Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ભૂપેન્‍દ્રભાઇની ઉપસ્‍થિતિમાં કલેકટર કચેરી ખાતે જિલ્લાના કલેકટર સહિત તમામ અધિકારીઓ સાથે મીટીંગ શરૂ : વિકાસકામોનો હિસાબ લેવાયો

કોંગ્રેસને આવેદન માટે મંજૂરી અપાઇ : કલેકટર કચેરીની અંદર બહાર જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત

રાજકોટ તા. ૧૩ : આજે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ બીજીવાર શહેરની મુલાકાતે આવ્‍યા છે.
ભૂપેન્‍દ્રભાઇ બપોરે ૧ કલાકે સર્કિટ હાઉસ ખાતે ભોજન લીધા બાદ ભાજપના સ્‍થાનીક આગેવાનો સાથે લગભગ ૧ કલાક વિવિધ મુદ્દે ચર્ચા કરેલ. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્‍યાને રાખી કાર્યક્રમો અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપેલ.
ત્‍યારબાદ તેઓ બપોરે ૩.૩૦ કલાકે કલેકટર ઓફિસ ખાતે મીટીંગ કરશે. ગયા વર્ષે મુખ્‍યમંત્રી બન્‍યા બાદ જામનગર જળ હોનારત થતા તેઓ તુરંત રાજકોટ પ્રથમ વખત આવ્‍યા હતા, ત્‍યાર બાદ આ બીજી વખત તેઓ કલેકટર કચેરીમાં આવનાર છે અને મીટીંગો દ્વારા વિકાસ અંગેની માહિતી મેળવશે.
કલેકટર કચેરી ખાતે ભૂપેન્‍દ્રભાઇની અધ્‍યક્ષતામાં યોજાનાર બેઠકમાં કલેકટર ઉપરાંત એડી. કલેકટર, પોલીસ કમિશનર, મ્‍યુ. કમિશનર, ડીસીપી, ડીડીઓ, રૂડા, પાણી-પુરવઠા, માર્ગ-મકાન, પીજીવીસીએલ સહિતના વિભાગના અધિકારીઓ, મામલતદારો, પ્રાંત અધિકારીઓ વગેરેની જમ્‍બો મીટીંગ શરૂ થઇ છે. તમામની અનેક મુદ્દા અંગે લેફટ રાઇટ લેવાશે, આ મીટીંગમાં તમામ સાંસદો - ધારાસભ્‍યો અન્‍ય પદાધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા છે.
મિટીંગમાં શહેરના વિકાસમાં હાલ ચાલી રહેલ વિવિધ પ્રોજેકટ જેવા કે હિરાસર એરપોર્ટ, એઇમ્‍સ, નવું કોર્ટ બિલ્‍ડીંગ, ઝનાના હોસ્‍પિટલ, કલેકટર ઓફિસ સામેની નવી હોસ્‍પિટલ, ફલાય ઓવર વગેરે અંગે ભૂપેન્‍દ્રભાઇને સંપૂર્ણ બ્રીફીંગ આપવામાં આવશે.
મુખ્‍યમંત્રી કલેકટર કચેરી ખાતે આવનાર હોય અને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવા દેવાની માંગણી કરાતા, આખી કલેકટર કચેરીમાં અને પહેલા - બીજા માળે ચકલુય ન ફરકે તેવો જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવાયો છે, ફુલ પ્રુફ ચેકીંગ ચાલી રહ્યું છે, જનસેવા કેન્‍દ્રો સહિતની કામગીરી બપોર બાદ બંધ કરાઇ છે.

 

(3:31 pm IST)