થળે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

(4:14 pm IST)