Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

કાલે મુખ્‍યમંત્રી રાજકોટમાં: એરપોર્ટથી સીધા પારેવડા જશેઃ વિચરતી જાતિના લોકોને ૬પ મકાનોની સોંપણી-સનદ આપશે

૩૦૦થી વધુ લાભાર્થીઓને ૪૦ ચો.મી. જમીનની ફાળવણીના હુકમો એનાયત કરાશે... : તમામને રાશન કાર્ડ અને ઇલેકશન કાર્ડપણ ફાળવણી દેવાયા : ઉજજવલ યોજનામાં ર૯ ને ગેસ સિલીન્‍ડરની ફાળવણીઃ વિના મૂલ્‍યે વીજ કનેકશન અપાયાઃ પીવાના પાણી માટે પાઇપ લાઇન નખાઇ...

રાજકોટ તા. ૧રઃ રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આવતીકાલે સવારે ૯-૩૦ વાગ્‍યે ખાસ હેલીકોપ્‍ટર મારફત રાજકોટ આવી રહ્યા છે.

તેઓ રાજકોટ એરપોર્ટથી સીધા પારેવડા જશે, અને ત્‍યાં યોજાયેલ તમામ કાર્યક્રમમાં હાજરી આપી વિચરતી વિમુકત જાતિના લોકોને મકાનો-પ્‍લોટ-સનદ-ગેસ સિલીન્‍ડર-પીવાના પાણી-વિના મૂલ્‍યે વિજ કનેકશન સહિતની બાબતોનું લોકાર્પણ કરશે.

આ ઉપરાંત ૩૦૦થી વધુ લાભાર્થીઓને ૪૦ ચો.મી. જમીનની ફાળવણીના હુકમો એનાયત કરશે, તો ઉજજવલ યોજનામાં ર૯ને ગેસ સિલીન્‍ડરની ફાળવણી કરાશે, પીજીવીસીએલ દ્વારા વિવિધ યોજના હેઠળ વિના મૂલ્‍યે વીજ કનેકશન ૬પ મકાનોમાં ફાળવી દીધા છે, તો પીવાના પાણી માટે પાણી પુરવઠા બોર્ડે માત્ર એક અઠવાડિયામાં ઘરે-ઘરે ૬પ મકાનોમાં પીવાના પાણી માટે પાઇપ લાઇન પણ પહોંચતી કરી છે.

વગડામાંથી વહાલપની વસાહત કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ઉપરાંત શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, સામાજીક ન્‍યાય મંત્રીશ્રી પ્રદિપ પરમાર, પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, વાહન વ્‍યવહાર મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી, મંત્રીશ્રી આર. સી. મકવાણા તથા આગેવાનો-ધારાસભ્‍યો-સાંસદો સર્વશ્રી ભૂપતભાઇ બોદર, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, રમેશભાઇ ધડુક, ગોવિંદભાઇ પટેલ, જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, લાખાભાઇ સાગઠીયા, ગીતાબા જાડેજા, લલીતભાઇ વસોયા, મોહમંદ જાવેદ પીરઝાદા, લલીતભાઇ કગથરા, રૂત્‍વીક મકવાણા વિગેરે હાજર રહેશે.

ગુજરાત સરકાર, જિલ્લા વહીવટી તંત્ર તથા વિચરતા સમુદાય સમર્થન મંચના સંયુકત પ્રયાસોથી વિચરતી જાતિના લોકોને ૬પ મકાનોની સોંપણી કરવામાં આવી રહી છે, જયારે અન્‍ય ૧૦૦ જેટલા મકાનોના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ તમામ મકાનો ૪૦ ચોરસ મીટર જમીન પર બાંધવામાં આવ્‍યા છે, કાલે ૧૯ પ્‍લોટ ધારકોને સનદ ફાળવણી કરવામાં આવશે તો ૩૦૦ થી વધુ લાભાર્થીઓને ૪૦ ચોરસ મીટરના પ્‍લોટની જમીનના ફાળવણીના હુકમો એનાયત કરવામાં આવશે, આ ઉપરાંત ઉજજવલ ર.૦ યોજના અંતર્ગત ર૯ લાભાર્થીઓને ગેસ સીલીન્‍ડરની ફાળવણી કરવામાં આવી રહી છે.

રાજય સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય યોજના અન્‍વયે આવાસ બનાવવા માટે રૂ. ૧ લાખ ર૦ હજારની સહાય આપવામાં આવી છે. આ તમામ મકાનોને પી.જી.વી.સી.એલ.ના સહયોગથી વિવિધ યોજના અન્‍વયે વિના મૂલ્‍યે વીજ કનેકશન્‍સ તાત્‍કાલિક ધોરણે આપવામાં આવ્‍યા છે. માત્ર એકજ અઠવાડિયાના ટૂંકા ગાળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ મકાનોમાં પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવ્‍યું છે.

આ તમામ મકાનોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ કનેકિટવિટી આપવામાં આવી છે, જેના ભાગરૂપે તમામ મકાનોના આંગણા સુધી પાકકા રસ્‍તા બનાવવામાં આવ્‍યા છે.

વિચરતી જાતિના સમુદાયના નાગરિકો પાસે ઓળખ અંગેના કોઇપણ પ્રકારના પુરાવા સ્‍વાભાવિક રીતે જ  નથી હોતા આવા સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને રાશનકાર્ડ, ઇલેકશન કાર્ડ વગેરેની ફાળવણી કરવામાં આવી છે.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટ ખાતેનો કાલનો પ્રવાસ કાર્યક્રમ

રાજકોટ તા. ૧રઃ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તા. ૧૩ શુક્રવારના રોજ રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં આવનાર છે. મુખ્‍યમંત્રીશ્રી તેમજ મહાનુભાવો હસ્‍તે સવારે ૧૦.૦૦ કલાકે રામપર બેટી ખાતે વિચરતી જાતિના પરિવારોના ગૃહ પ્રવેશ, સનદ વિતરણ સહિતનાં વિવિધ લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે. મુખ્‍યમંત્રીશ્રી ત્‍યારબાદ ૧૧.૪૦ કલાકે રાજકોટ ખાતે મ્‍યુ. કોર્પોરેશન મીટીંગમાં ઉપસ્‍થિત રહેશે. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ બપોરે ર.૦૦ કલાકે સર્કિટ હાઉસ ખાતે મીટીંગમાં ઉપસ્‍થિત રહેશે. બપોરે ૩.૩૦ કલાકે રાજકોટ કલેકટર કચેરી ખાતે ઉપસ્‍થિત રહી મિટિંગમાં વિકાસ કામોની સમીક્ષા કરશે. ત્‍યારબાદ સાંજે પ.૦૦ કલાકે ઇમ્‍પિરિયલ હોટલ ખાતે યોજાનારા ઇનોગ્રેશનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે અને અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

(3:24 pm IST)