Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રાજકોટની ભાગોળે ૨૧ એકરમાં નિર્માણ પામશે વિપશ્યના ધ્યાન કેન્દ્ર : ૧૯ મીએ ભુમિ પૂજન

રંગપરમાં ૩૦૦ સાધકો લાભ લઇ શકે તેવી ધ્યાન કુટીર અને હોલનું નિર્માણ થશે

રાજકોટ તા. ૧૩ : તન મનને સ્વસ્થ બનાવતી વર્ષો જુની વિપશ્યના ધ્યાન સાધના માટે રાજકોટ નજીક રંગપર ખાતે વિશાળ વિપશ્યના કેન્દ્ર બનાવવાનું કાર્ય હાથ ધરાયુ છે.

 આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ટ્રસ્ટીઓએ જણાવેલ કે આમ તો રાજકોટ ખાતે ૧૯૮૯ થી વિપશ્યના ધ્યાન સાધના થઇ રહી છે. કાલાવડ રોડ પર કણકોટ પાસે ધમ્મકોટ ખાતે અત્યાર સુધી ધ્યાન સાધના ચાલી રહી હતી.

ગોયેન્કાજીએ બતાવે રાહ પર અહીં આયોજીત શીબીરોમાં અત્યાર સુધીમાં ૫૩૦૦૦ સાધક ભાઇ બહેનો લાભ લઇ ચુકયા છે.

ઉલ્લેખનીય છે કે વિપશ્યના શિબિર નિઃશુલ્ક થાય છે અને ૧૦ દિવસ રહેવા જમવાની વ્યવસ્થા પણ નિઃશુલ્ક કરાતી હોય છે. છેલ્લે સ્વૈચ્છીક અનુદાન આપવુ હોય તો આપી શકાય છે. વિપશ્યના એ કોઇ ધર્મ કે પ્રચારનું માધ્યમ નથી કે કોઇ સંપ્રદાયને વરેલ નથી. અહીં દરેકને સન્માન મળે છે.

ત્યારે આ વિપશ્યના સાધના માટે ગુજરાતમાં સૌથી મોટુ કહી શકાય તેવું કેન્દ્ર રાજકોટ નજીક રંગપર ખાતે નિર્માણ કરવા નિર્ણય લેવાયો છે. ૨૧ એકર જગ્યામાં ૩૦૦ સાધકો સમાય શકે તેવો વિશાળ હોલ, વિવિધ ધ્યાન કુટીર, બે ડાઇનીંગ હોલ સહીતની સુવિધા ઉભી કરાશે.

રાજકોટ ઉપરાંત ગુજરાતમાં બાડા કચ્છ, પાલીતાણા, રનોડા (અમદાવાદ), મહેસાણા, સુરત, નવસારી ખાતે કેન્દ્ર આવેલા છે. ગરવા ગીરનારની ગોદમાં પણ નવુ કેન્દ્ર શરૂ થવા જઇ રહ્યુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવી રહેલ ટ્રસ્ટીઓ રમેશભાઇ ઠકકર (મો.૯૯૦૯૯ ૭૧૧૧૬), રસિકભાઇ  માવદીયા (મો.૯૭૨૫૨ ૯૨૨૨૨), હરીશભાઇ સીયાણી, જીજ્ઞેશભાઇ કિયાડા,  રાજુભાઇ મહેતા, અમિતભાઇ સંઘવી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:49 pm IST)