Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રેકડી ધારકોની ખેલદીલીઃ સ્વખર્ચે હોકર્સ ઝોનની સુરક્ષા અને સ્વચ્છતા રાખશે

કાલાવડ રોડના રૂડાનગર-૧ના હોકર્સ ઝોનનાં ધંધાર્થીઓએ મેયરનો આભાર માન્યો

રાજકોટ, તા.,૧૩: મ્યુ. કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રેંકડીધારકો માટે હોકર્સ ઝોન શરૂ કરાયા છે. હવે આ પૈકી શહેરનાં કાલાવાડ રોડ પર આવેલ રૂડાનગર હોકર્સ ઝોનનાં રેકડી ધારકોએ આજે મેયર બિનાબેન આચાર્યનો આભાર માન્યો હતો અને સફાઇ-સુરક્ષા અંગેની ચર્ચાઓ કરી હતી.

આ અંગેની વિગતો મુજબ શહેરના રસ્તાઓ ઉપર રેંકડી અને પાથરણાઓ મારફત વિવિધ ચીજવસ્તુઓ વેંચતા ફેરીયાઓ તથા ખાણીપીણીના વેપારીઓ માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ૯૫ જેટલા હોકર્સ ઝોન બનાવાયા છે. જેમાં ફેરીયાઓ મહિનાનો વહીવટી ચાર્જ ભરી અને માનભેર ધંધો કરી રહ્યા છે. આ દરમિયાન શહેરના રાજમાર્ગો ઉપર હોકર્સ ઝોનને કારણે  ટ્રાફીક જામ, ગંદકી અને ન્યુસન્સ સહિતની સમસ્યાઓ ઉપસ્થિત થઈ રહી છે તેવી ફરીયાદો મેયર તેમજ કમિશ્નરશ્રીને મળતા રાતોરાત કેટલાક હોકર્સ ઝોન રદ્દ કરી તેઓને અન્ય સ્થળે ફેરવવા માટે તજવીજ હાથ ધરાઈ છે.

જયારે ક્રિસ્ટલ મોલ પાસેનો હોકર્સ ઝોન દૂર કરી કાલાવડ રોડ ઉપર રૂડા નગર-૧ વિસ્તારમાં ફેરવવામાં આવ્યો છે. અહીં ૫૫ જેટલા રેકડી ધારકોએ પોતાનો ધંધો શરૂ કરી દીધો છે ત્યારે આ હોકર્સ ઝોનનાં ધંધાર્થીઓ આજે બપોરે ૧૨ કલાકે મેયર બિનાબેન આચાર્યને રૂબરૂ મળી આભાર માન્યો હતો અને સાથો સાથ  હોકર્સ ઝોનમાં નિયમીત સફાઇ થાય અને સુરક્ષા બાબતે ચર્ચા કરી હતી અને ધંધાર્થીઓએ પોતાના ખર્ચે સુરક્ષા - સફાઇ કરાવવાની તૈયારી પણ  બતાવી હતી.

આ અંગે મેયર બિનાબેને જણાવ્યુ હતુ કે, યુનિર્વસિટી રોડ પર આવેલ ભગતસિંહ ગાર્ડન પાસેનાં રેકડી ધારકોને જે.કે ચોક વિસ્તારનાં પ્લોટમાં ફેરવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.(૪.૧૩)

(3:27 pm IST)