Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

આવતીકાલે જિન શાસનનો સ્થાપના દિવસ

જૈન દર્શનમાં જે જે તીથઁકરો થાય છે તે નવું તીર્થ ઊભું નથી કરતાં પણ માત્ર તીર્થનો પુનરૂધ્ધાર કરે છે. પ્રભુ મહાવીર પણ અનંતા તીથઁકરોની પરંપરાને અનુસર્યા. અત્યારે વિશ્વમાં મહાવીરના નામે અનેક લોકો પંથ,વાડા અને પોતાનો અલગ ચોકો જમાવવાનો પ્રયત્ન કરે છે તે દરેક માટે આ વાત ખૂબ જ મનનીય છે.જે ઉપદેશ આ ચોવીસીના પ્રથમ તીથઁકર આદીનાથ ઋષભદેવ ભગવાને આપેલો તે જ ઉપદેશ ચોવીસમાં તીથઁકર પ્રભુ મહાવીર આપે છે એટલું જ નહીં પરંતુ આવતી ચોવીસીના દરેક તીથઁકર પરમાત્મા પણ આ જ ઉપદેશ આપશે એટલે જ જિનવાણીને ત્રિકાલાબાધિત કહેવાય છે.અનંત ઉપકારી ચરમ અને પરમ ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીએ ૩૦ માં વર્ષે દીક્ષા અંગીકાર કરી.સાડા બાર વર્ષ અને એક પખવાડીયુ પ્રભુ મૌન રહી આર્ય તેમજ અનાર્ય ક્ષેત્રોમાં વિચરણ કરી અજબ - ગજબની સાધના - આરાધના કરી. કડાઝૂડ અને કઠોર સાધનાની ફલશ્રુતિ રૂપે વૈશાખ સુદ દશમના પ્રભુને કેવળજ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારે દેશના અર્થાત્ ઉપદેશ આપવાનું ચાલુ કર્યું પરંતુ પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ કારણકે કોઇ જીવાત્માએ વ્રત - પચ્ચખાણ અંગીકાર કર્યા નહીં. આ ઘટના જૈન દર્શનમાં આશ્ચર્યકારક ઘટના એટલે કે શાસ્ત્રની પરીભાષામાં અચ્છેરા તરીકે નોંધાણું.બીજે દિવસે વૈશાખ સુદ અગીયારસના પાવન દિવસે પ્રભુએ દેશના -સદ્દબોધ આપ્યો. પ્રભુની વાણીથી પ્રભાવિત થઇ અનેક આત્માઓએ બાર વ્રત અંગીકાર કર્યા તો અમુક પૂણ્યશાળી આત્માઓએ પંચ મહાવ્રત ધારણ કરી સાધુ - સાધ્વીજી બન્યાં. આ જ દિવસે તારક તીથઁકર પ્રભુએ તીર્થની સ્થાપના કરી એટલે કે સાધુ,સાધ્વી,શ્રાવક અને શ્રાવિકા.

પ્રભુના શાસનમાં ૧૪૦૦૦ શ્રમણો,૩૬૦૦૦ શ્રમણીઓ,૧૫૯૦૦૦ શ્રાવકો તથા ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતી.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ દેશના શ્રી આચારાંગ સૂત્રમાં પ્રભુએ ખૂબ સુંદર વાત કરી કે જગતના દરેક જીવો સાથે પોતાના આત્મા સમાન વ્યવહાર રાખવો,જેવી રીતે અનંતા તીથઁકર ભગવંતો રાખતા હતા.ગૌતમ ગણધર હોય કે ગોશાલક,ચંદન બાળા હોય કે પછી ચંડ કૌશીક સર્પ હોય. પ્રભુએ ફરમાવ્યુ કે પ્રત્યેક જીવને સુખ પ્રિય છે. દરેક જીવોને જીવન પ્રિય છે, મરવુ કોઈને ગમતું નથી.

ગણધર ભગવંતોએ પ્રભુની આગમરૂપી અમૃતવાણીની ગૂંથણી કરી આગમ - શાસ્ત્રો રૂપે આપણા સુધી પહોંચાડી અનંત ઉપકાર કર્યો.વૈદિક પરંપરામાં જે સ્થાન વેદોનું છે,પારસી ધર્મમાં જે સ્થાન અવેસ્તાનું છે,ઈસાઈ ધર્મમાં જે સ્થાન બાઈબલનું છે, ઈસ્લામ ધર્મમાં જે સ્થાન કુરાનનું છે, તેવી રીતે જૈન ધર્મમાં આગમ - શાસ્ત્રોનું અનેરૂ સ્થાન છે. આગમ એ અરિહંત તીથઁકર પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે.એટલે જ કહેવાય છે આગમ એટલે જ અરિહંત.પ્રભુની અનંતી કૃપાથી જ વર્તમાનમાં આપણી પાસે આગમ અને અણગાર,સંતો અને શાસ્ત્રો રૂપી મહામૂલી મોંઘેરી મૂડી છે. પ્રભુ મહાવીર નિર્વાણ પધાર્યા ને ૨૫૪૫ વર્ષથયા,હજુ પંચમ આરાના ૧૮૪૫૫ વર્ષ આ જિન શાસન ઝગમગતું, ઝળહળતું, વિજયવંતુ, જયવંતુ રહેવાનું છે.

ચાલો...પ્રવિણભાઈ દેસાઈને પણ યાદ કરીને તેની પંકિતઓ માણીએ.(૩૦.૩)

સંકલનઃ મનોજ ડેલીવાળા, રાજકોટ,મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(3:50 pm IST)