Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

રાહત પેકેજને સ્વદેશી દ્વારા સ્વનિર્ભરતા- સ્વાવલંબનનો હેતુઃ રાજુભાઈ ધ્રુવ

નરેન્દ્રભાઈએ વધુ એક વખત પુરવાર કર્યુ કે એમના હૈયે દેશના સર્વસમાજનું હિત સર્વોચ્ચ સ્થાને વસે છેઃ રાહત પેકેજને આવકાર

રાજકોટ તા.૧૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇ કાલે જાહેર કરેલાં રાહત પેકેજ આત્મનનિર્ભર ભારતને આવકારતાં ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે આ પેકેજ દેશને નવી ઊંચાઇઓ તરફ લઇ જશે, જેમ ચીન સ્વનિર્ભર છે એમ ભારત પણ આવી તમામ શકયતાઓ ધરાવે છે. અને વડાપ્રધાને દેશની જનતાને એ બાબતે જાગૃત કરી છે. પેકેજ દ્વારા એમણે ફરી ઉન્નતિના માર્ગ પર જવાનો મોકો આપ્યો છે. સૌનો સાથ,સૌનૌ વિકાસ એ સૂત્ર અહીં પણ સાકાર થાય છે એવું જણાવીને રાજુભાઇએ કહ્યું છે કે ૨૦લાખ કરોડ જેવી જંગી રકમનું પેકેજ અગાઉ દેશના ઇતિહાસમાં કયારેય જાહેર થયું નથી.

રાજુભાઇએ કહ્યું છે કે કોરોના સંક્રમણ શરુ થયા પછી પાંચમી વાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લોકો સમક્ષ બોલવા ટીવીના માધ્યમથી આવ્યા. એમની પ્રત્યેક વાત, પ્રત્યેક શબ્દ સંવેદનાથી છલકાતો હતો. દેશના લોકોમાં દેશની સંસ્કૃતિમાં પ઼ડેલી અપાર શકયતાની વાત એમણે કરી. સકારાત્મકતાથી વિશ્વને હંમેશા ભારતે જરુર પડ્યે નેતૃત્વ પૂરું પાડ્યું છે. અને કોરોના વખતે પણ એવું જ થયું. આપણા દેશમા અપાર શકયતા છે, અનેક પ્રતિભાઓ પડી છે. પીપીઇ કીટ આપણે ત્યાં કયારેય બની નહોતી, એન ૯૫ માસ્ક પણ કયારેય આપણે બનાવ્યાં નથી. પરંતુ આજે એનું ઉત્પાદન શરુ થયું છે. નરેન્દ્રભાઇએ કહ્યું કે આપણે આવું સંકટ કયારેય નથી જોયું કે નથી સાભળ્યું. આ બધું અકલ્પનીય છે. આ કટોકટી અભૂતપૂર્વ છે. પરંતુ થાકવું, હારવું, તૂટવું ભારત ને મંજુર નથી.માનવજાત ના આ માયાવી દુશ્મન સામે સમગ્ર વિશ્વે એક બની લડવા નું છે.આવી ભયંકર મહામારી સામે આ લડાઇના નિયમોનું પાલન કરીને સતત લડતા રહી આપણે બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે.

આપણે પાછલી શતાબ્દીથી સાંભળીએ છીએ કે ૨૧મી સદી ભારતની છે. આપણને કોરોના પહેલાંની સ્થિતિને,દુનિયાને જોવાનો મોકો મળ્યો છે. હવે જે થઇ રહ્યું છે એને પણ આપણે જોઇ રહ્યા છીએ. આ બન્ને કાળખંડને ભારતની દ્રષ્ટિથી જોઇએ ત્યારે લાગે કે ૨૧મી સદી ભારતની હોય એ આપણું સ્વપ્ન જ નહીં,સંકલ્પ સાથે આપણી જવાબદારી પણ છે. વિશ્વમાં આત્મ નિર્ભર શબ્દના સંદર્ભ,વ્યાખ્યા બદલાઇ રહ્યા છે. અર્થકેન્દ્રી વૈશ્વિકરણ સામે માનવકેન્દ્રી અર્થતંત્ર ચર્ચામાં છે.

રાજુભાઇ ધ્રુવે ઉમેર્યું છે કે નરેન્દ્રભાઇના વકતવ્યમાં તમામ મુદ્દા અસરકારક હતા પરંતુ કેટલાક તો એવા હતા જેની ગાંઠ આપણે સૌએ આજથી જ બાંધવી જોઇએ. એમણે કહ્યું કે માનવજાતિના કલ્યાણ માટે ભારત શું આપી શકે, એ સવાલ હોય તો એનો જવાબ છે ૧૩૦ કરોડ ભારતવાસીઓનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ. કચ્છના ભૂકંપને એમણે યાદ કરીને કહ્યું કે મારી સામે મે એ દ્રષ્યો જોયાં છે. કાટમાળના ગંજ ખડકાયા હતા. આ હાલત બદલાશે એવું નહોતું લાગતું પરંતુ કચ્છ જોતજોતામાં દોડ્યું. દુઃખદ પરિસ્થિતિ ને સુખદ બનાવવાની આ જ સંકલ્પ શકિત ભારત ની પ્રજા પાસે છે.

ગઇકાલના વકતવ્યમાં એમણે ભારતના હવે પછીના વિકાસના પાંચ પાયાની વાત કરી. પાંચ પીલર પર દેશ ઊભો રહેશે. એક તો ઇકોનોમી-અર્થતંત્ર બીજો પીલર એ ઇન્ફ્રાસ્ટ્રકચર, ત્રીજો પાયો એક એવી સિસ્ટમ જે૨૧ મી સદીના સપના સાકાર કરવા વાળી ટેકનોલોજીની સિસ્ટમ હશે. ચોથો પીલર વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને પાંચમો પીલર ડીમાન્ડ. આપણે માંગ અને પુરવઠાની ચેઇનની ક્ષમતાનો પુરતો ઉપયોગ કરવો પડશે.

(11:46 am IST)