Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

૧લી જૂનથી રાજકોટ કલેકટર તથા તમામ મામલતદાર કચેરીમાં મોન્સુન કંટ્રોલ રૂમઃ ડીઝાસ્ટર પ્લાન અંગે આદેશો

સાંજે કલેકટર સાથે રાજ્ય સરકારની વીસીઃ કલેકટર પણ ડે. કલેકટર-મામલતદારો સાથે વીસી કરશે : જૂના-નવા પૂલ, નીચાણવાળા રસ્તા, ગામો, વીજલાઈન, ચેકડેમો, ડેમોની સ્થિતિ તપાસવા સૂચના : આ વખતે દરેક ગામમાં પણ ખાસ વરસાદ મપાશે

રાજકોટ, તા. ૧૩ :. અરબી સમુદ્રમાં ૪ થી ૫ દિવસમાં લો પ્રેસર સિસ્ટમ સર્જાવાની તૈયારી છે. એ દરમિયાન કલેકટરે આજે દરેક અધિકારીઓને સૂચના આપી કલેકટરના ડીઝાસ્ટર સેન્ટરમાં અને દરેક તાલુકા મથકે તા. ૧લી જૂનથી મોન્સુન અને વરસાદનો કંટ્રોલ રૂમ શરૂ કરી દેવા આદેશો કર્યા છે.

સાધનોએ ઉમેર્યુ હતુ કે સતત બીજા વર્ષે પણ રાજકોટ કલેકટરના ૫૯૭ ગામોમાં પણ દરરોજ પડેલો વરસાદ, મોસમનો કુલ વરસાદ ખાસ મપાશે. કલેકટરે દરેક ડે. કલેકટર-મામલતદારોને અને ડીઝાસ્ટરના અધિકારીઓને ખાસ પ્લાન બનાવવા આદેશો કર્યા છે.

દરેક ગ્રામ્ય વિસ્તારમાં જૂના-નવા પૂલ, નીચાણવાળા રસ્તા, ચેકડેમો, વીજલાઈન, જોખમવાળા વિસ્તાર, ભય સૂચક સિગ્નલ, સાઈન બોર્ડ, દરેક તલાટી-સરપંચ અને આગેવાન, નાગરીકોના ફોન નંબર, તમામ ડેમો, ડેમો હેઠળના નીચાણવાળા વિસ્તારો વિગેરેનું ચેકીંગ કરવા તે અંગે કાર્યવાહી કરી લેવા આદેશો કર્યા હતા. દરમિયાન આજે રાજ્ય સરકારની ઓલ કલેકટર સાથે ખાસ વીસી યોજાઈ છે, તો કલેકટરે પણ સાંજે દરેક મામલતદાર-ડે. કલેકટરો સાથે ખાસ વીસી યોજી છે.

દરમિયાન અધીક કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, મામલતદારો-ટીડીઓ ગ્રામ્ય લેવલે-તાલુકા લેવલે ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરશે. તરવૈયા કેટલા, સેન્ટર હાઉસ કયુ ?, ગ્રામ્ય કક્ષાના અધિકારી, તલાટી, આંગણવાડી વિગેરેના નંબરો સાથેનું આયોજન ૨૫મી સુધીમાં અમલમાં મુકી દેવાશે.

આજે સાંજે ૫ વાગ્યે પ્રિ-મોન્સુન બેઠક વીસી દ્વારા મળેલ જેમાં વરસાદ માપક યંત્ર, સ્ટેટ અને પંચાયત હાઈવેના બેઠાપૂલની બન્ને બાજુ ભયજનક સપાટીના બોર્ડ રાખવા, સિંચાઈ વિભાગ માટે વાયરલેસ સેટ, રાઉન્ડ ધ કલોક, સ્ટાફના ઓર્ડરો, ૧લી જૂનથી કલેકટર-મામલતદાર કચેરીમાં કંટ્રોલરૂમ, જર્જરીત ઈમારતોનો સર્વે, પાલિકા વિસ્તારમાં આવો સર્વે કરી જે તે મકાન માલિકોને નોટીસો આપવી વિગેરે કાર્યવાહી કરવા આદેશો થયા છે.

(3:27 pm IST)