Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સમરસમાં સારવારમાં ભળ્યું સુમધુર સંગીત.. દર્દીઓને ખુશનુમા વાતાવરણ પૂરું પાડ્યું ગાયક પ્રવીણભાઈ એ

સમરસમાંથી નીકળ્યા થઈને એકદમ ફ્રેશ... ચહેરા ઉપર ફક્ત ખુશી છે નથી કોઈ સ્ટ્રેસ..: પ્રવીણભાઈ લીંબડ

રાજકોટ: સવાર પડે અને રફી, મુકેશ અને કિશોરના સુમધુર ગીતોનો લાઈવ રસાસ્વાદ નાસ્તાની સાથે મળે એટલે સવાર બની જાય ખુશનુમા. રોજબરોજનો આ નિત્યક્રમ રચાયો હતો સમરસ કોવીડ કેર સેન્ટરના દર્દીઓ માટે. જેના પ્રણેતા હતા સમરસમાં દાખલ થયેલા દર્દી પ્રવીણભાઈ લીંબડ.  
   આમ તો કોલાપુરના વતની પ્રવીણભાઈ તેમના પરિવાર સાથે રાજકોટ પ્રસંગોપાત આવેલા. ગત તા. ૩૧  માર્ચે વતન પરત ફરે તે પહેલા જ તેમની તબિયત બગડતા તેઓને તેમના પત્ની સહીત સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે તા. ૨ એપ્રિલના સારવાર્થે તેમના પત્ની મંજુલાબેન સાથે દાખલ કરાયા.
 મૂળ સંગીતનો જીવ એવા પ્રવીણભાઈ પોતે કરાઓકે સિંગર. બ્લૂટૂથ માઈક સહિત સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જ હોય જ. એટલે સમરસમાં પણ સવારે ગીત ગાય. પહેલા તો તેમના રૂમમાં બેડ પર બેસી ગીત ગાતા, તેમના સુરીલા કંઠથી આસપાસના દર્દીઓને પણ સવાર સવારમાં મનોરંજન મળી રહેતા હળવાશ અનુભવવા લાગ્યા. બીજા રૂમના દર્દીઓને પણ રસ પડતા મંજુરી લેવી જરૂરી હોઈ પ્રવીણભાઈએ હેલ્પ ડેસ્કમાં હર્ષભાઈને રજુઆત કરતા તેમણે લોબીમાં ગાવાની છૂટ આપી.બસ પ્રવીણભાઈને જોઈતું હતું તે મળી ગયું અને શરુ થયું લાઈવ કોન્સર્ટ. રોજ સવારે અને સાંજે  લોબીમાં બેસી બ્લૂટૂથ સ્પીકર અને મોબાઈલ લઈ એક થી દોઢ કલાક સુધી ગીતો ગાવાના. લોકોની ફરમાઈશ પણ આવે, ને તે ગીતો પણ ગાઈ દે પ્રવીણભાઈ.
 ગત તા. ૧૧ સુધી આ નિત્યક્રમ ચાલ્યો. આમ તો પ્રવીણભાઈની તબિયત પહેલા પાંચ દિવસમાં જ સારી થઈ ગયેલી પરંતુ નિયમ મુજબ તેઓને ૧૦ દિવસનું રોકાણ થયું. આ દિવસો તેમના અને અન્ય દર્દીઓ માટે જીવનભરનું સંભારણું બની ગયું.પ્રવીણભાઈ કોલાપુર ખાતે પ્રતિજ્ઞા નાટ્યરંગ સંસ્થા સાથે સંગીતના માધ્યમથી કેન્સર સહિતના દર્દીઓ માટે છેલ્લા કેટલાક વર્ષોથી સંગીતના કાર્યક્રમો કરે છે. લોકો સ્વૈચ્છએ દાન આપે જે દર્દીઓની સારવારમાં આપી દે. તેમની ૨૧ જણાની ગાયકોની ટીમમાં કેન્સરના એક દર્દી પણ જોડાયેલા છે. ગીત સંગીતના માધ્યમથી દર્દ ભુલાય જતું હોવાનું અને હીલિંગમાં ફાયદો થતો હોવાનું પ્રવીણભાઈ કહે છે. તેમની સંસ્થાનો મંત્ર છે 'મ્યુઝિક ઇસ અ મેડિસિન... વિચ કીપ્સ યુ એવરગ્રીન'રાજકોટમાં સમરસમાં સારવાર અને ભોજનના બે મોઢે વખાણ કરતા પ્રવીણભાઈ ડો. મિત માકડીયા સહિત સમગ્ર આરોગ્ય ટીમનો આભાર માને છે. સમરસમાંથી સાજા થઈ અલવિદા લેતા પ્રવીણભાઈ અને તેમના પત્ની મંજુલાબેન આનંદ સાથે જણાવે છે કે, "સમરસ માંથી નીકળ્યા થઈને એકદમ ફ્રેશ...  ચહેરા ઉપર ફક્ત ખુશી છે નથી કોઈ સ્ટ્રેસ..."  

(8:31 pm IST)