Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

લવમેરેજ કરનાર યુવતિનું હડાળાથી ભાઇઓ સહિતે અપહરણ કર્યુઃ કુવાડવા પોલીસે છોડાવી

ગોકુલનગરના અરવિંદ પરમારની ફરિયાદ પરથી તેના સાળા બુધા, હીરા સહિત સાત જણા સામે ફરિયાદ : બે કાર ઘર પાસે ઉભી રહેતાં અરવિંદ મારની બીકે નવેળાની વંડી ઠેંકી પત્નિને મુકીને ભાગી ગયોઃ પાછળથી તેણીને તેના ભાઇઓ સહિતના ઉઠાવી ગયા'તા

રાજકોટ તા. ૧૩: સંત કબીર રોડ પર રહેતાં યુવાને વિસ્તારમાં જ રહેતી યુવતિ સાથે લવમેરેજ કર્યા હોઇ અને હાલમાં બંને કુવાડવા તાબેના હડાળામાં ભાડેથી રહેતાં હોઇ યુવતિના કુટુંબને લગ્ન પસંદ ન હોઇ જેથી તેણીના ભાઇઓ સહિતનાએ હડાળા આવી તેણીનું અપહરણ કરી લીધું હતું. કુવાડવા પોલીસે તાકીદે તપાસ કરી તેણીને મુકત કરાવી હતી.

આ મામલે કુવાડવા રોડ પોલીસે સંત કબીર રોડ પર ગોકુલનગર-૩માં રહેતાં અને છુટક ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં અરવિંદ રૂપાભાઇ પરમાર (ઉ.વ.૨૭) નામના રબારી યુવાનની ફરિયાદ પરથી ગોકુલનગરમાં જ રહેતાં તેના સાળા બુધા હમીરભાઇ હણ, કાકાજીના દિકરા હીરા રૂપાભાઇ હણ તથા નરસી કળોતરા અને ચાર અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૬૫, ૧૪૩, ૪૫૧, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો અને અપહૃતને છોડાવી લીધી હતી.

અરવિંદે ફરિયાદમાં જણાવ્યું છે કે અમે બે ભાઇ અને બે બહેન છીએ. હું સોૈથી નાનો છું. મારે લત્તામાં રહેતી વર્ષા હમીરભાઇ હણ સાથે પ્રેમસંબંધ હોઇ અમે ૨૧/૪/૨૧ના રોજ અમરેલીના લાઠી તાબેના કરકોલીયા ગામે રાજીખુશીથી લવમેરેજ કર્યા છે. મેરેજ સર્ટીફિકેટ પણ મારી પાસે છે. વર્ષાનો પરિવાર અમારા લગ્ન થવા દે તેમ ન હોઇ જેથી અમે ૨૬/૪/૨૧ના રોજ પેડક રોડ પાણીના ઘોડેથી ભાગી ગયા હતાં. એ પછીથી હડાળા જતાં રહ્યા હતાં. જ્યાં ભાડેથી રહીએ છીએ. હું ટ્રક ડ્રાઇવીંગ કરતો હતો.

દરમિયાન ૧૧/૫ના હું અને મારી પત્નિ હડાળા ઘરે હતાં ત્યારે સાંજે સાતેક વાગ્યે એક સફેદ સ્વીફટ આવી હતી. તેમજ એક કાળા રંગની સ્કોર્પિયો આવી હતી. તેમાં મારો સાળો બુધા હમીરભાઇ, કાકાજીનો દિકરો હીરા રૂપાભાઇ અને સમાજના નરસીભાઇ સહિતના બીજા શખ્સો હતાં. આ લોકોને જોઇ હું અને મારી પત્નિ મકાન પાછળ નવેળામાં ગયેલ. જ્યાં હું વંડી ઉપર ચડી ગયો હતો. મારી પત્નિનો હાથ ખેંચી મેં ઉપર ચડાવવા પ્રયાસ કરેલો પણ તે વંડી પર ચડી શકી નહોતી.

મારની બીક લાગતાં હું પત્નિ વર્ષાને મુકીને ભાગી ગયો હતો. એ પછી સાળો, કાકાજીના પુત્ર સહિતના મારી પત્નિને લઇને જતાં રહ્યા હતાં. મેં પ્રેમલગ્ન કર્યા હોઇ એ મારી પત્નિના માવતર પક્ષને પસંદ ન હોઇ જેથી તેનું અપહરણ કરી ગયા હતાં.

કુવાડવા પોલીસે સત્વરે ગુનો દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી ગણત્રીના કલાકમાં જ અપહૃત વર્ષાને શોધી કાઢી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, જયંતિભાઇ ગોહિલ, કિશોરભાઇ, વિરદેવસિંહ, હરેશભાઇ, મુકેશભાઇ સહિતે તપાસ શરૂ કરતાં પોલીસ શોધી રહ્યાનું જાણી આરોપીઓ અપહૃતને કુવાડવા પાસે મુકી ભાગી ગયા હતાં.  પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:59 pm IST)