Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કર્મકાંડી બ્રાહ્મણ પરિવારના સામુહીક આપઘાત કેસમાં દિલીપ કોરાટની રેગ્યુલર જામીન અરજી અને વકીલ રાજેશ વોરાની વચગાળાની આગોતરા જામીન અરજી રદ

ગંભીર ગુનો છે એફ.આર.આર.માં આરોપીનું નામ છે સરકારી વકીલ સમીર ખીરાની રજુઆતને ગ્રાહ્ય રાખતી કોર્ટઃ વકીલની મુળ આગોતરા અરજીની સુનાવણી હવે પછી થશે...

રાજકોટઃ રાજકોટ નાના મવા મેઇન રોડ શિવમ પાર્ક વિસ્તારમાં આવેલ મકાનનો રૂપિયા ૧.૨૯ કરોડમાં  સોદો કરી માત્ર ૨૦ લાખમાં પડાવી લેવા ધાકધમકી દબાણને કારણે કર્મકાંડી બ્રાહ્મણ પરિવારના ૩ સભ્યોને સામુહિક વિષપાન કરી આપઘાત માટે મજબૂર કર્યાના ચકચારી પ્રકરણમાં પકડાયેલા એક આરોપી દિલીપ જીવરાજ કોરાટની રેગ્યુલર જામીન અરજી તેમજ નાસતા ફરતા વકીલ રાજેશ ડી. વોરાની વચગાળાની આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ જજ બી. બી. જાદવે ફગાવી દીધી છે. જ્યારે આગોતરા જામીન અરજી પેન્ડિંગ છે.

આ અંગેની વિગત મુજબ શહેરના નાનામવા રોડ પર આવેલા શીવમ પાર્ક શેરી નં. ૨ ખાતે કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ કોરોનાની દવા છે તેમ કહી દિકરા અંકિત લાબડીયા તથા દીકરી કૃપાલી લાબડીયા એમ ત્રણેયે ઝેરી દવા પી જતા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જતા પ્રથમ પુત્ર અંકિત કમલેશભાઇ લાબડીયાનું મૃત્યુ થયું હતું. બાદમા  પિતા કમલેશભાઈ અને ત્યારબાદ પુત્રી કૃપાલીનું એમ ત્રણેયના વારાફરતી મોત નીપજતા પરિવાર વેર-વિખેર થઇ ગયો  હતો.

જેમાં મૃતક કમલેશભાઇની સ્યુસાઇડ નોટ  તેમજ તેમના કાનજીભાઇની ફરિયાદના આધારે  પોલીસે દિલીપ જીવરાજ કોરાટ (રહે. ઉદયનગર શેરી નં. ૧૭) અને વકીલ રાજેશ દેવજીભાઈ વોરા સામે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ બનાવની તપાસમાં ખુલ્યા મુજબ કમલેશભાઈ લાબડીયાનું શિવમ પાર્કમાં આવેલું મકાન રૂપિયા ૧.૨૯માં ખરીદવા દિલીપ કોરાટે સોદો કર્યો હતો. દિલીપ કોરાટે પોતાના વકીલ આર.ડી.વોરા મારફતે  કમલેશભાઇને રૂ.૨૦ લાખ આપ્યા હતા.  દિલીપ  કોરાટ બાકીના ૬૧ લાખ રૂપીયા આપે એટલે તેને રજીસ્ટર સાટાખત કરી આપવાનું હતું. દરમિયાન ગઈ તા.૮ જાન્યુઆરીના રોજ કમલેશભાઈને દિલીપ કોરાટે કોલ કરી સાટાખત કરવા માટે વકીલ આર.ડી.વોરાની ઓફિસે બોલાવ્યા હતા. જ્યાં વકીલ અને દિલીપ કોરાટે માત્ર રૂપિયા ૨૦ લાખ આપ્યા હોવા છતાં ૬૧ લાખ રૂપિયા આપ્યા  છે એમ કહી  સાટાખત રજીસ્ટર કરવા દબાણ કરવા લાગ્યા હતા. તમને રૂપિયા આપ્યા તેનું લખાણ ડાયરીમાં હતું. જેમાં તમારી સહી પણ હતી. તે ડાયરીના પાના તમે ફાડી નાખ્યા છે તેમ કહી તેમની ઉપર ખોટો આરોપ મુકતા બોલાચાલી થઈ હતી, 'હું જોઉ છું જો સાટાખત નહી કરી આપો તો તમને જાનથી મારી નાખીશ' તેવી ધમકી પણ આપી હતી. બાદમાં બંનેએ કમલેશભાઈ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચમાં ખોટી અરજી આપી હેરાનગતિ અને ધાકધમકીથી ત્રાસીને કમલેશભાઈએ ગત તા.૩ ના રોજ રાત્રે પોતે ઝેરી દવા પી લીધા બાદ બન્ને સંતાનોને પણ પીવડાવી દીધી હતી. જે  ફરિયાદ પરથી તાલુકા પોલીસ મથકના પી.આઈ જે.વી.ધોળાએ ગુનો નોંધી દિલીપ કોરાટને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટની સુચનાથી જેલહવાલે કર્યો હતો. તેમાં દિલીપ કોરાટે રેગ્યુલર જામીન અરજી અને ભાગતા ફરતા વકીલ રાજેશ વોરાએ આગોતરા જામીન અરજી કરી હતી.

આ અરજી અનુસંધાને મદદનીશ સરકારી વકીલ સમીર ખીરાએ  અરજીઓ નામંજૂર કરવા ધારદાર દલીલો કરી હતી. તેમાં એડિશનલ સેશન્સ જજ બી બી જાદવે દિલીપ કોરાટની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી અને  રાજેશ વોરાની આગોતરા જામીન અરજી અનુસંધાને સુનાવણી આગળ ઉપર રાખી હતી તેથી વકીલ રાજેશ દેવજીભાઈ વોરાએ વચગાળાની આગોતરા જામીન અરજી કરી હતી, તેમાં પણ મદદનીશ સરકારી વકીલ સમીર  ખીરાની રજૂઆતો જેવી કે આરોપીનું એફઆઇઆરમાં નામ છે, ગંભીર ગુનો છે વગેરે રજૂઆતો ધ્યાને લઇ વચગાળાની આગોતરા જામીન અરજી પણ નામંજુર કરી હતી.

(4:28 pm IST)