Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

પ્રેમ સબંધમાં મુસ્લિમ યુવતીના ભાઈએ માર મારતા યુવકનું મોત

હિંદુ યુવક અને મુસ્લિમ યુવતીના પ્રેમનો કરુણ અંત : પ્રેમ સંબંધમાં યુવતીને યુવકની હત્યાની જાણ થતાં તેણે પણ કાડું કાપી લેતાં તેની સ્થિતિ હાલમાં નાજુક

રાજકોટ, તા.૧૨ : રાજકોટ શહેરમાં હિંદુ યુવક અને મુસ્લિમ યુવતીના પ્રેમનો કરુણ અંત આવ્યો છે. અલગ અલગ ધર્મની બે વ્યક્તિની પ્રેમ કહાનીમાં ૨૨ વર્ષીય યુવકને તેની પ્રેમિકાના ભાઈ દ્વારા બેરહેમીથી માર મારવામાં આવતા તેનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું તો બીજી તરફ આ વાતની જાણ યુવતીને થતા તેણે પણ કાડું કાપી લેતા તેની સ્થિતિ હાલ નાજુક છે અને સારવાર હેઠળ છે. રાજકોટ ભક્તિનગર પોલીસે આ મામલે કેસ નોંધીને સમગ્ર તપાસ હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા બિહારના વતની મિથુન ઠાકુર અને પડોશમાં જ રહેતી ૧૮ વર્ષની યુવતી સુમિયા કડીવાર છેલ્લા કેટલાક મહિનાઓથી રિલેશનશિપમાં હતા. તેઓ જંગલેશ્વર મેઈન રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં એક જ શેરીમાં રહેતા હતા. તેવામાં જ્યારે ગત સોમવારે ઠાકુરે સવારે ૧૦ વાગ્યાની આસપાસ સુમિયાને તેના મોબાઈલ ફોન પર ફોન કર્યો ત્યારે તેના ભાઈ સાકિરે ફોન ઉપાડ્યો હતો. જે બાદ તેણે ઠાકુરને પોતાની બહેન સાથેના સંબંધો પૂર્ણ કરવા નહીંતર ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર પછી સાકીર અને ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ઠાકુરના ઘરે ગયા અને તેમને નિર્દયતાથી માર માર્યો હતો. જેના કારણે તે બેભાન થઈ જતાં તેને ત્યાં એમ જ છોડીને ચાલ્યા ગયા હતા. તેવામાં એક પાડોશીએ ઠાકુરને ઘરમાં બેભાન અવસ્થામાં પડેલો જોયો હતો અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંથી તેને ગંભીર ઈજાઓ અને બ્રેઈન હેમરેજને કારણે અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો. ઠાકુરે બુધવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

બુધવારે જ્યારે સુમિયાને તેના મૃત્યુની જાણ થઈ, ત્યારે તેણે પણ પોતાનું કાંડું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જે બાદ બુધવારે તેણીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. સુમિયાના માતા-પિતા છૂટાછેડા લઈ ચૂક્યા છે અને તેની માતા પણ એક ખાનગી કંપનીમાં મજૂર તરીકે કામ કરે છે. મિથુન ઠાકુર અને તેના પિતા બિપીન ઠાકુર રાજકોટમાં રહેતા હતા અને એક કારખાનામાં કામ કરતા હતા. ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એલએલ ચાવડાએ કહ્યું, *અમે મૃતકના પિતાની ફરિયાદ લીધી છે અને સાકીર અને તેના એક સાથીદારને ઝડપી લીધા છે.

(7:51 pm IST)