Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનમાં આરોગ્ય કેન્દ્રોની પ્રશંસનીય કામગીરીઃ ૮૩ હજારનું નિદાન ૩૦ હજારની લેબોરેટરી

સ્ત્રી રોગ, બાળ રોગ, મનોચિકિત્સકો, ચર્મરોગના ૮,૧૧૪ દર્દીઓની નિષ્ણાંત ડોકટરો પાસે સારવારઃ મેયર બીનાબેન-આરોગ્ય ચેરમેન જયમીન ઠાકરે જાહેર કરી વિગતો

રાજકોટ,તા.૧૩: લોકડાઉન દરમિયાન નાની-મોટી બિમારીનાં દર્દીઓ માટે મ્યુ. કોર્પોરેશન તા.૨૧ આરોગ્ય કેન્દ્રો આશિર્વાદ સમાન બન્યા છે. અને આરોગ્ય કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કર્યાનું મેયર તથા આરોગ્ય ચેરમેનશ્રી સંયુકત યાદીમાં જણાવાયું છે.

મેયર બિનાબેન આચાર્ય અને આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર એક સયુંકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં આવેલ ૨૧ આરોગ્ય કેન્દ્રો સતત કાર્યરત છે. આ આરોગ્ય કેન્દ્રમાં નિદાન, લેબોરેટરી ટેસ્ટ, દવા, રસીકરણ વિગેરે કાર્યવાહી કરવામાં આવે છે.

સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે તેના અનુસંધાને લોકડાઉન પણ અમલમાં  છે. ૨૫ માર્ચ ૨૦૨૦થી લોકડાઉનના કારણે શહેરના મોટાભાગના પ્રાઇવેટ દવાખાના બંધ હોવાથી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો આશીર્વાદરૂપ નીવડયા છે. લોકડાઉન દરમ્યાન તમામ આરોગ્ય કેન્દ્રમાં ૮૩,૦૦૦થી વધુ લોકોનો નિદાન કરી વિનામુલ્યે દવા આપેલ છે. આ ઉપરાંત, ૩૦,૦૦૦ જેટલા લોકોની લેબોરેટરી તપાસ કરવામાં આવેલ છે.

કોરોના મહામારી અંતર્ગત શહેરના હોસ્ટપોટ વિસ્તાર એવા જંગલેશ્વરમાં કાર્યરત પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓ.પી.ડી. ઉપરાંત ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રિક, મનોચિકિત્સક, ચામડીના રોગના નિષ્ણાંત ડોકટરોની તેમજ ફિઝિશ્યનની વિશેષ સેવાઓ આપવામાં આવેલ. જેનો કુલ ૮,૧૧૪ જેટલા વ્યકિતઓએ લાભ લીધેલ હતો. આમ, રાજકોટ મહાનગરપાલિકા કોરોના વાયરસ અંતર્ગત સતત કામગીરી કરી રહી છે.

(3:53 pm IST)