Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રાજકોટ જિલ્લા બેંક દ્વારા વીમા પ્રીમીયમમાં રાહત : કપાસમાં ૧.પ૦, મગફળીમાં ૧ ટકો સહાય

ખેતર ફરતી વાડ કરવા માટે લોન વ્યાજમાં ૬.પ૦ રાહતઃ ખેડૂત સભાસદોને તબીબી સહાય હવે બમણી (૧૦ હજાર) મળશે : ચેરમેન જયેશ રાદડિયાની ખેડૂતલક્ષી જાહેરાતો

વિના સહકાર, નહિ ઉદ્ધાર : રાજકોટ જિલ્લા સહકારી બેંકની જામકંડોરણા ખાતે મળેલ સામાન્ય સભામાં ઇફકોના એમ.ડી. યુ.એસ. અવસ્થી દીપ પ્રાગટય કરી રહ્યા છે. બાજુમાં રાજય સહકારી બેંકના ચેરમેન અજય પટેલ, જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, એમ.ડી. ઘનશ્યામભાઇ ખાટરિયા, ડીરેકટરો વાઘજીભાઇ બોડા, ડાયાભાઇ પીપળિયા, અરવિંદભાઇ તાગડિયા, ગોરધનભાઇ ધામેલિયા, પ્રવીણભાઇ રૈયાણી, મહમદ જાવેદ પીરઝાદા, હરિભાઇ ઠુંમર, વિનોદભાઇ વૈષ્ણવ, વિરેન્દ્રસિંહ જાડેજા, અમૃતભાઇ વીડજા, દલસુખભાઇ પટેલ, અરવિંદભાઇ તાળા, મગનભાઇ ઘોણીયા, કાંતિભાઇ જાગાણી, નરસિંહભાઇ મુંગલપરા, નાનુભાઇ વાઘાણી, નટુભાઇ શીંગાળા, જનરલ મેનેજર વી.એમ. સખિયા, અધિક જનરલ મેનેજર બી.એમ. હીરપરા, નાબાર્ડના સી.જી.એમ. સુનિલ ચાવલા વગેરે ઉપસ્થિત છે. મંચ પર સહકારી અગ્રણીઓ-ગોવિંદભાઇ રાણપરિયા, ડી.કે. સખિયા, ટપુભાઇ લીંબાસિયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૩ : શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. રાજકોટની પ૯મી વાર્ષિક સાધારણસભા ગઇકાલે કુમાર છાત્રાલય-જામકંડોરણા મુકામે ઇફકો ન્યુ દિલ્હીના મેનેજીંગ ડિરેકટર શ્રી ડો. યુ.એસ. અવસ્થી, ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લી.ના ચેરમેન શ્રી અજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં બેંકના ચેરમેનશ્રી તથા ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષસ્થાને મળેલ હતી જેમાં ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.

નાબાર્ડ અમદાવાદના સી.જી.એમ. શ્રી સુનિલ ચાવલા રાજકોટ જીલ્લાના સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, બેંકના તમામ ડિરેકટરઓ હાજર રહેલ.  સભામાં બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ બેંકની કામગીરીની માહિતી આપતા જણાવેલ કે સહકારી ક્ષેત્રના માર્ગદર્શક દિગ્ગજ ખેડૂત તેના, પોરબંદર મતવિસ્તારના સાંસદ, સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ એવા આ બેંકના પૂર્વ ચેરમેન શ્રી વિઠલભાઇ રાદડિયા કે જેઓએ આ બેંકમાં ર૩ વર્ષ સુધી ચેરમેન પદ શોભાવી બેંકને ટોચ ઉપર પહોંચાડેલ છે અને રાજકોટ તથા મોરબી જીલ્લાના ખેડૂતો માટે અસંખ્ય ખેડૂતલક્ષી પ્રવૃીતઓ કરી ખેડૂતોને મદદરૂપ થયેલ છે. તેઓની નાદુરસ્ત તબિયતના કારણે આ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને બેંકના ચેરમેન તરીકેની જવાબદારી સોંપેલ છે. શ્રી વિઠલભાઇ રાદડિયાએ આ જીલ્લામાં સહકારીતાની સાથે ખેડૂતોના વિકાસ માટે જે મશાલ પ્રજવલિત કરેલ છે તે મશાલ કાયમી માટે પ્રજવલિત રહે અને બેંક સાથે જોડાયેલ તમામ ખેડૂતો તથા ગ્રાહકોના વિકાસની સાથે સાથે આ બેંકનો પણ અવિરત વિકાસ જાળવી રાખવા તમામ પ્રયત્નો કરવા હું કટિબદ્ધતા વ્યકત કરૂ છું. આ બેંકે ૧૮૮ શાખાઓના નેટવર્ક સાથે રાજકોટ તથા મોરબી જીલ્લાના નાનામાં નાના અને છેવાડાના ગામડાઓમાં બેંકની શાખાઓ કાર્યરત કરી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સ્થાનિક લેવલે બેન્કીંગ સેવાઓ પૂરી પાડેલ છે અને ભવિષ્યમાં પણ જરૂરીયાત મુજબ નવી શાખાઓ ખોલવાનું બેંકનું આયોજન છે.

આજની વાર્ષિક સાધારણ સભામાં બેંકના ચેરમેનશ્રી જયેશભાઇ રાદડિયાએ રાજકોટ અને મોરબી જીલ્લાના બેંક સાથે જોડાયેલ ખેડૂતોના લાભાર્થે નીચે મુજબ મહતવની લાભદાયી જાહેરાત કરેલ.

