Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

માતા - પિતાના આશિર્વાદ થકી ડોકટર બની છું, તો દર્દીઓની સેવામાં પાછળ કેમ રહું ? - ડો. ગીતા પરમાર

હાથમાં ફ્રેકચર હોવા છતાં દર્દીઓની સેવામાં સતત કાર્યરત

'માસી તમારૃં બી.પી. હાઇ છે. તમે નિમક અને ચરબીવાળો ખોરાક ઓછો કરો, સવારે અને સાંજે રોજ ચાલવાનું રાખો, આ દવા નિયમીત લેજો હો....'  આવા મીઠા શબ્દો સાથે સમજણ આપતો દર્દીઓ સાથેનો વાર્તાલાપ ઉપલેટા તાલુકાના કોલકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાઓ  ત્યારે તમારે કાને પડયા વગર  ન રહે. દર્દીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આગવી આશા સાથે આવતા હોય છે અને જયારે ડો. ગીતાબેનના હસમુખા ચહેરાને જોતાં અને તેમની મીઠા લ્હેકાની વાણી સાંભળતાં જ અરધા સાજા થઇ જાય છે.      

સવારના આઠના સુમારે ઉપલેટા તાલુકાના કોલકી ગામે આવેલ પ્રા.આરોગ્ય કેન્દ્રમાં રોજ આસપાસના ૧૫ ગામોમાંથી દર્દીઓ હાજર જ હોય સૌને ટોકન આપી વારાફરતી દરેકની આત્મીયતાથી તપાસ કરી સૌને યોગ્ય સારવાર અને નિદાન કરી આપતા યુવા ડો.ગીતાબેન પરમાર આમ તો ભીમોરા પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવે છે. પરંતુ હાલ તેઓ કોલકી પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે વધારાના ચાર્જમાં છે.

ડો. ગીતાબેન પરમારને લોકડાઉન પહેલા વાહન સ્લીપ થતાં જમણા ખભે ફ્રેકચર હોવા છતાં નિયમીત રીતે અચુક લોકોની સેવામાં હાજર થઇ જાય છે. ફરજ પ્રત્યેની નિષ્ઠા અંગે ડો. ગીતાબેન જણાવે છે કે કોલકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ નાગવદર, મેખાટીંબી, મોજીરા, સેવંત્રા, જામટીંબી, કલારીયા, કેરાળા, નવાપરા જેવા ૧૫ ગામોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે ખેતિ આધારીતઆ ગામોમાં રહેતા ખેતમજુરોની આર્થિક સ્થિતી નબળી હોય તે સ્વાભાવિક છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયે આવા ગરીબ જરૂરીયાતવાળા દર્દીઓને સરકારી આારોગ્ય કેન્દ્રની સારવાર આશાના કિરણ સમાન બની રહે છે. કાયમ ૭૦થી વધુ દર્દીઓ સામે હાલ કોરોના અને લોકડાઉનના સમયે ૩૫થી વધુ  દર્દીઓ રોજ તપાસ અને સારવાર માટે આવે છે. ખાસ કરીને સગર્ભા બહેનો, હાઇ બી.પી. અને ડાયાબીટીઝ ધરાવતા મોટી ઉંમરના દર્દીઓ અને સામાન્ય તાવ, ખાંસી, અને શરદી એનીમીયા જેવા રોગ સહિતના દર્દીઓ આવે છે.

માતા-પિતાએ ખુબજ મહેનત કરીને તબીબી શિક્ષણ અપાવી ડોકટર બનાવી છે. જો મારી તાલીમ આવા કપરા સમયે લોકોની સેવાના કામમાં ન આવે તો શા કામની આથી લોકડાઉન પહેલા ફેકચર બાદ આરામ કરવાની સલાહ છતાં આરોગ્ય કેન્દ્રમાં હાજર રહી લોકોની તબીબી સારવાર કરવાનું મુનાસીબ માન્યું. આખરે તો મારા કર્મ (આરોગ્ય સેવા) પ્રત્યેની નિષ્ઠામાંજ જીવનની સાર્થકતા છે.

દર માસે નિયમીત સારવાર માટે આવતા બ્લડપ્રેશરના દર્દીએવા સુધાબેન આરદેસણા સંતોષની લાગણી સાથે જણાવે આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારી નિષ્ઠાપૂર્વક ફરજ પર અચુક હાજર રહી આત્મીયતા સાથે તમામ દર્દીઓને સેવા કરી રહી છે. ડો. ગીતાબેન સોલંકી હાથમાં ફ્રેકચર હોવ છતાં નિયમીત હાજર રહી લોકોને સેાવ કરે છે. અમારા જેવા છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આવા કોરોના સંક્રમણના કપરા સમયે પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે એ અમારા માટે ગર્વ અને રાહતની બાબત છે.

ઉલ્લેખનીય છે કે મેડીકલ ઓફીસર ડો. હેપી પટેલના માર્ગદર્શન હેઠળ આયુષ ડો.ગીતાબેન સોલંકી  ફાર્માસીસ્ટ મહેન્દ્રભાઇ, લેબ. ટેકનીશ્યન ધર્મીષ્ઠાબેન, સ્ટાફનર્સ મનીષાબેન ડાભી, ધવલભાઇ પારઘી, મેડીકલ સુપરવાઇઝર મહેશભાઇ તથા જયુભા વાળા સહિતનો કર્મનિષ્ઠ સ્ટાફ સતત હાજર રહી કારોના સંક્રમણના કપરા સમયે પણ દર્દીઓની સારવાર માટે ખડેપગે હાજર રહે છે.  અહીં સર્ગભા મહિલાઓની સમયસર નોંધણી કરી સંસ્થાકીય પ્રસૂતિ, માતા અને બાળકની સંભાળ, ચિરંજીવી યોજના, ટી.બી. નિવારણ કેન્દ્ર, ૧૭થી વધુ પ્રકારની લેબોરેટરી પરીક્ષણો, ડાયાબીટીઝ અને હાઇ બી.પી. જેવા રોગોના દર્દીઓ માટે ખાસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે.

છેવાડાના ગ્રામ્ય કક્ષાએ પણ ડો. ગીતાબેન પરમાર જેવા 'કર્મ પ્રત્યે નીષ્ઠા એ જ  ઇશ્વર પૂજા'ને જીવનમંત્ર બનાવતા કર્મયોગીઓ સેવારત છે. ત્યારે ગુજરાતમાં કોરોના જેવી મહામારી સમયે પણ છેવાડાના વિસ્તારનો દરિદ્રનારાયણ પણ સલામતી બાબતે આશવસ્ત છે.

: સંકલન :

રશ્મિન યાજ્ઞિક

ગુજરાત માહિતી બ્યુરો,

રાજકોટ

(2:56 pm IST)