Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ધ્રાંગધ્રા જેલમાંથી ભાગેલા પાંચ કેદીમાંથી એક પ્રકાશ ચંબલનો રીઢો ચોરઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચે દબોચ્યો'તો

ગુજરાત અને સોૈરાષ્ટ્રભરમાં સાગ્રીતો સાથે મળી સાંજે આઠથી દસ વચ્ચે ચાલીસેક બંધ મકાનોમાંથી ચોરીઓ કર્યાની કબુલાત આપી હતીઃ પીએસઆઇ મહાવીરસિંહ જાડેજા અને હેડકોન્સ. ફિરોઝભાઇ શેખે પકડ્યો હતો

રાજકોટ તા. ૧૩: સુરેન્દ્રનગર જીલ્લાની ધ્રાંગધ્રા સબ જેલમાંથી આજે વહેલી સવારે પાંચ કેદીઓ ભાગી છુટતાં રાજ્યભરની પોલીસ એલર્ટ થઇ છે. ભાગી છૂટેલા આ કેદીઓને દબોચવા ઠેર-ઠેર નાકાબંધી કરવામાં આવી હતી. જે પાંચ કેદી ભાગી ગયા તેમાંથી એક તો ચંબલનો રીઢો ચોર છે. જેને આજથી સાતેક મહિના પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે તેના સાગ્રીતો સાથે દબોચ્યો હતો. ત્યારે ગુજરાત-સોૈરાષ્ટ્રની ચાલીસેક જેટલી ઘરફોડ ચોરીઓની કબુલાત તેણે આપી હતી.

ધ્રાંગધ્રાની જેલમાંથી આજે વહેલી સવારે જે પાંચ કેદીઓ ભાગી છુટ્યા છે તેમાં ધરમ કાંતિ, શંતુ કાંતિ, નાનજી કાંતિ, સવજી કાંતિ અને પ્રકાશ કુશવાહાનો સમાવેશ થાય છે. આ બધા ગંભીર ગુનાના આરોપીઓ છે. જે પૈકી પ્રકાશ કુશવાહા મધ્યપ્રદેશના ચંબલનો રીઢો ચોર છે. તેણે અસંખ્ય ઘરફોડ ચોરીના ગુના આચર્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં જે તે વખતે ફરજ બજાવતાં (હાલ અમદાવાદ) પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા અને હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ તથા ટીમે ચોક્કસ બાતમી પરથી અનેક દિવસો સુધી વોચ રાખી ઇન્દોર-ચંબલના તસ્કરોને દબોચી લીધા હતાં. તેમાં પ્રકાશ મુખ્ય સુત્રધાર હતો. તે વખતે તેણે રાજકોટ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ચોટીલા સહિત ગુજરાત અને સોૈરાષ્ટ્ર પંથકની ચાલીસ જેટલી ઘરફોડ ચોરીઓની કબુલાત આપી હતી. એ પછી તેનો કબ્જો સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા પોલીસે પણ ચોરીના ગુનામાં મેળવ્યો હતો. બીજા ચાર કેદી સાથે ચંબલનો આ ચોર પણ ભાગી છુટ્યો છે. તમામને ઝડપી લેવા રાજ્યભરની પોલીસને વાયરલેસથી મેસેજ કરવામાં આવ્યા છે. પ્રકાશને અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડ્યો હતો ત્યારની તસ્વીર જોઇ શકાય છે. ચોરીઓમાં આ ટોળકી મોટર સાઇકલનો ઉપયોગ કરતી હતી.

(3:48 pm IST)