Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

હજના નામે પૈસા ઓળવી જનાર સુરતની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એજન્ટને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા. ૧૩ : એ.જી. ઓફીસના નિવૃત કર્મચારી મહમદયુનુસ નુરમહમદ રઝવીએ સુરતની સીકંદર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એજન્ટ સામે રૂપિયા ૧ લાખ ૯૦ હજારનો ચેક રીર્ટનનો દાખલ કરેલ કેસમાં ધી નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ના ગુન્હામાં આરોપી સીકંદરખાન ઇદરીઝખાન પઠાણને એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી જી.ડી. પડીયાએ ૧ વર્ષની સજા તથા વળતરનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી મહમદયુનુશ નુરમહમદ રઝવી કે જે રાજકોટના એ.જી. ઓફીસના નિવૃત કર્મચારી છે અને તેઓ વર્ષ-ર૦૧રમાં નિવૃત થતા પેન્સન તથા પ્રોવિડન્ડ ફંડની આવકમાંથી મુસ્લિમ ધર્મમાં મુખ્ય ગણાતી જાત્રા એટલે કે હજ પઢવા પોતે તથા પોતાના પત્ની કુલસુમબેન મહમદયુનુશ રઝવી એમ બંન્ને દંપતિને હજ પઢવા જવાનું હોય જેથી ફરીયાદીના સબંધી મારફત સીકદરખાન ઇદરીઝખાન પઠાણની ઓળખાણ થયેલ અને તેણે જણાવેલ કે તે સીકંદર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામથી સુરત મુકામે હજ પઢવા જતા લોકો માટેની ટીકીટ સંબંધેની અને આવવા-જવાની વ્યવસ્થા પોતાની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મારફતે મોકલે છે જેથી ફરીયાદી હજ પઢવા જવાનું નક્કી કરેલ અને તેથી આરોપીએ ફરીયાદી પાસેથી કટકે-કટકે રૂ. ૩,૯૦,૦૦૦- આપી દીધેલ પરંતુ હજ પઢવા જવાની આરોપી સીકંદરે કોઇ જ ટીકીટની વ્યવસ્થા ન કરતા ફરીયાદીએ આરોપીને આપેલ ટીકીટની રકમ પાછી માંગતા તા. ૧૩/૯/૧રના રોજ આરોપીએ ફરીયાદીને ર,૦૦,૦૦૦ ચેકથી ચૂકવી આપેલ અને બાકીના પૈસા માટે બે-ત્રણ માસનો સમય ફરીયાદી પાસે માંગેલ જે સમય પૂરો થતા બાકીની રકમ રૂ. ૧,૯૦,૦૦૦નો આરોપીની સુરત, રાંદેર શાખાનો ચેક ફરીયાદીને તા. ૩૦/૧ર/૧રના રોજનો ચેક આપેલ. જે ચેક બેલેન્સ ઇનસફીસ્યન્ટ ના શેરા સાથે પરત ફરેલ જેથી ફરીયાદીએ તેમના એડવોકેટ રાજેશ બી. ચાવડા મારફતે આરોપીને નોટીસ મોકલાવેલ.

ફરીયાદીનું કાયદેસરનું લેણ પ્રાઇમાફેસી સાબીત થતું હોય જેથી ફરીયાદીની ફરીયાદી મંજૂર કરવા દલીલ કરેલ સાથે જે ઉપર સી.આર.પી.સી.ની જોગવાઇ ઉપર ફરીયાદીના એડવોકેટ રાજેશ બી. ચાવડાએ ધ્યાન દોરેલ જેથી આરોપી સામે વોરંટ ચાલુ હોય ચેક રીર્ટન કેસમાં આરોપીની ગેરહાજરીમાં જજમેન્ટ આપી શકાય જે ધ્યાને લઇ આરોપી સીકંદરખાન ઇદરીઝખાન પઠાણને ૧- વર્ષની સાદી કેદની સજા તથા ચેકની બાકીની રકમ વળતર તરીકે ચૂકવવાનો હુકમ રાજકોટ એડી. ચીફ જયુડી. મેજી.શ્રી જી.ડી. પડીયાએ ફરમાવેલ છે અને આરોપી સામે સજાનું વોરંટ ઈસયુ કરેલ છે.

આ કેસમાં ફરીયાદી મહમદયુનુશ નુરમહમદ રઝવીના એડવોકેટ તરીકે શ્રી રાજેશ બી. ચાવડા, કે.બી. ચાવડા, જયોતી શુકલ, જીજ્ઞેશ યાદવ, ધારા મકવાણા, સોના જીવરાજાની, સ્વાતી પટેલ, નયનના મઢવી, હેમા સોલંકી વિગેરે રોકાયેલા હતાં.

(3:55 pm IST)