Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જૂનાગઢમાં પત્રકારો ઉપર પોલીસનો લાઠીચાર્જ એ નિંદનીય ઘટનાઃ જવાબદારો સામે તાકિદે પગલા ભરો

શિવસેના તથા એનએસયુઆઈનું કલેકટરને આવેદનઃ પગલા નહીં તો આંદોલનની ચેતવણી

રાજકોટ, તા. ૧૩ :. શિવસેના રાજકોટ એકમ તથા એનએસયુઆઈના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી જૂનાગઢ પોલીસે પત્રકારો પર કરેલા હુમલામાં જવાબદાર અધિકારીઓ પર પગલા લેવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, ગઈકાલે જૂનાગઢ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલા રાજકોટના પત્રકાર મિત્રો પર પોલીસે ખોટી રીતે ખાખીનો ખોફ બતાવી લાઠીચાર્જ કર્યો એ ખૂબ જ નિંદનીય અને લાંછનરૂપ ઘટના બની છે. લોકશાહીનો ચોથો આધારસ્તંભ કહેવાતા પત્રકારો પર જ આવી રીતે હુમલો કરનાર અધિકારીઓ પર પગલા નહિ લેવામાં આવે તો સામાન્ય પ્રજાને કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ ઉડી જશે તેમજ લોકો સુધી બધા ક્ષેત્રની સાચી માહિતી ઈમાનદારી, નિષ્ઠાપૂર્વક પહોંચાડનાર પત્રકારો પર થયેલા હુમલાની સમગ્ર ઘટનાનો વિડીયો ફુટેજ હોવા છતાં તંત્ર કોઈ પગલા ન ભરે તેમજ પત્રકાર મિત્રો આખી રાતથી હજુ સુધી એસપી કચેરીએ ન્યાય માટે ધરણા પર બેઠા હોવા છતા કોઈ ન્યાય ના મળે તે લોકશાહીમાં શરમજનક કહેવાય તેમ ઉમરાયુ હતું. નિર્દોષ પત્રકાર મિત્રો પર હુમલો કરનાર અધિકારીઓ પર તાત્કાલીક પગલા ભરી ન્યાય આપવામાં નહીં આવે આવે તો એનએસયુઆઈ ગાંધી ચિંધ્યા માર્ગે પત્રકાર મિત્રો સાથે આંદોલન કરશે.

શિવસેનાના આગેવાનોએ ઉમેર્યુ હતુ કે, ગઈકાલે જૂનાગઢ ખાતે કવરેજ અર્થે ગયેલા રાજકોટના પત્રકાર મિત્રો પર પોલીસ દ્વારા કરાય લાઠીચાર્જની ઘટનાને શિવસેના સખત શબ્દમાં વખોડી કાઢે છે. શિવસેના - જીમ્મી અડવાણીએ જણાવ્યુ હતુ કે પત્રકારત્વ એ સત્યની વાચા છે અને સત્ય જનતા સુધી લાવવું એ એમની ફરજ છે. જે ગઈકાલે ડામી દેવાનો પ્રયાસ કરાયો છે.

રીઢા ગુનેગારની જેમ લાઠીચાર્જ કરનારાઓ આ અમુક ભ્રષ્ટાચારી લોકોને નિર્દોષ લોકો ઉપર જ કેમ સૂરાતન ચડે છે તે સમજાતુ નથી સલામત ગુજરાતની વાતો અહીં પોકળ સાબિત થઈ રહી છે. આ ઘટના કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહી અને તેમા સામીલ તમામ લોકો પર પગલા લેવા શિવસેના દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી ગૃહમંત્રીને રજૂઆત કરાઈ છે. આવેદન દેવામાં બન્ને સંસ્થાના અગ્રણીઓ સર્વશ્રી જીમ્મી અડવાણી, કિશન સિદ્ધપુરા, ચંદુભાઈ પાટડિયા, નાગજી બાંભવા, દર્શિલ મહેતા, સુરજ ડેર, રોહિત રાજપૂત, અભી તલાટીયા, શિવમ ડેર, માનવ સોલંકી, દેવાંગ પરમાર, હર્ષ આશર, અક્રમ બ્લોચ, પ્રિન્સ ખુમાણ, અનિરૂદ્ધ કામલીયા વિગેરે જોડાયા હતા.

(3:21 pm IST)