Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

૧૩ લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રક ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

કુવાડવાથી સાયપર જવાના રસ્તા પરથી રાજસ્થાની શખ્સ ભુરારામ અને ભીખારામની ધરપકડઃ કુલ ૨૧,૯૭,૫૦૦નો મુદ્દામાલ કબ્જેઃ 'કટીંગ' થાય એ પહેલા પીએસઆઇ બી.ટી.ગોહિલ અને ટીમ ત્રાટકીઃ 'માલ' મંગાવનાર બુટલેગર કોણ? તે અંગે તપાસ : પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત થઇ કાર્યવાહી

રાજકોટ તા. ૧૩: શહેર ક્રાઇમ બ્રાંચે કુવાડવા નજીક સાયપર જવાના રસ્તા પર પાણીના ટાંકા પાસેથી રૂ. ૧૩ લાખનો દારૂ-બીયરનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી લઇ રાજસ્થાની ડ્રાઇવર-કલીનરની ધરપકડ કરી કુલ રૂ. ૨૧,૯૭,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આ દારૂ-બીયરનો જથ્થો કોણે મંગાવ્યો? તે અંગે તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ મોડી રાત્રે મળેલી બાતમી પરથી કુવાડવા ગામથી સાયપર જવાના રસ્તા પર પાણીના ટાંકા પાસે દારૂ-બીયરના જથ્થાનું કટીંગ કરવા માટે ઉભેલો ટ્રક નં. આરજે૭જી-૭૦૨૬ જપ્ત કરી તેમાંથી ચાલક ભુરારામ મેઘારામ દેસાઇ (ઉ.૪૫-રહે. ગામ ખારા તા. સાંચોર જી. ઝાલોર રાજસ્થાન) તથા કલીનર રઘુનાથ ભીખારામ બીસ્નોઇ (ઉ.૫૦-રહે. ગામ કોટડા તા. રાણીવાડા જી. ઝાલોર (રાજસ્થાન)ને પકડી લીધા હતાં.

ટ્રકમાંથી રૂ. ૧૨,૩૬,૦૦૦નો ૩૯૦૦ બોટલ દારૂ તથા રૂ. ૬૦ હજારના બીયરના ૬૦૦ ટીન કબ્જે કર્યા છે. તેમજ ત્રણ મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. આ બંને શખ્સોએ દારૂનું કટીંગ એક ફોન આવે પછી થવાનું હતું તેવું રટણ શરૂ કર્યુ હોઇ પોલીસે માલ મંગાવનારા બુટલેગરને શોધવા તપાસ શરૂ કરી છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી બલરામ મીણા, એસીપી ક્રાઇમ બી.બી. રાઠોડની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ બી. ટી. ગોહિલ, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, અમીનભાઇ ભલુર, જયદિપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ સહિતની ટીમ પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે જીજ્ઞેશભાઇ, જયદિપસિંહ અને વિક્રમભાઇની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. ૯ લાખનો ટોરસ ટ્રક, દારૂ, બીયર, ફોન મળી ૨૧,૯૭,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પકડાયેલા બંને શખ્સો, ટ્રક અને પીએસઆઇ બી.ટી. ગોહિલ તથા ટીમ જોઇ શકાય છે.

(12:47 pm IST)