Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

મને રાજકારણ રમતા નથી આવડતું, હું શાળા અને હોસ્‍પિટલના નામે મત માંગવા આવીશઃ કેજરીવાલ

ભાજપે ૨૭ વર્ષ સુધી ગુજરાતને લૂંટયો જ છે, મુખ્‍યમંત્રી કોઈપણ હોય સરકાર તો સી.આર.પાટીલ જ ચલાવે છે સરકારી શાળાઓની બદતર હાલત, શિક્ષણના નામે મીંડુ, દિલ્‍હીની સરકારી શાળાના પરિણામો આ વર્ષે ૯૯.૯૭ ટકા આવ્‍યું : મને દિલ્‍હીના લોકોએ તક આપી, પંજાબે તક આપી હવે ગુજરાતનો વારો છે

રાજકોટઃ દિલ્‍હીના મુખ્‍યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વે-સર્વા શ્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત મિશન પર છે. તેમણે ગઈકાલે સાંજે રાજકોટ  શહેરમાં  શાષાી મેદાન ખાતે મોટી સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને રાજ્‍યની શિક્ષણ વ્‍યવસ્‍થા પર પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં દિલ્‍હીના સ્‍કૂલ મોડલના ખૂબ જ વખાણ કર્યા, જ્‍યારે ગુજરાતની શિક્ષણ વ્‍યવસ્‍થાને લઈ સરકારને ઘેરી હતી. આ તકે અરવિંદ કેજરીવાલે જણાવ્‍યું કે દિલ્‍હીમાં ૭ વર્ષમાં એક પણ ખાનગી સ્‍કૂલે ફી નથી વધારી, કોઈ આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરે છે.
શ્રી કેજરીવાલે જણાવ્‍યું કે ગુજરાતમાં સરકારી શાળાઓની સ્‍થિતિ ખરાબ છે, શિક્ષણના નામે ઝીરો છે. ૨૭ વર્ષના શાસનમાં ભાજપ શાળા પણ ઠીક કરાવી શકી નથી. અમે દિલ્‍હીમાં પાંચ વર્ષની અંદર સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી છે. દિલ્‍હીની સરકારી શાળાના પરિણામો આ વર્ષે ૯૯.૯૭ ટકા આવ્‍યું છે. ૪ લાખ લોકોએ સરકારી શાળામાં એડમિશન કરાવ્‍યું છે. સરકારી શાળામાં ભણતા ૪૫૦ વિદ્યાર્થીઓનું એડમિશન IITમાં થયું છે. અમે પાંચ વર્ષમાં શિક્ષણનું સ્‍તર ઉંચુ લાવ્‍યા પણ ગુજરાતમાં ભાજપ સરકાર ૨૭ વર્ષમાં કેમ શિક્ષણ સુધારી શકી નહીં. મને દિલ્‍હીના લોકોએ તક આપી, પંજાબે તક આપી હવે ગુજરાતનો વારો છે. તમે મને તક આપો. મને રાજકારણ રમતા નથી આવડતું. હું શાળા અને હોસ્‍પિટલના નામે મત માગવા આવીશ.
મુખ્‍યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્‍યું કે આજકાલ ગુજરાતના ગામે ગામ અને ઘરે ઘરે આમ આદમી પાર્ટીની ચર્ચાઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે જઇ રહ્યા છે. ગુજરાતમાંથી અનેક લોકો પોતાની સમસ્‍યાઓ લઇને મને મળવા દિલ્‍હી આવે છે. મને દિલ્‍હીના લોકો ખૂબ પ્રેમ કરે છે. પંજાબના લોકો પણ મને ખુબ પ્રેમ કરવા લાગ્‍યા છે. હવે ગુજરાતના લોકો પણ મને પ્‍યાર કરશે. ગુજરાતમાં અમારી સરકાર બનશે તો દરેક વૃદ્ધને તીર્થ યાત્રા કરાવીશું. એસી ટ્રેનમાં દિલ્‍હીથી મોકલીએ છીએ.  માત્ર ૩ વર્ષમાં આશરે ૩૦૦૦૦ જેટલા વૃધ્‍ધોને દિલ્‍હી સરકારે તીર્થ યાત્રા કરાવી. દિલ્‍હીની જેમ ગુજરાતમાં પણ મુખ્‍યમંત્રી તીર્થ યાત્રા યોજના ગુજરાતમાં લાગુ કરીશું.
તેમણે વધુમાં જણાવ્‍યું કે ગુજરાતમાં પણ અમારૂં વડીલ યાત્રાનું આયોજન છે. સરકાર આવશે તો અયોધ્‍યા અને ૧૨ તીર્થ સ્‍થળે વડીલોને યાત્રા કરાવીશું. દિલ્‍હીમાં અમે ૫૦ હજાર વડીલોને યાત્રા કરાવી છે. તેમણે પોતાના સંબોધનમાં યાત્રા અયોધ્‍યા અને રામ ભગવાનનો સ્‍પીચમાં કર્યો ઉલ્લેખ. ગુજરાતમાં સરકાર અમારી બનશે તો અમે ગુજરાતના લોકોને દિલ્‍હીની જેમ મુખ્‍યમંત્રી તીર્થ યાત્રા યોજના શરૂ કરીશું. દિલ્‍હીની જેમ ગુજરાતના વયોવળદ્ધ લોકોને પણ અમે અયોધ્‍યામાં ભગવાન રામના મફત દર્શન કરાવીશું.
શ્રી કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્‍યું કે ભાજપે ૨૭ વર્ષ સુધી ગુજરાતને લૂંટયો છે. મુખ્‍યમંત્રી કોઈ પણ સરકાર તો સીઆર પાટીલ જ ચલાવે છે. તમે પરીક્ષાનું આયોજન યોગ્‍ય રીતે નથી કરી શકતા, તમે સરકાર કેવી રીતે ચલાવશો. તમે બાળકોના ભવિષ્‍ય સાથે ચેડાં કરી રહ્યા છો. તેવા આક્ષેપો કર્યા હતા.
આ જાહેરસભામાં ‘આપ'ના નેતાઓ સર્વશ્રી ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, ઈન્‍દ્રનિલ રાજયગુરૂ, શિવલાલ પટેલ, અજીત લોખીલ, રાજભા ઝાલા, વશરામ સાગઠીયા સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(10:39 am IST)