Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

''કોરોનાનો કાળો કેર હોય કે આફત મોટી, દોડે એ તો દિવસ રાત લાવે સમાચાર ગોતી''

'સલામ એ પત્રકાર' ચોથી જાગીર પર પ્રશંસા વર્ષાવતા ગીતનું ફિલ્માંકન

એંકર અને એકટર પ્રભાત મજમુદારને આવેલો વિચાર મુર્તિમંત : છેલ્લો દિવસ ફેઇમ મલ્હાર ઠાકર અને હિતેશ વ્યાસ, રીયા સામાણીનો જુસ્સાદાર અભિનય : યુ-ટયુબ અને સોશ્યલ મીડીયામાં ધમાકેદાર પ્રસ્તુતિ : સારો પ્રતિસાદ : અમદાવાદ ઉપરાંત મોટાભાગના દ્રશ્યો રાજકોટમાં જ ફિલ્માવાયા

રાજકોટ તા. ૧૩ : ટાઢ, તાપ, વરસાદની પરવા કર્યા વગર ગતે તે ઋતુમાં સતત સમાચારો મેળવવા દોડતા રહેતા પત્રકારો ઉપર પ્રસંશાના પુષ્પો વર્ષાવાતા એક સરસ ગીતનું ફિલ્માંકન રાજકોટના એંકર અને એકટર પ્રભાત મજમુદાર દ્વારા કરવામાં આવ્યુ છે.

તેઓએ જણાવેલ કે હાલ લોકડાઉન ચાલી રહ્યુ છે, કોરોના સામે લડતા અનેક યોધ્ધાઓને બિરદાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ લડતમાં પણ જેઓ જીવના જોખમે સમચાર મેળવવા સતત દોડી રહ્યા છે એવા પત્રકારોને શા માટે ભુલવા જોઇએ?  માત્ર કોરોના જ નહીં ગમે તેવી કેર વર્તાવતી પરિસ્થિતીમાં દોડતા રહેતા પત્રકારોને મોટીવેટ કરવા એક ગીત તૈયાર કરવાનો વિચાર આવ્યો અને અદાકારો સંગીતકારોનો સહયોગ મળતા 'સલામ એ પત્રકાર' શીર્ષક સાથે અમે એક સરસ ગીત તૈયાર કરી યુ-ટયુબ અને સોશ્યલ મીડિયામાં ફરતુ કર્યુ છે.

આ ગીતમાં છેલ્લો દિવસ ફેઇમ મલ્હાર ઠકકર ઉતરાંત હિતેશ વ્યાસ, રીયા સામાણી સહીતના કલાકારોએ અભિનય આપ્યો છે. મલ્હાર ઠકકરે પોતાના દ્રશ્યો અમદાવાદમાં શુટ કરાવ્યા અને અન્ય કલાકારોએ રાજકોટમાં જ એરપોર્ટ રોડ, માધાપર ચોકડી સહીતના રેસીડેન્સીયલ એરીયામાં શુટ કરાવ્યા છે.

ત્રણથી સાડા ત્રણ મીનીટના આ ગીતમાં પત્રકારોને પ્રોત્સાહીત કરવા એક સરસ પ્રયાસ કરાયો છે. 'કોરોનાનો કાળો કેર હોય કે આફત મોટી, દોડે એ તો દિવસ રાત ને લાવે સમાચાર ગોતી' જેવી પંકિતઓને સ્થાન અપાયુ છે.વચ્ચે વોઇસ ઓવરમાં પ્રભાત મજમુદારના અવાજમાં 'પત્રકાર એક મજબુત  અવાજ છે, જે લોકોની સાથે રહેતો અને  લોકોની વચ્ચે જીવતો ગુંજતો અવાજ છે'  સહીતના શબ્દો વાગોળતી સ્પીચ છે.

એક સમયે મીડીયામાં કામ કરવાનો અનુભવ લઇ ચુકેલા પ્રભાત મજમુદાર કહે છે હાલ તો હું એંકર અને એકટર તરીકે કાર્યરત છુ. પરંતુ લોકડાઉનમાં મને ચોથી જાગીરની ભુમિકા ઉપર ફોકસ કરવાનો વિચાર આવ્યો અને મિત્રો સાથે મળી આ વિચાર મુર્તિમંત કર્યો.

સંગીત શૈલેષ પંડયાએ આપ્યુ છે. જયારે ગીતના શબ્દો શૈલેષ પંડયા અને રવિ ગોહેલે લખ્યા છે. સ્વર સૈફ ત્રિવેદી, પ્રભાત મજમુદાર, તૃપ્તિ તન્ના અને મયુરી બારોટે આપ્યો છે. ગીતનું એડીટીંગ જીજ્ઞેશ પંડયાએ કર્યુ છે. કેમેરાની કરતબ હરીશ શીશાંગીયાએ અજમાવી છે. વિશેષ સહયોગ નંદન જોશીનો રહ્યો છે.આ ગીત યુ-ટયુબ અને સોશ્યલ મીડિયામાં મુકતાની સાથે જ અમોને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યાનું પ્રભાત મજમુદાર (મો.૮૮૪૯૦ ૭૭૦૧૧) એ એક યાદીના અંતમાં જણાવેલ છે.

(2:57 pm IST)