Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સિવીલમાં મ્યુકરમાઈક્રોસીસના ૪૦૦ બેડ ઉભા કરાશેઃ ૨૨ ખાનગી ડોકટરો ઓપરેશન સહિતની સેવા આપશેઃ રોજના એવરેજ ૫૦ કેસો આવે છે

સિવીલમાં તમામ પ્રકારની ફ્રી સેવાઃ દવા-ઈન્જેકશનની અછત હોય રાજ્ય સરકારને જાણ કરાઈ : ઓકસીજનનો પૂરતો સ્ટોક છે, સીંગાપોરથી વધુ કોન્સ્ટ્રેટર મશીન આવ્યા, જિલ્લામાં હવે ફાળવાશે

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને જણાવ્યુ હતુ કે કોરોના કાબુમાં આવી રહ્યો છે. ૧૦ ટકાથી વધુ કેસો ઘટયા છે અને બેડો પણ ખાલી થવા માંડયા છે.

રાજકોટમાં મ્યુકરમાઈક્રોસીસના કેસો વધ્યા તે અંગે તેમણે જણાવેલ કે સિવીલમાં આવા દર્દીઓ માટે ૪૦૦થી વધુ બેડ ઉભા કરાશે અને તેમા સરકારી ૬થી વધુ ઉપરાંત શહેરના ૨૨ જેટલા ડોકટરો રોટેશન મુજબ ઓપરેશન સહિતની સેવા આપશે. તેમણે જણાવેલ કે રોજના ૫૦ કેસો એવરેજ આવી રહ્યા છે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે મ્યુકરમાઈક્રોસીસના કેસોની દવા અને ઈન્જેકશનની અછત અંગે કાર્યવાહી થઈ રહી છે. રાજ્ય સરકારને આ બાબતે જાણ કરાઈ છે અને ટાઈઅપ પણ થઈ રહ્યુ છે.

ઓકસીજન અંગે તેમણે જણાવેલ કે હાલ ઓકસીજનનો પુરતો સ્ટોક છે, કોઈ અછત નથી, તેમા બધુ થાળે પડી ગયુ છે. તેવી જ રીતે રેમડેસિવીર ઈન્જેકશનમાં પણ કોઈ મુશ્કેલી નથી. કલેકટરે જણાવેલ કે કેન્સર કોવીડ સેન્ટરમાં ૩ ટન ઓકસીજન પ્લાન્ટ પણ ઉભો કરાઈ રહ્યો છે. તેમજ સિંગાપોરથી વધુ ઓકસીજન કોન્સ્ટ્રેટર મશીન આવ્યા છે જે શહેર અને જીલ્લામા હવે ફાળવાશે.

કલેકટરે મ્યુકરમાઈક્રોસીસ દર્દીની સારવાર અંગે ઉમેર્યુ હતુ કે, સિવીલમાં આખુ સેટઅપ ગોઠવાઈ રહ્યુ છે. પદ્મકુંવરબાવાળા ઈએનટી સર્જન ડો. સંદિપ વાઘાણીની પીડીયુમાં ઓપીડી શરૂ કરાઈ છે. ભાવનગરથી ડો. ખાવડુ પણ આવ્યા છે. તેમજ ન્યુરોસર્જન અને ઈએનટી એસો. સાથે ટાઈઅપ થયુ છે. સિવીલમાં સહકાર આપવા બન્ને ડોકટર એસો. દ્વારા સંમતિ મળી છે. તેમજ પોસ્ટ કોવિડના દર્દીઓને કેન્સર કોવિડમાં ખસેડાઈ રહ્યા હોય, મ્યુકરમાઈક્રોસીસ માટે કુલ ૪૦૦ બેડ કરવા તૈયારીઓ ચાલી રહી છે. હાલ ૨૦૦ દર્દીઓ છે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે ગરીબ દર્દીઓને માટે રાજકોટના એસએનટી ડોકટરો સિવીલમાં મફતમાં ઓપરેશન કરશે. આવા દર્દીને ૨૧ દિવસ સુધી સારવાર અપાઈ છે. સરકારીની ૩ અને ખાનગીના ૨૨ ડોકટરો ઓપરેશન કરી શકે છે. બાકીના રેસીડન્સ ડોકટરો મદદમા રહેશે તેમજ સ્ટીરોઈડ અંગે ગાઈડલાઈન આજે અપાશે.

(3:26 pm IST)