Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

મોવિયામાં વીજ ચેકિંગ કરવા આવેલી PGVCLની ટીમ પર હુમલો કરનારા ભાજપ નેતા સહિત 8 લોકોના જામીન નામંજૂર: જેલ હવાલે

ટીમ પર હુમલો કરતા ડેપ્યુટી એન્જિનિયર ભાર્ગવ પુરોહિત સહિત ત્રણ લોકોને થઇ હતી ઇજા

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવિયા ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલાનો બનાવ પ્રકાસમાં આવ્યો હતો. ભાજપના અગ્રણી અને પુર્વ જિલ્લા પંચાયતના સભ્ય ધીરુ તળપદા, તેની પત્ની ભારતીબેન સહીત આઠ શખ્સોએ હુમલો કર્યો હતો. જે ને પગલે ચેકિંગ ટુકળીના ઈજનેરને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ  મામલે ફરિયાદ બાદ 8 શખ્સોની ધરપકડ કરાઇ છે.

મોવિયા ગામે ભાર્ગવ નંદલાલ પુરોહીત (ઉ.વ.53 જૂનાગઢ ડીવીઝન-1 પીજીવીસીએલ કચેરી, નાયબ ઇજનેર) સહિત એક ટીમ ધીરુ મેપા તળપદાના ઘરે વીજ ચેકીંગ અર્થે ગઈ હતી. આ દરમિયાન તેના ઘરમાં વીજ ચેકીંગ કરતાં હતા ત્યારે ધીરુ તળપદા અને તેના પત્ની ભારતીબેને ગાળો આપી વીજ ચેકીંગ કરવાની મનાઈ કરી હતી. વધુમાં ધક્કા મારી ઘરની બહાર કાઢી મુક્યા હતા. આ વેળાએ ચિરાગ હેમંત તળપદા, જીગ્નાબેન ચેતન તળપદા, રમેશ મેપા તળપદા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવી આવ્યા હતા. જેમણે ઝઘડો કરી ટીમ ઉપર હુમલો કર્યો હતો. જેમાં ભાર્ગવ નંદલાલ પુરોહીત સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. જેથી તત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને  ભાર્ગવ પુરોહીતે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હુમલાખોર ધીરુ મેપા તળપદા, ચિરાગ હેમંત તળપદા, ભારતીબેન ધીરુ તળપદા,જીગ્નાબેન ચેતન તળપદા, રમેશ મેપા તળપદા અને અજાણ્યા ત્રણ શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ મુદ્દે હુમલો કરનારા ભાજપના અગ્રણી ધીરૂ તળપદા સહિત અન્ય 7 લોકોના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે આથી તમામને કાર્યવાહી બાદ જેલ ભેગા કરવામાં આવ્યા હતા. 

(8:51 pm IST)