(૧) વર્ષ ર૦૧૮-૧૯માં કપાસના પાક વીમા પ્રીમીયમમાં ૧.પ૦% તથા મગફળીના પાક વિમા પ્રીમીયમમાં ૧% ની સહાય આપવાની જાહેરાત કરેલ. જે સહાયની અંદાજીત રકમ રૂ. ર૦.૦૦ કરોડથી વધારે થશે.

(ર) વર્ષ ર૦૧૮-૧૯માં ખેતી પાકમાં ભૂંડ અને નીલગાયથી રક્ષણ મેળવવા વાયર ફેન્સીંગ કરવા માટે બેંક તરફથી આપવામાં આવતી લોનમાં ૬.પ૦% વ્યાજ રાહતની જાહેરાત કરેલ.

(૩) બેંકની સભાસદ મંડળીઓ સાથે જોડાયેલ ધિરાણ લેતા ખેડૂત સભાસદોને હાલ આપવામાં આવતી મેડીકલ સહાય રૂ. પ,૦૦૦/-માં વધારો કરી રૂ.૧૦,૦૦૦/-ની સહાય આપવાની જાહેરાત કરેલ.

બેંકના ચેરમેનએ કરેલ ખેડૂતલક્ષી જાહેરાતોથી હાજર તમામ ખેડૂતો પ્રભાવિત થઇ બેંકના ચેરમેનશ્રી તથા તમામ બોર્ડ ઓફ ડિરેકટર્સને બિરદાવી આભાર વ્યકત કરેલ.

આ કાર્યક્રમમાં બેંકની સાધારણ સભાની કાર્યવાહી બેંકના ચેરમેનશ્રી અને ગુજરાત રાજયના કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ કરેલ અને તમામ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઇફકો ન્યુ દિલ્હીના મેનેજીંગ ડિરેકટર શ્રી ડો. યુ.એસ. અવસ્થી તથા ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લી.ના ચેરમેન શ્રી અજયભાઇ પટેલએ તેમના વકતવ્યમાં રાજકોટ તથા મોરબી જીલ્લામાં સહકારી પ્રવૃતિના થયેલ વિકાસમાં ભાગીદાર તમામ સહકારી આગેવાનોને અભિનંદન પાઠવેલ હતા.

બેંકની 'બેનમૂન' પ્રગતિ

. નાબાર્ડ દ્વારા દિલ્હી લેવલેથી વડાપ્રધાન કે નાણાપ્રધાન હસ્તે એવોર્ડ અને ઇનામ સતત પાંચ વખત મેળવનાર પ્રથમ બેંક.

. બેંકની સર્વાંગી શ્રેષ્ઠ કામગીરી માટે 'નાફસ્કોબ' તરફથી બે વખત ભારતમાં પ્રથમ નંબરનો એવોર્ડ મેળનાર બેંક.

. રાજય લેવલે ર૪ વર્ષથી પ્રથમ નંબરે રહી ઇનામ અને દશાબ્દિ એવોર્ડ મેળવનાર આ એક માત્ર બેંક.

. સરકારશ્રીની કેસીસી ધિરાણ ૭%ના વ્યાજના દરે આપવાની યોજના મુજબ સૌ પહેલા આ બેંકે પહેલ કરેલ. છેલ્લા પ વર્ષ ૦% એ કેસીસી ધિરાણ પુરા પાડેલ છે. ચાલુ વર્ષનું આવું ધિરાણ રૂ. ર૧૦૬ કરોડ છે.

. છેલ્લા દશ વર્ષમાં બેંકનું શેરભંડોળ રૂ. રપ કરોડથી વધીને વર્ષ અંતે રૂ. ૬૬ કરોડે પહોંચેલ છે.

. બેંકનું રિઝર્વ ફંડ/અન્ય ફંડ રૂ. ૧૦૯ કરોડથી વધીને વર્ષ અંતે રૂ. ૪ર૮ કરોડે પહોંચેલ છે.

. આર.બી.આઇ.ની ગાઇડ લાઇન મુજબ CRAR ૧૧.પપ% થયેલ છે.

. બેંકની સ્થાપનાથી ૪૦ વર્ષ એટલે કે સને ર૦૦૦ સુધીમાં થાપણો રૂ. પ૧પ કરોડ હતી તે ચાલુ એક જ વર્ષમાં રૂ. ૪૦૦ કરોડ નવી થાપણો મેળવી રૂ. ૪૩૦પ કરોડે પહોંચેલ છે.

(11:45 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • અમરેલી જિલ્લા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર : જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી : અન્ય 28 પોલીસ કર્મીઓને એલસીબી, એસઓજી, પેરોલ્ફલો સ્કોવ્ડ્માં નિમણૂકના હુકમો કરતા એસપી શ્રી નિર્લિપ્ત રાય : ધારી સીપીઆઈના શ્રી પી.વી.જાડેજાને સાવરકુંડલા ટાઉન પીઆઇની ફરજ સોંપાઈ access_time 11:00 pm IST

  • બનાસકાંઠામાં નગરપાલીકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : બનાસકાંઠા નગરપાલીકાના પ્રમુખપદે ભાજપના અશોક ઠાકોર અને ઉપપ્રમુખ પદે હેતલબેન રાવલની વરણીઃ કોંગ્રેસના ૧૯ સામે ૨૩ સભ્યોના ટેકાથી ભાજપનો ભગવો લહેરાયો access_time 2:43 pm IST