Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઉદ્યોગોને પાસ નહી પણ ‘આઇડેન્‍ટી કાર્ડ' ઉપર મંજૂરી આપવા કલેકટરની દરખાસ્‍ત

એકી સાથે ર૦ હજાર ઉદ્યોગકારોને મંજૂરી આપવી કઇ રીતેઃ તો ર૦૦ ટીમો બેસાડવી પડેઃ એ શકય નથીઃ રેમ્‍યા મોહનની પત્રકારો સાથે વાતચીત : ઉદ્યોગોમાં લઘુ ઉદ્યોગ-MSME તથા નોર્મલ એમ બધા આવરી લેવાશેઃ સાંજ સુધીમાં ગાઇડ લાઇન આવે પછી જાહેરાત કરાશે : ચેમ્‍બરે પણ ‘પાસ' અંગે રજૂઆતો કરી છેઃ જે ઉદ્યોગ ખૂલશે તેના મોનીટરીંગ માટે જે તે એસો.-ચેમ્‍બર-ફેકટરી ઇન્‍સ્‍પેકટરને કામગીરી સોંપાશેઃ પાસનો દૂર ઉપયોગ ન થવો જોઇએઃ શહેરમાં એકપણ શોપને મંજૂરી નથી અપાઇ

રાજકોટ તા. ૧૩ :  રાજકોટના વેપાર - ઉદ્યોગકારોને કાલથી ખોલવાની મંજૂરીની સરકારે જાહેરાત કરી અને કલેકટર પાસેથી  મંજૂરી લેવાનું જણાવી દિધુ પરંતુ આ જાહેરાતથી કલેકટર કચેરીના અધિકારીઓ મૂંઝવણમાં આવી ગયા છે, કે, એકી સાથે હજારો ઉદ્યોગકારોને પાસ આપવા કેમ, મંજૂરી આપવી કઇ રીતે.

દરમિયાન આજે કલેકટર શ્રી રેમ્‍યા મોહને પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્‍યું હતું કે, રાજકોટમાં હજારો ઉદ્યોગકારો છે, જેમાં લઘુ ઉદ્યોગ-એમએસએમઇ તથા નોર્મલ હજારો ઉદ્યોગકારોને એકી સાથે પાસ આપવા શકય નથી, એટલે અમે સરકારમાં દરખાસ્‍ત કરી છે કે ઉદ્યોગોના ‘આઇડેન્‍ટી કાર્ડ' ના પ્રુફ સાથે આપવી... આ દરખાસ્‍ત સરકારમાં મોકલી છે. સરકાર મજુરી આપશે તો એ મુજબ અથવા તો આજ સાંજ સુધીમાં આવનાર ગાઇડલાઇન મુજબ રાજકોટના ઉદ્યોગોને મંજૂરી અપાશે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટમાં ર૦ હજાર જેટલા નોંધાયેલા ઉદ્યોગો છે. જો આ લોકોને પાસ દેવા બેસશે તો ર૦૦થી વધુ ટીમો ઉભી કરવી પડે, માનવ કલાકોનો ખોટો વ્‍યય થાય એ શકય ન હોય કલેકટર ‘આઇડેન્‍ટી કાર્ડ' અંગે દરખાસ્‍ત કરી છે.

કલેકટરે ઉમેર્યું હતું કે, રાજકોટના ઉદ્યોગકારોએ પણ સેનેટાઇઝેશન, માસ્‍ક, મજૂરોની આવવા-જવાની કલાકો, ભોજનનો સમય, કેટલા મજૂરો છે, સોશ્‍યલ ડીસ્‍ટન્‍ટ વિગેરે ર૯ જેટલી શરતો છે, તેનું પાલન તો કરવુ ફરજીયાત છે.

કલેકટરે ઉમેર્યું હતુંકે શહેરમાં કન્‍ટેમન્‍ટ ઝોન સિવાય તમામ સ્‍થળે ઉદ્યોગોને મંજૂરી અપાશે, એ સૈદ્ધાંતિક નિર્ણય છે. સરકાર ગાઇડ લાઇન તૈયાર કરી છે અમે દરખાસ્‍ત પણ કરી છે. ગાઇડ લાઇન આવ્‍યા બાદ વધુ જાહેર કરાશે.

રાજકોટમાં ઉદ્યોગો ચાલુ થાય તેના મોનીટરીંગ અંગે કલેકટરે ઉમેર્યું હતું કે, જે તે જીઆઇડીસી ઉપરાંત, ફેકટરી ઇન્‍સ્‍પેકટર , રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ અને લાગુ પડતા તમામ એસો.નું સંકલન કરી મોનીટરીંગ થશે. તેમણે ચેતવણી આપી હતી કે પાસનો દૂર ઉપયોગ ન થવો જોઇએ અને રાજકોટમાં કોઇ શોપને મંજૂરી નથી અપાઇ.

દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ઉમેર્યું હતું કે આજે ૪ ટ્રેન રવાના કરાઇ, કાલે પ ટ્રેન રાજકોટથી ઉપડશે. કલેકટર કચેરીમાં ઉદ્યોગકારોના ટોળા અંગે તેમણે જણાવેલ કે એ લોકો ખોટા હેરાન થાય છે. રાજકોટ ચેમ્‍બરે પણ ‘પાસ' ફરજીયાત ન બનાવવાનો આગ્રહ રાખ્‍યો છે અમે પણ મોકલ્‍યું છે, સાંજ સુધીમાં ગાઇડ લાઇન આવી જશે, અમે પણ ઉદ્યોગકારો હેરાન ન થાય તે માટે એક સરખો નમૂનો બનાવી રહ્યાં છીએ.. બધુ સરખુ થઇ જશે.

(3:21 pm IST)