Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

આજી ડેમની સફાઇ : ૪ ટ્રેકટર કચરો નિકળ્યો

સ્મેશ ગૃપ દ્વારા રાંદરડા તળાવની સફાઇ બાદ હવે આજી ડેમનું સ્વચ્છતા અભિયાન શરૂ કરાયુ : ૭૦ પ્રકૃતિ પ્રેમીઓ આ અભિયાનમાં જોડાયા

રાજકોટ તા. ૧૩ : શહેરને પાણી પુરૃં પાડતા આજી ડેમનું સફાઇ અભિયાન સ્મેશ ગૃપ દ્વારા શરૂ કરાયું છે. જેમાં પ્રથમ તબક્કે ૪ ટ્રેકટર ભરીને કચરો કાઢવામાં આવ્યો હતો.

આ અંગે સંસ્થાની યાદીમાં જણાવાયું છે કે, સ્મેશ ટીમ એ જોયેલુ સ્વપ્ન દિવસે દિવસે સાકાર થઈ રહ્યુ છે. અમે કરેલી અપીલ થી આજે રાજકોટની જનતા મા સ્વચ્છતાની જાગૃતિની સ્ફુરણા થઈ રહી છે. સ્વૈચ્છિક રીતે જોડાયેલા રાજકોટના પ્રકૃતિ પ્રેમીઓ તથા કોર્પોરેશનના સહયોગથી સ્વચ્છતા અભિયાનને સફળતા મળતી રહી છે.

સ્મેશ ટીમના હરસુખભાઈ પટેલે જણાવ્યુ કે રાજકોટની આસપાસ આવેલા જળાશયો ચોમાસા પહેલા સાફ થઈ લોકોમા સ્વચ્છતા વિષેની જાગૃતિ આવે ને લોકો જાતે સમજે તો ચોમાસા પહેલા જળાશયો તેમજ નદીઓ કલીન થઈ જાય. આજી ડેમની સફાઇ શરૂ કરાઇ છે તેમાં ૭૦ જેટલા પ્રકૃતિ પ્રેમીઓનો સહયોગ મળ્યો છે અને પ્રથમ તબક્કે આજી ડેમ વિસ્તારમાંથી ૪ ટ્રેકટર ભરીને કચરાનો નિકાલ કરાયો હતો. આ અભિયાનમા જોડાવા માટે ૯૩૨૭૫૩૦૮૬૭ ઉપર વોટ્સપ કે ફોન કરી સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:18 pm IST)