Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ભીસ્તીવાડમાં કારમાં તોડફોડ કરવાના ગુનામાં હકુભાના પુત્ર એઝાઝ ઉર્ફ એઝલાની ધરપકડ

રાજકોટ તા.૧૩: ભીસ્તીવાડમાં રહેતાં માનવ સેવા સમિતીના સંચાલક ઇમરાન જાનમહમદ મેણુની  કારમાં તથા અન્ય રિક્ષાઓમાં તેના જ મામા હકુભા ખિયાણી અને તેના પુત્રોએ તોડફોડ કરી હતી. આ અંગે ગુનો દાખલ થતાં પ્ર.નગર પોલીસે હકુભાના એક પુત્ર એઝાઝ ઉર્ફ એઝલો અકબરભાઇ ઉર્ફ હકુભા ખિયાણી (ઉ.૩૨)ની ધરપકડ કરી છે.

આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે સ્લમ કવાર્ટર નં.૮૦માં રહેતાં અને માનવ સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટની કાર ચલાવતા સુનીલ રમણીભાઇ સોનગ્રા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી હકુભા ઉર્ફ અકબર ખિયાણી અને તેના બે પુત્રો સામે આઇપીસી ૪૨૭, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે  તા.૨૨-૪ના રોજ પોતે તથા ઇમરાન મેણુ તથા માનવ સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો પંકજ કમલેશભાઇ બારોટ સહિત રાજકોટથી મોરબી હાઉસ પાસેથી અલગ-અલગ કારમાં મોરબી મોહનભાઇ કુંડારીયા સમક્ષ સંસ્થા બાબતની ઔપચારીક વાત કરવા માટે મુલાકાત લેવા જતા હતા તે વખતે હકુભા ઉર્ફે અકબર ખીયાણીએ પણ મોરબી સાથે આવવાની વાત કરતાં તેને ઇમરાન મેણુએ સાથે લઇ જવાની ના પાડતાં બોલાચાલી થઇ હતી.

 તે બાબતે ઇમરાને ગત તા. ૭-પના રોજ પ્ર. નગર પોલીસ મથકમાં અરજી કરી હતી. એ અરજીનો ખાર રાખી હકુભા  સહિતનાએ ઘર પાસે આવી ગાળાગાળી કરી ઇમરાનની કારમાં તથા અન્ય વાહનોમાં તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. પી.એસ.આઇ. આર.એન. હાથલીયાએ એકની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી છે.

(11:45 am IST)