Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

હરસિધ્‍ધી સોસાયટીની દિપાલી પરમાર પાડોશી સુનીલ કુકડીયાના ત્રાસથી મરવા માટે મજબૂર થઇ'તી

યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો : સ્‍યુસાઇડ નોટમાં સુનીલ મને સ્‍યુસાઇટ કરવા મજબુર કરે છે, માતા-પિતાને ગાળો આપતો અને ધમકી આપતો હોવાનો ઉલ્લેખ : કારખાનેદાર પિતાની ફરિયાદ

રાજકોટ તા. ૧૩ : શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ પાછળ આવેલી હરસિધ્‍ધિ સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવતી એવું લખ્‍યું હતું કે, પાડોશમાં રહેતા સુનીલના ત્રાસથી તેણીને મરવા મજબૂર થઈ છે. જેથી પોલીસે આ સુસાઇડ નોટના આધારે યુવતીના પિતાની ફરિયાદ પરથી પાડોશમાં રહેતા શખસ સામે યુવતીને મરવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, હરસિધ્‍ધિ સોસાયટી શેરી નંબર ૨ માં રહેતી દિપાલી રાજેશભાઈ પરમાર (ઉ.વ ૨૫) નામની યુવતીએ ગઈકાલ બપોરના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ પરમાર તથા રાઇટર ઈકબાલભાઈ તાકીદે બનાવ સ્‍થળે અને બાદમાં હોસ્‍પિટલે પહોંચી ગયા હતા યુવતીના મૃતદેહને પીએમ કરાવ્‍યા બાદ પોલીસે તેના ઘરે તપાસ માટે પહોંચી હતી. આપઘાત કરી લેનાર યુવતી બે ભાઈ બે બહેનના પરિવારમાં વચેટ હોવાનું માલુમ પડ્‍યું હતું.તેણે સ્‍નાતક સુધીનો અભ્‍યાસ કર્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા અહીંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.
આ સ્‍યુસાઇડ નોટમાં યુવતીએ એવું લખ્‍યું હતું કે, ‘પાડોશમાં રહેતો સુનિલ મને સ્‍યુસાઇટ માટે મજબુર કરી છે. અને મને ગાળો આપી છે, મારા મમ્‍મી-પપ્‍પાને પણ આપી છે અને મને માર માર્યો છે તેથી આ પગલું ભરવા માટે મજબૂર બની છું.' બાદમાં પોલીસે યુવતીના પરિવારજનોને પૂછપરછ કરતા તે પાડોશમાં રહેતા સુનીલને પાડોશી હોવાના નાતે ઓળખતા હોય તે સિવાય યુવતી અને સુનીલ વચ્‍ચે શું સંબંધ હતો તેનાથી તેઓ અજાણ હોવાનું જણાવ્‍યું હતું.
જેથી પોલીસે હાલ આ મામલે યુવતીના કારખાનેદાર પિતા રાજેશ મગનભાઇ પરમાર (ઉ.વ ૫૨) ની ફરિયાદ પરથી અહીં હરસિધ્‍ધિ સોસાયટીમાં રહેતા સુનીલ રસિકભાઈ સુતરીયા સામે યુવતીને મરવા મજબૂર કર્યા અંગે આઈપીસીની કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.(

 

(4:19 pm IST)