Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સ્ટેશનરી તથા બુકના વેપારીઓને ધંધો કરવાની છુટ આપો : રજુઆત

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્ટેશનરી અને બુકનાં વેપારીઓએ કલેકટર, ધારાસભ્ય, મ્યુ.કમિશ્નરને આવેદન પાઠવ્યું

રાજકોટ,તા.૧૩: હાલની પરિસ્થતીમાં સ્ટેશનરી તથા બુક સહિતની સામગ્રીને આવશ્યકતા ચીજવસ્તુની શ્રેણીમાં ગણી સ્ટેશનરી-બુકનાં વેપારીઓને દુકાન ખોલવા મંજુરી આપવા  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં  ધી સ્ટેશનરી પેપર એન્ડ બુકસ મરચન્ટ એસો., સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસો.,ધ સ્ટેશનરી ડીસ્ટ્રયુબ્યુટર એસોસીએશન દ્વારા કલેકટર,ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગે પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે,જેટલા પણ વેપાર-ઉદ્યોગ ચાલુ છે, તે દરેક જગ્યાએ સ્ટેશનરીની ખૂબ જરૂરીયાત  હોય છે. હોસ્પિટલ, પેથોલોજી, લેબ વગેરે જગ્યાએ પણ સ્ટેશનરીની આપૂર્તીની જરૂરીયાત છે. કેટલાક વેપારીઓ ગર્વમેન્ટ સંસ્થાઓ, હોસ્પિટલ, ખાનગી ઓફીસો તેમજ અન્ય જગ્યાએ સ્ટેશનરી સપ્લાય કરે છે. પણ હાલના સંજોગોમાં તેઓની જરૂરીયાત પુરી કરી શકતા નથી અને આને લઇને જીવન જરૂરીયાતની સેવા કરતી સંસ્થાઓને પણ સ્ટેશનરી વગર તકલીફમાં મુકાવું પડે છે. સ્ટેશનરી માર્કેટ બંધ હોવાથી આ સપ્લાય ચેઇન તુટી ગઇ છે. સરકારશ્રીની ગાઇડલાઇનમાં પણ સ્ટેશનરીના વેપારીઓ બાબતે કોઇ ચોક્કસ સ્પષ્ટતા જણાતી નથી. જેમ કે બીજા બધા વેપાર -ધંધાનો નામ સાથે ઉલ્લેખ કર્યો છે. પણ સ્ટેશનરીના ધંધા વિશે કોઇ સ્પષ્ટતા દેખાતી નથી. તો સ્પષ્ટતા કરવા વિનંતી છે અને આ નાના વ્યવસાયને કે, જે સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા, હોસ્પિટલ, લેબોરેટરી, ગર્વમેન્ટ ઓફીસ, ખાનગી ઓફિસ, મેન્યુફેકચરીંગ યુનિટ વગેરેના સપ્લાય સાથે સંકળાયેલો છે.

આથી સવારે ૯ થી બપોરે ૨ સુધી દુકાનો ખોલવાની પરવાનગી આપો તો જરૂરી માલની સપ્લાય થઇ શકે અને બીજા બેન્િંકગ અને એકાઉન્ટન્ટનાં કામ પણ થઇ શકે. ગવર્મેન્ટની ગાઇડ લાઇન અનુસનર નિયમોનું પાલન કરવા રજુઆતનાં અંતે વેપારીઓએ ખાત્રી ઉચ્ચારી છે.

(3:18 pm IST)