Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

રાજકોટમાં ર૦ હજાર નાના-મોટા ઉદ્યોગો રજીસ્ટર્ડ છેઃ કયા કયા ઉદ્યોગોને મંજૂરી તે અંગે સાંજે નવી ગાઇડ લાઇન

ભકિતનગર-જીઆઇડીસી-બાપુનગર-પટેલનગર-ઉદ્યોગનગર-મીરાનગર-માંડાડુંગર-ગંજીવાડા-વાવડી-અટીકા-કોઠારીયા-મવડી-સમ્રાટ વિસ્તારોમાં ધમધમાટ થશે : આ બધાને એકી સાથે મંજૂરી આપવી કેવી રીતેઃ તંત્ર મુંઝવણમાં: તો કલેકટર કચેરીએ પાસ માટે ર કિ.મી. લાંબી લાઇનો લાગશે

રાજકોટ તા. ૧૩ :.. કાલથી રાજકોટમાં નાના-મોટા ઉદ્યોગો ધમધમશે, અને બે ડઝન વિસ્તારમાં કારખાનામાં મશીનરીઓના અવાજ- ચહલ-પહલ-ચીમનીઓના ધૂમાડા - કાચા માલનું અવન-જવન બધુ શરૂ થશે. પરંતુ કયા પ્રકારના ઉદ્યોગોને મંજૂરી મળશે, કયા પ્રકારની છૂટ, કઇ શરતો, નિયમો, તેની કોઇ જાહેરાત થઇ નથી, કલેકટર તંત્ર પણ વિમાસણમાં છે, અધિકારી સુત્રો એવુ કહી  રહ્યા છે કે, ગાઇડ લાઇન સાંજ સુધીમાં આવે પછી બધુ થઇ શકશે.

દરમિયાન જીલ્લા ઉદ્યોગના અધિકારી સુત્રોએ એવુ જણાવ્યું હતું કે રાજકોટમાં નાના-મોટા થઇને અંદાજે ર૦ હજાર ઉદ્યોગો રજીસ્ટર્ડ છે, અને જે રજીસ્ટર્ડ નથી તેવા પણ હજારો છે, પણ આ બધાને મંજૂરી એકી સાથે કેમ આપવી તે મોટો પ્રશ્ન છે, જો પાસ ફરજીયાત કરાય તો, કલેકટર કચેરીએ પાસ માટે ર થી ૩ કિ. મી. લાંબી લાઇનો લાગે, અને રાજકોટના ઉદ્યોગો તો માંડ ૪ દિવસ પછી શરૂ થઇ શકે.

અત્રે એ નોંધનીય છે કે, રાજકોટમાં નાના ઉદ્યોગકારો પાસે હવે બે મહિનાના લોકડાઉનને કારણે ખર્ચા કાઢવાના નાણા ખૂટી પડયા હતાં, પરંતુ હવે મંજૂરી મળતા ૧પ દિવસમાં પાછૂ બધુ થાળે પડશે.

રાજકોટ શહેર આસપાસ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ભકિતનગર જીઆઇડીસી, બાપુનગર, પટેલનગર, મીરાં ઇન્ડસ્ટ્રીઝ, સંસ્કાર ઇન્ડ., માંડા ડુંગર, ગંજીવાડા, વાવડી, અટીકા, કોઠારીયા, મવડી અને સમ્રાટ જેવા વિસ્તારો લોકડાઉનના સમયથી બંધી હતાં તે શરૂ થવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. ગુરૂવારથી આ વિસ્તારોમાં ૧૮થી ર૦ હજાર જેટલા નાના ઉદ્યોગ સરકારી ચોપડે નોંધાયેલા છે.

નાના ઉદ્યોગો લોનના હપ્તા, કરજ અને રોજબરોજના ખર્ચામાં ડૂબતા જઇ રહ્યાં હતા તેહવે અટકશે. જોકે ઉદ્યોગોએ હજુ મંજુરીઓ લેવાની છે અને સોશીયલ ડિસ્ટન્સ અને સલામતીનું પાલન કરવાનું રહેશે.

એક ઉદ્યોગકાર કહે છે, લોકડાઉન ખુલી જાય અને કામકાજ શરૂ કરવામાં આવે તો પણ પૂર્ણ ક્ષમતાએ ઉદ્યોગોને પહોંચતા પહોંચતા છ-આઠ મહિના લાગી જાય તેમ છે. અત્યારે જયાં પણ ઉદ્યોગ શરૂ થયો છે ત્યાં ૩૦-૪૦ ટકા જ કામકાજ થઇ રહ્યું છે. રાજકોટ શહેરમાં પણ ૪૦ ટકા કરતા વધારે ઉત્પાદન નહીં લઇ શકાય. આખું વર્ષ તકલીફવાળુ રહેશે.

(3:56 pm IST)