Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

'તું મને છોડીને જતી રહી ને, તારા ફોટા વાયરલ થઇ ગયા, હવે ભોગવ'...ગાંધીગ્રામના પ્રદિપે સાયબર ક્રાઇમ આચર્યુ

ઓગણીસ વર્ષના લગ્ન જીવન પછી પતિ સાથે અણબનાવ થતાં અલગ રહેતી મહિલા જેના પ્રેમમાં પડી એણે પણ હેરાન કરી : પતિને છોડ્યા બાદ એક વર્ષ સુધી મહિલા પ્રદિપ સાથે રહી હતીઃ એક મહિનાથી તેનાથી અલગ થતાં તેને ન ગમ્યું: ફેસબૂકમાં પણ મહિલાનો અને પોતાનો ફોટો મુકી લખ્યું-આ સવારથી લાપતા થઇ ગઇ છે, માહિતી હોય તો ફોન કરવોઃ સાયબર પોલીસે સકંજામાં લીધો : મહિલા સાથે રહેતી ત્યારે જાણ બહાર તેના ફોટા પાડી લીધા'તા

રાજકોટ તા. ૧૩: પતિ સાથે અણબનાવ બનતાં તેનાથી અલગ પડી ગાંધીગ્રામના શખ્સ સાથે એક વર્ષ રહ્યા બાદ આ શખ્સે પણ માથાકુટ કરતાં એક માસથી તેનાથી અલગ રહેતી મહિલાને ગાંધીગ્રામના શખ્સે  વ્હોટ્સએપમાં તેણીના બિભત્સ ફોટાઓ મોકલી તેમજ 'તું મને છોડીને જતી રહી છો ને, હવે જો તારા ફોટા વાયરલ થઇ ગયા, હવે તું ભોગવ' એવો મેસેજ મોકલી તેમજ પોતાના ફેસબૂક પ્રોફાઇલ પર પોતાનો આ મહિલા સાથેનો ફોટો મુકી 'આ સવારથી લાપત્તા થઇ ગઇ છે, માહિતી મળે તો ફોન કરવો' એવું લખાણ મુકી હેરાન કરતાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

સાયબર ક્રાઇમ પોલીસે આ બનાવમાં ૩૮ વર્ષના મહિલાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ ભારતીનગરમાં રહેતાં પ્રદિપ ડાયાભાઇ સિધ્ધપુરા સામે આઇટી એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે  હાલમાં હું મારી પુત્રી સાથે રહુ છું અને ઘરકામ કરુ છું. મારા લગ્ન ઓગણીસ વર્ષ પહેલા થયા હતાં. એ લગ્નથી ત્રણ સંતાનોની પ્રાપ્તિ થઇ હતી. જેમાં બે પુત્ર અને એક પુત્રી છે. પતિ-પત્નિ વચ્ચે મનદુઃખ થતાં હું દોઢ વર્ષથી પુત્રી સાથે અલગ રહુ છું. પતિથી જુદી પડ્યા પછી મારી ઓળખ પ્રદિપ સિધ્ધપુરા સાથે થઇ હતી. તેની સાથે પ્રેમ થઇ જતાં અમે મોૈખિક સમજુતિથી સાથે રહેતાં હતાં. એકાદ વર્ષ અમે આ રીતે રહ્યા હતાં.

ત્યારબાદ પ્રદિપ સાથે બોલાચાલી થતાં મેં તેનાથી અલગ મારી દિકરી સાથે રહેવાનું શરૂ કર્યુ છે. એક મહિનાથી હું તેનાથી અલગ પડી ગઇ છું. હું સોશિયલ મિડીયામાં ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ વાપરૂ છું. તા. ૧૦/૫ના રોજ સાંજે આઠેક વાગ્યે હું ઘરે હતી ત્યારે પ્રદિપે તેના મોબાઇલ નંબરમાંથી મને મારા વ્હોટ્સએપમાં મારા બિભત્સ ફોટા મોકલ્યા હતાં. તેમજ અભદ્ર ભાષામાં મેસેજ કર્યા હતાં. તેણે 'તું મને છોડીને જતી રહી છે ને હવે જો તારા ફોટા વાયરલ થઇ ગયા, હવે તું ભોગવ' એવું લખીને મોકલ્યું હતું. તેમજ અલગ-અલગ મારા બિભત્સ ફોટા તેણે મારી જાણ બહાર હું કપડા બદલતી હોઉ તે સમયે પાડી લીધા હતાં તે મોકલ્યા હતાં.

આ ઉપરાંત પ્રદિપે તેના ફેસબૂક પ્રોફાઇલ  'પ્રદિપ સિધ્ધપુરા દિલ સે' પર મારો અને તેનો ફોટો મુકી તેની નીચે લખાણ લખ્યું હતું કે-'આજ સવારથી લાપતા છે, જેને પણ માહિતી મળે એણે આ નંબર પર ફોન કરવો' તેમ લખી પોતાના ફોન નંબર લખ્યા હતાં. આ બાબતે મેં એનસીઆરપી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીની તપાસ સાયબર ક્રાઇમને સોંપાયા બાદ મેં ફરિયાદ નોંધાવી છે.

પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ એન. બી. ડોડીયા, એએસઆઇ જે. કે. જાડેજા, જયદેવભાઇ બોસીયા, સંજયભાઇ ઠાકર તથા યોગરાજસિંહ ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલો શખ્સ છુટક ડ્રાઇવીંગ કરે છે અને તે પરિણિત છે.

(12:39 pm IST)