Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

શહેરના મોટાગજાના બિલ્‍ડરને બેનામી પ્રોપર્ટી હેઠળ નોટીસ

રાજકોટ અને અમદાવાદમાં મોટાપાયે જમીનો ખરીદી હોવાનો ધડાકોઃ ગોલમાલની ગંધ આવતા આયકર વિભાગે નોટીસ ફટકારી

રાજકોટ તા.૧૨: જમીનોના સોદાગરો માટે મક્કા ગણાતુ રાજકોટ ભારતભરમાં પ્રખ્‍યાત છે. અહીં જમીનો અને મકાનોના ભાવ અને તેના ગોરખધંધા વારંવાર છીંડે ચડતા હોય છે તેવામાં રાજકોટના પ્રખ્‍યાત અને મોટાગજાના ગણાતા એક બિલ્‍ડરને આવકવેરા વિભાગે બેનામી પ્રોપર્ટી એક્‍ટ હેઠળ નોટીસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

આ અંગે આયકર વિભાગના વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આવકવેરા વિભાગે રાજકોટ અને અમદાવાદમાં મોટાપાયે જમીનો ધરાવતા અને જમીન-મકાનના બિઝનેસ સાથે સંકળાયેલા એક બિલ્‍ડરે જમીનોની ખરીદ-વેંચાણમાં ગોલમાલ કરી હોવાની શંકાના આધારે આ નોટીસ પાઠવી છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે, બેનામી પ્રોપર્ટી હેઠળ ગુજરાતમાં કુલ ૨ બિલ્‍ડરોને આ પ્રકારની નોટીસ ફટકારવામાં આવી છે, જેમાં રાજકોટના પણ એક જમીન સોદાગરનું ‘સિલ્‍વર લાઇન'માં નામ છે. પ્રતિષ્‍ઠિત એવા આ બે બિલ્‍ડરોએ રાજ્‍યમાં ગેરકાનૂની રીતે જમીનો ખરીદી હોવાનું ઇન્‍કમટેક્ષને જાણવા મળતા આ નોટીસ ફટકારી તેમની પાસે જવાબ માંગવામાં આવ્‍યો છે.

કરોડો રૂપિયાના જમીન-મકાનના ધંધા સાથે સંકળાયેલા આ બિલ્‍ડરને બેનામી પ્રોપર્ટી એક્‍ટ હેઠળ નોટીસ મળતા બિલ્‍ડર લોબીમાં પણ ખળભળાટ મચી જવા પામ્‍યો છે. આ બિલ્‍ડરને નોટીસમાં કેટલીક સ્‍પષ્‍ટતાઓ કરવા જણાવાયું છે અને જો નહીં કરે તો પ્રોપર્ટી એટેચમેન્‍ટ સહિતના પગલાઓ પણ લેવામાં આવે તેવી શક્‍યતા છે.

(3:48 pm IST)