Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કલેકટરના ડુપ્‍લીકેટ પાસ ઈસ્‍યુ થતા હોવાનો ધડાકો

રાજકોટ સીટી પ્રાંત- ૨ના અધિકારીની ખોટી સહીઓવાળા પાસ બજારમાં ફરવા લાગ્‍યા હતા : આવા ખોટા પાસ ઈસ્‍યુ કરનારા જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવાશેઃ ડુપ્‍લીકેટ પાસ ઈસ્‍યુ કરાતા હોવાની ફરીયાદ મળતા તુરંત તપાસનો આદેશ કરતાં કલેકટર રેમ્‍યા મોહન

રાજકોટ,તા.૧૩: લોકડાઉનમાં કલેકટર કચેરીએ રોજબરોજ ઢગલાબંધ અરજી પાસ મેળવવા માટે આવતી હોય છે. તંત્ર દ્વારા ઓનલાઈન અરજીઓ જ કરવાની સુચનાઓ આપવામાં આવી છે. દરમિયાન રાજકોટમાં પ્રાંત અધિકારીની ડુપ્‍લીકેટ સહિવાળા પાસ ઈસ્‍યુ થતા હોવાનો ધડાકો થયો છે. આ બાબતની જાણ કલેકટર શ્રી રેમ્‍યા મોહનને થતાં તેઓએ તુરંત તપાસનો આદેશ આપી દીધાનું અને આવા ડુપ્‍લીકેટ પાસ ઈસ્‍યુ કરનારા જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ આજરોજ સિટી પ્રાંત-૨ના અધિકારી શ્રી સિધ્‍ધાર્થ ગઢવીની નકલી સહિવાળા ખોટા પાસ ઈસ્‍યુ થયાનું જાણવા મળ્‍યુ હતું. જો કે કોઈ વધુ પાસ ફરતા ન હોવાનું જાણ મળેલ આ બાબતની જાણ કલેકટર તંત્રને થતાં તુરંત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ.

કલેકટર શ્રી રેમ્‍યા મોહનને આવા ડુપ્‍લીકેટ પાસ ઈસ્‍યુ થઈ રહ્યાની જાણ થતાં તેઓએ ત્‍વરીત તપાસના આદેશ આપી દીધા હતા અને આવા ખોટા પાસ ઈસ્‍યુ કરનારાઓ સામે ત્‍વરીત ધોરણે પગલા લેવાયાનું જણાવ્‍યું હતું અને આવા લેભાગુ તત્‍વોનો સંપર્ક ન કરવો અને આવા લોકોથી ચેતવા પણ નગરજનોને અપીલ કરી હતી.

અત્રે નોંધનિય છે કે રાજકોટમાં આવતીકાલથી ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગો શરૂ કરવાની છુટ આપવામાં આવી છે. જેના પાસ મેળવવા માટે ઓનલાઈન તેમજ રૂબરૂ પણ ગઈસાંજે અને આજે સવારથી ઘસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન કોઈએ ડુપ્‍લીકેટ પાસ ઈસ્‍યુ કરી દેતા આ મામલાની જાણ તંત્રને થતાં કલેકટર શ્રી રેમ્‍યા મોહન દ્વારા તુરંત કાર્યવાહી કરી અને જયાબદારો સામે કડકમાં કડક પગલા લેવાના આદેશ જારી કરી દીધા છે.

(3:22 pm IST)