Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મીની લોકડાઉનને કારણે રાજકોટમાં ૪ હજાર વાળંદો બેહાલ થયા છે તાકિદે ઘટતુ કરો : દરજી-સ્ટેશનરી વેપારીઓને દુકાનો માટે છૂટ આપો

ત્રણેય સમાજના કલેકટરને આવેદન : વાળંદ સમાજના ૧૬ હજાર પરિવારો ઉપર આર્થિક સંકટ છે

આજે કલેકટર કચેરી ખાતે વાળંદ સમાજ-દરજી સમાજ તથા સ્ટેશનરી  એસો.ના આગેવાનો ઉમટી પડ્યા હતા, અને ધંધા-રોજગાર અંગે છૂટ આપવા સહિતની માંગણીઓ કરી કલેકટરને આવેદન પાઠવ્યું હતું તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૩ :  આજે કલેકટર કચેરી ખાતે વિવિધ ધંધાકીય વેપારીઓના એસો. તથા સમિતિના આગેવાનો ઉમટી પડયા હતા અને કલેકટરને આવેદન પાઠવી રજુઆતો કરી હતી.

શ્રી ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ-રાજકોટ, વાળંદ સેવા સમાજ દ્વારા લોકડાઉનના આ સરાહનીય નિર્ણયોને વાળંદ સમાજ આવકાર છે. તેમ જણાવી આવેદનમાં ઉમેયુ હતું કે અમારી ધંધાર્થીઓની સંખ્યા ૪૦૦૦ દુકાનો તથા (આશરે) ૧૬૦૦૦ પરિવારોની સંખ્યા છે.

આ પરિવારની રોજીરોટી વાળંદ કામ (ક્ષૌરકર્મ) પર આધારિત હોવાથી આજે અમારો સમાજ દિવસે ને દિવસે રાજય સરકારના લોકડાઉન લંબાવવાથી બહુ જ કપરી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. ત્યારે અમારા આ નબળો પરિવાર જે ટંકે-ટંકનુ઼ લઇને ગુજરાત ચલાવે છે. તેમજ અમારા સમાજમાં એવા નબળા પરિવારો છે કે જેઓની દુકાન તથા મકાન પણ ભાડાના હોય તેવા પરિવારોની સંખ્યા વધુ હોવાથી અતિ કપરી પરિસ્થિતિમાં અમારો સમાજ જીવન ગુજારી રહ્યો છે.

આવા સમયમાં અમારા સમાજના મોભીઓ, તેમજ અતિ નબળા વ્યકિતઓ અમારી સંસ્થાના પ્રમુખશ્રીઓ તથા કાર્યકરોને કાયમ અસંખ્ય કોલ્સ તથા સંદેશા મોકલી રહ્યા છે, કે અમારી કપરી પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિમાંથી બહાર આવવા આપણી સંસ્થાવતી સરકારશ્રીને આ અરજ કરી આપણા આ પરિવારોને ધંધા-રોજગારની છુટ તથા આર્થિક સહાયમાં મદદરૂપ બની રહો તેવી વાળંદ સમાજના રાજકોટના વસતા આશરે ૧૬૦૦૦ પરિવારો વતી અમારી સંસ્થા શ્રી ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ તથા શ્રી વાળંદ સેવા સમાજ-રાજકોટ દ્વારા આપ નમ્ર અરજ છે અમારો આ અતિ નબળો સમાજ આવી કપરી પરિસ્થિતિમાંથી તાત્કાલીક બહાર આવી શકે તેવા નિર્ણયો લઇ અમારા સમાજને તાત્કાલીક આ પરિસ્થિતિમાંથી ઉગારવા ઘટતુ કરશો.

મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિના આગેવાનો દરજી સમાજ

કોરોના મહામારીની શરૂઆતથી જ સમગ્ર ગુજરાતનો અમારો દરજી સમાજ ખુબ જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. દરજી સમાજના મોટાભાગના લોકો પોતાની દરજી કામની નાના દુકાનોમાં કામ કરીતે પોતાનું ગુજરાન ચલાવે છે, દરજી સમાજના અમુક લોકોનો માત્ર કારીગરો છે. જેમને પોતાની દુકાનો પણ નથી તેઓ રોજ દરજી કામની નાની-નાની દુકાનોમાંથી સિલાઇનું કામ મેળવીને રોજનું રોજ કમાઇને ગુજરાન ચલાવે છે. આવી પરિસ્થિતિમાં સરકારના આદેશ અનુસાર દરજી (સિલાઇ) કામની નાની નાની દુકાનો બંધ રહેવાથી સમગ્ર દરજી સમાજની આર્થિક સ્થિતિ અત્યંત કફોળી બનેલ છે, અમુક પરિવારોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યુ હોય અને પરિવારો ઉંચા વ્યાજનું દેવુ કરવા મજબુર બન્યા છે.

આપશ્રીને જણાવવા માંગીએ છીએ કે કપઠ્ઠાએ જીવન જરૂરીયાતની વસ્તુઓનો જ એક ભાગ હોય તો દરજીકામ (સિલાઇકામ) ની દુકાનોમાં જે સિલાઇનું કામ આવે તેને દરજી સમાજના કારીગરો પોતાના ઘરે જ સિલાઇ કરવા લઇ જતો હોય તો દરજીની દુકાનોમાં ભીડ એકઠી થતી જ નથી.

દરજી સમાજના પરિવારોની દુકાનો બંધ હોવાના કારણે આર્થિક પરિસ્થિતિ અત્યંત ગંભીર બનેલ હોઇ તો સરકાર તરફથી દરજી સમાજને યોગ્ય આર્થિક સહાય કરવા તેમજ દરજીકામ (સિલાઇકામ)ની દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપવા વિનંતી છે.

સ્ટેશનરી એસો.

આગેવાનોએ જણાવેલ કે જેટલા પણ વેપાર-ઉદ્યોગ ચાલુ છે, તે દરેક જગ્યાએ સ્ટેશનરીની ખુબ જરૂરીયાત હોય છે. હોસ્પિટલ પેથોલોજી લેબ વગેરે જગ્યાએ પણ સ્ટેશનરીની આપૂર્તિની જરૂરીયાત છે. અમારા કેટલાક વેપારીઓ ગર્વમેન્ટ સંસ્થાઓ ખાનગી ઓફીસો તેમજ અન્ય જગ્યાએ સ્ટેશનરી સપ્લાય કરે છે. પણ હાલના સંજોગોમાં તેઓની જરૂરીયાત પુરી કરી શકતા નથી અને આને લઇને જીવન જરૂરીયાતની સેવા કરતી સંસ્થાઓને પણ વગર સ્ટેશનરી વગર તકલીફમાં મુકાવું પડે છે. સ્ટેશનરી માર્કેટ બંધ હોવાથી આ સપ્લાય ચેઇન તૂટી ગઇ છે. સરકાર ગાઇડલાઇનમાં પણ સ્ટેશનરીના વેપારીઓ બાબતે કોઇ ચોક્કસ સ્પષ્ટતા જણાતી નથી જેમ કે બીજા બધા વેપાર-ધંધાનો નામ સાથે ઉલ્લેખ કર્યો છે પણ સ્ટેશનરીના ધંધા વિશે કોઇ સ્પષ્ટતા દેખાતી નથી. તો સ્પષ્ટતા કરવા માટેે આપશ્રીને વિનંતી છે, અને આ નાના વ્યવસાયને કે, જે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા, હોસ્પિટલ, લેબોરેટરી, ગર્વમેન્ટ ઓફીસ, ખાનગી ઓફીસ, મેન્યુફેકચરીંગ યુનિટ વગેરેના સપ્લાય સાથે સંકળાયેલો  છે. આથી સવારે ૯ થી બપોરે સુધી દુકાનો ખોલવાની પરવાનગી આપવા વિનંતી છે.

(4:21 pm IST)