Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પ્રદ્યુમન પાર્કમાં નવા આકર્ષણો

સાપના મોઢાવાળુ પ્રવેશદ્વાર-પ્રાણીઓની પ્રતિમાવાળુ સર્કલ બનાવાશે

છેલ્લી સ્ટેન્ડીંગ કમિટીમાં ૩.૯૫ કરોડના વિકાસ કામોને મંજુરીની મહોર લગાવતા પુષ્કર પટેલઃ મવડીના રામધણ વોંકળા સુધી વરસાદી પાણી નિકાલની યોજના મંજુરઃ તમામ ૩૭ દરખાસ્તો મંજુર

રાજકોટ, તા. ૧૩ :. મ્યુ. કોર્પોરેશનમાં આજે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક મળી હતી. આ બેઠક સ્ટેન્ડીંગ કમિટીના વર્તમાન ચેરમેન પુષ્કરભાઈ પટેલ માટે છેલ્લી હતી કેમ કે ૧૪ જૂને તેઓની ૨II વર્ષની ચેરમેન પદની મુદ્ત પૂર્ણ થઈ રહી છે ત્યારે આ સ્ટેન્ડીંગ કમીટીમાં આરોગ્ય ક્ષેત્રે ૧૫૧ જેટલા કાયમી કર્મચારીઓની ભરતી તથા પ્રદ્યુમનપાર્કમાં સાપઘર અને આકર્ષક સર્કલ બનાવવા સહિતની કુલ ૩૭ દરખાસ્તોને પુષ્કરભાઈ લીલીઝંડી આપી અને કુલ ૩.૯૫ કરોડના વિકાસકામો મંજુર કર્યા હતા.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે પ્રદ્યુમન પાર્ક ઝુમાં સાપના મોઢાવાળુ ૧૨ ફુટ ઉંચાઈવાળુ પ્રવેશદ્વાર તથા પ્રદ્યુમનપાર્ક ટીકીટ બારી પાસે પ્રાણી અને પક્ષીઓની પ્રતિમાવાળુ આકર્ષક સર્કલ આ બન્ને વિકાસકામો રૂ. ૨૩.૮૧ લાખના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત મંજુર થઈ હતી.

આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીમાં સેક્રેટરી તથા મ્યુ. કમિશ્નર વિભાગના ડે. સેક્રેટરી, આસિસ્ટન્ટ સેક્રેટરી, ટેકનીકલ પી.એ., પી.એ. ટુ કમિશ્નર, સિનીયર કલાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર, પટ્ટાવાળા, ડ્રાઈવર સહિત કુલ ૧૦ જેટલી કેટેગરીના કર્મચારીઓના પગાર ધોરણમાં રૂ. ૩૦૦૦થી ૪૫૦૦ સુધીનો

પગાર વધારો આપવાની દરખાસ્ત મંજુર થયેલ.

આ ઉપરાંત આઈસીડીએસ વિભાગ એટલે કે આંગણવાડી કેન્દ્ર માટે નવુ મહેકમ ઉભુ કરવા, ગોકુલનગર આવાસ યોજનામાં ૫૦ લાભાર્થીઓને મકાન આપવા, વોર્ડ નં. ૧૪ અને ૧૭મા ભુગર્ભ ગટર સફાઈનો કોન્ટ્રાકટ શ્રી અરમાન કન્સ્ટ્રકશનને ૧૦ ટકા ઉંચા ભાવથી રૂ. ૧૩.૯૨ લાખની ખર્ચ મર્યાદામાં આપવા તેમજ ભુગર્ભ ગટર, પાણીની પાઈપ લાઈન, કર્મચારીઓને તબીબી સહાય સહિતની ૩૭ દરખાસ્તો મંજુર થયેલ.

(3:33 pm IST)